October 1, 2022
October 1, 2022

સેન્સેકસ 1100 પોઈન્ટ ગગડયો; 3 લાખ કરોડ ડુબ્યા: રૂપિયો 81.21

શેર-કરન્સી સહિતના નાણાંબજારોમાં ‘બ્લેક ફ્રાઈડે’નો ઘાટ

મુંબઈ શેરબજારમાં આજે મંદીની હેટ્રીક થઈ હોય તેમ આક્રમણકારી વેચવાલીના દબાણ હેઠળ કડાકો સર્જાયો હતો. સેન્સેકસ 1120 પોઈન્ટ ગગડયો હતો. ઈન્વેસ્ટરોએ 3 લાખ કરોડ ગુમાવ્યા હતા. બીજી તરફ ચલણ બજારમાં પણ રૂપિયાનું ધોવાણ થવા સાથે ઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યો હતો.

સપ્તાહના છેલ્લા દિવસે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,020.80 પોઈન્ટ (1.73 ટકા) તૂટીને 58,098.92ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 302.45 પોઈન્ટ (1.72 ટકા)ના ઘટાડા સાથે 17,327.35ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 59,000 અને નિફ્ટી 18,000ની નીચે ગગડી ગયો છે.

શેરબજારમાં આજે માનસ મંદીનું હતું. શરૂઆત જ ગેપડાઉન રહી હતી. દુનિયાભરમાં વ્યાજદર વધારાના દોર તથા વૈશ્વિક મંદીના વધતા ખતરાનો ગભરાટ પ્રવર્તતો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યા બાદ માસાંતે ભારતીય રીઝર્વ બેંક પણ ધારણાથી વધુ વ્યાજદર વધારો ઝીંકશે તેવી આશંકાથી ફફડાટ હતો.

વિદેશી હુંડીયામણ સતત ઘટતુ હોવાના તથા રોકડ લીકવીડીટી ત્રણ વર્ષ બાદ નેગેટીવ થયાના રીપોર્ટની પણ નકારાત્મક અસર હતી. ડોલર સામે તૂટતા રૂપિયાથી આયાત મોંઘી થશે અને વેપારખાધ-અર્થતંત્ર પર દબાણ વધવાની આશંકા પણ માર્કેટ માટે નેગેટીવ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ઘરઆંગણાથી માંડીને વિશ્વસ્તરેથી નકારાત્મક કારણો ઉદભવી રહ્યા છે. ભારતમાં રિઝર્વ બેંકની ધિરાણનીતિ સમીક્ષા ટ્રીગર સર્જી શકે છે. બે દિવસથી બેંક શેરોનો ભુકકો બોલી રહ્યો છે. તે સૂચક છે અને વ્યાજદર અપેક્ષાથી વધુ વધારાશે તેવી શંકા સર્જે છે. ચારે તરફથી પ્રતિકુળ કારણોથી મોરલ ખખડયું છે.

શેરબજારમાં આજે ટીસીએસ, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લાર્સન, મારૂતી, નેસલે, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, એપોલો હોસ્પીટલ, હિન્દાલ્કો વગેરે ગગડયા હતા. મંદીબજારે પણ ડીવીઝ લેબ, સન ફાર્મા, ટીસ્કો, સીપ્લા વગેરે મજબૂત હતા.

શેરબજારમાં કડાકાથી ઈન્વેસ્ટરોએ 3 લાખ કરોડ ગુમાવ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1021 પોઈન્ટના કડાકાથી 58097 હતો તે ઉંચામાં 59143 તથા નીચામાં 57981 હતો. ઈન્ટ્રા-ડે 1100 પોઈન્ટથી અધિક ગગડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 300 પોઈન્ટ ગગડીને 17330 હતો તે ઉંચામાં 17642 તથા નીચામાં 17291 હતો.

કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયાનું સતત બીજા દિવસે ધોવાણ થયુ હતું. વ્યાજદર વધારાની આશંકા, ઘટતા હુંડીયામણ, વિશ્વસ્તરે આર્થિક મંદીની શંકા જેવા કારણોથી ગભરાટ હતો. રૂપિયો પ્રારંભીક કામકાજમાં 81ની સપાટી તોડીને 81.21 સુધી ધસી ગયો હતો. ઈતિહાસમાં પ્રથમવાર આ સ્તરે તોડયુ હતું. જો કે બપોરે આંશિક રિકવર થયો હતો અને 80.96 સાંપડયો હતો.

 10 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved