વિદેશ મંત્રી એસ. જયશંકરનો ઝગમગાટ..
અમેરિકાને સુણાવ્યું-પહેલા તમારે ત્યાં શું ચાલે છે,એ જુઓ..
એસ.જયશંકરનો મંત્ર-સીધી બાત, નો બકવાસ..
અમેરિકા ભલે ભારતને દાઢમાં રાખે, ઝુકેંગા નહીં..
અમેરિકાએ ભારતની રસીની ટ્રાયલ અટકાવી..
(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)
એક સમયે ભારતના વિદેશમંત્રી તરીકે પણ રાજકારણીઓને જવાબદારી સોંપવામાં આવતી હતી. વિદેશમંત્રી એટલે વિદેશમાં હરવાનું -ફરવાનું અને ભારતના વડાપ્રધાનની સાથે અનેક દેશોના વડાઓ સાથે મુલાકાતો કરવી, ભારતની વિદેશનીતિનો પ્રચાર કરવો અને પાંચ વર્ષ કાઢી નાંખવા. ફરી જીત્યા તો ફર વિદેશ મંત્રી બનશે નક્કી નહીં. કોઇ રાજકારણીઓએ વિદેશમંત્રી બન્યા બાદ જે કામ ન કર્યુ હોય તે એક સનંદી અધિકારીમાંથી વિદેશમંત્રી બનેલા એસ. જયશંકરે કરી બતાવ્યું છે…!

67 વર્ષિય સુબ્રમણ્યમ જયશંકરને ગુજરાતમાંથી ચૂંટીને રાજ્યસભાના સાંસદ બનાવાયા છે. કેન્દ્રમાં બીજીવાર મોદી સરકાર રચાયા બાદ 31 મે, 2019ના રોજ એસ. જયશંકરને વિદેશમંત્રીનો હવાલો સોંપાયો ત્યારે ઘણાંને નવાઇ પણ લાગી કે એક સનંદી અધિકારી સરકારમાં અને વિદેશમંત્રી તરીકે કેવુ કામ કરશે, ભારતનું કેવુ નામ કાઢશે..? પણ તેમણે વિદેશની ધરતી પર, યુનોમાં અને તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની એક આગવી પ્રતિભા બનાવી કે અમેરિકાને પણ ભારતની ઇર્ષ્યા થાય…!

આ એ જ અમેરિકા છે કે જે છાશવારે ભારતને એક યા બીજા કારણો આપી ધમકાવે, અમેરિકાના ચોક્કસ લોબીના સેનેટરો ભારતની વિરૂધ્ધમાં ઝેર ઓકવાનું કામ કરે અને ભારત કાં તો મૌન રહે કાં પછી ઢીલુ ઢીલુ બોલે. પણ વિદેશમંત્રી તરીકે જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીઠબળથી છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને યુક્રેન-રશિયા યુધ્ધમાં ભારતે રશિયાની સામે અમેરિકાનો સાથ ન આપતાં ભારતને અમેરિકાએ આડે હાથે લેવાનુ શરૂ કર્યુ ત્યારે આપણાં વિદેશમંત્રીએ સુપરપાવર અમેરિકાને એવા જવાબો તેમની જ ભાષામાં આપ્યા કે એક ઘડી તો અમેરિકા પણ ડઘાઇ ગયુ હશે..!

એસ.જયશંકરનો મંત્ર છે- સિધી બાત, નો બકવાસ’. પછી સામે અમેરિકા હોય કે ચીન કે પછી પાકિસ્તાન.. 2019 માં જવાબદારી સંભાળ્યા પછી, જયશંકરે દેશ-વિદેશમાં ભારતીય ડિપ્લોમસીની આખી તસવીર જ બદલી નાખી છે. તેઓ ગોળ ગોળ નહીં સીધી વાત કરે છે અને અટપટા પ્રશ્નોની જાળમાં અટવાતા નથી.

યુક્રેન બાદ રશિયા પાસેથી તેલ/ગેસની ખરીદી સામે અમેરિકાનો વારંવાર વિરોધ અને અવરોધ હોય કે પછી હવે અમેરિકાની ધરતી પર 2+2 વાટાઘાટો હોય, તેમાં થયેલી વાતચીત અને વાઇરલ કેટલાક મીડિયા વાર્તાલાપમાં જયશંકરનો જવાબ સાંભળીને લોકો દંગ રહી ગયા…. એલન મસ્ક જેને ખરીદવા માંગે છે તે માઇક્રો બ્લોગીંગ પ્લેટફોર્મ ટ્વિટર પર ઘણાં લોકોએ લખ્યું છે-વાહ ભઈ વાહ..! આ અગાઉ કોઈ ભારતીય મંત્રીએ જેનાથી દુનિયા ડરે છે એ અમેરિકાને આવી રીતે અરીસો બતાવીને એમ કહ્યું નથી કે તારા તો 18 અંગ વાંકા છે, અમને શુ સલાહ આપો છો…?! સીધી બાત નો બકવાસ…જયશંકર તીખી વાત પણ, ચહેરાના હાવભાવ બદલ્યા વિના સટાસટ કહેવામાં માસ્ટરી ધરાવે છે એવુ પણ જોવા મળ્યું.
38 વર્ષથી ભારતીય વિદેશ સેવામાં રહેલા જયશંકરે અમેરિકા અને ચીનને ખૂબ જ નજીકથી જોયા છે. ડિપ્લોમેટ તરીકે ખૂબ જ જોખી જોખીને બોલતા જયશંકર હવે ફ્રી હેન્ડ મળ્યા બાદ ચોગ્ગા-છગ્ગા ફટકારવા માટે ફોર્મમાં છે. પત્રકારોને આપેલા તેના જવાબો તો વાઈરલ થઈ જ રહ્યા છે, પરંતુ તેમના વન-લાઈનર્સના પણ ઘણાં ચાહકો બન્યા છે..

એસ જયશંકરના હાજર જવાબો સોશિયલ મીડિયા પર તારીફ કરૂ ક્યા ઉસકી જીસને ઉન્હેં બનાયા..ની જેમ ખૂબ તારીફ બટોર રહે હૈ…
થોડા દિવસો પહેલા ભારત અને અમેરિકા વચ્ચે 2+2 મંત્રણા થઈ. જયશંકર તેમના સીનિયર અને સંરક્ષણમંત્રી રાજનાથ સાથે વોશિંગ્ટનમાં હતા. પ્રવાસ દરમિયાન એવા ઘણા પ્રસંગો હતા જ્યારે જયશંકરે ભારતીય હિતને સર્વોચ્ચ સ્થાને રાખ્યું અને મીડિયાની આશંકાઓને સંપૂર્ણ રીતે ફગાવી દીધી.અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ભારતમાં ‘માનવ અધિકારોના ઉલ્લંઘન’નો ઉલ્લેખ મિડિયા સામે કર્યો, એક મિનિટની પણ વાર લગાવ્યાં સિવાય જેવાની સાથે તેવા..નું વલણ અપનાવીને અમેરિકાથી ડર્યા વગર અને ડગ્યા વગર જયશંકરે અમેરિકાને તેની જ ધરતી પર તેની જ ભાષામાં સાફ સાફ સંભળાવી દીધુ- ભારત પણ અમેરિકામાં થઇ રહેલાં માનવાધિકારના ઉલ્લંઘનને લઈને ચિંતિત છે….! આ પહેલા ભારતના કોઈ વિદેશ મંત્રીએ ક્યારેયને અમેરિકાને આ રીતે અરીસો બતાવ્યો નથી-જો પહેલાં તારૂ મોઢુ જો પછી અમને સલાહ આપો..!

યુએસ પ્રવાસ દરમ્યાન બંને દેશોના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓ મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા. દરમિયાન, એક પ્રશ્ન પૂછાયો કે યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યુ છે ત્યારે શા માટે ભારત રશિયા પાસેથી તેલ/ગેસ ખરીદવાનું ચાલુ રાખ્યું છે…? જયશંકરે જવાબમાં આંકડા મૂક્યા. પ્રશ્ન પૂછનાર પત્રકારને કહ્યું કે ભારત રશિયા પાસેથી એક મહિનામાં જેટલું બળતણ ખરીદે છે, એટલુ તો યુરોપ અડધા દિવસમાં ખરીદે છે.., તો આ પ્રશ્ન તો પછી યુરોપિયન દેશોને કરવો જોઈએ…ભારતને શું કામ..?

જયશંકરે વિદેશમાં અમેરિકાને ખૂબ સારી રીતકે ટપાર્યા બાદ દેશમાં સંસદની અંદર વિપક્ષને પણ રાષ્ટ્રીય હિતનું ધ્યાન રાખવાની સલાહ પણ આપી. તેમણે નેહરૂના ખાસ વીકે કૃષ્ણ મેનનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં સૌથી લાંબુ ભાષણ આપવા માટે જાણીતા છે. પણ મેનન જે વાત કલાકોમાં કહે છે, તે જ વાત હું તમને 6 મિનિટમાં કરી શકું છું.’આપણે વિશ્વને જ્ઞાન આપવામાં રસ ન દાખવવાને બદલે રાષ્ટ્રીય હિત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ…

યુક્રેન-રશિયા યુદ્ધને લઈને અમેરિકા સહિત પશ્ચિમના દેશોએ ભારત પર ઘણું દબાણ કર્યું. એક તરફ યુરોપિયન યુનિયન અને યુએસ રશિયા પાસેથી ગેસ ખરીદવાનું ચાલુ રાખે અને બીજી તરફ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરવાની સુફિયાણી સલાહો ભાષણો આપવામાં આવી ત્યારે જયશંકરે આંકડાઓ આપીને પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી નાંખી પોતાના એક ઘા અને બે કટકા જેવા જવાબો સાથે જયશંકર એ ટોચના પ્રધાનોમાં સામેલ થઈ ગયા છે જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે…

અલબત એવુ પણ નહીં હોય કે અમેરિકાને તેમના જવાબોથી માઠુ લાગ્યુ હોય. પણ એટલુ ખરૂ કે સુપર પાવર અને જગત જમાદાર અમેરિકા, રશિયાને સાથ આપવાના મામલે ભારતને દાઢમાં રાખશે. પહેલા પ્રતિભાવમાં એવુ બહાર આવ્યુ કે અમેરિકાએ ભારતની કોરોનાની કોવેક્સીન રસીના ફેઝ-2 અને 3નું ક્લિનિક્લ ટ્રાયલ અટકાવી દીધી છે…આગે આગે દેખો હોતા હૈ ક્યા….! ભારતે પુષ્પા સ્ટાઇલમાં એસ. જયશંકર દ્વારા અમેરિકાને કહી દેવુ પડશે-ભારત રૂકેંગા નહીં… ભારત ઝુકેંગા નહીં.. !
93 , 1