મહારાષ્ટ્ર તમિલનાડુના રસ્તે, વારા પછી વારો..
રાણે-પુત્ર સામે ફરિયાદ, સૌમેયા-પુત્ર સામે ફરિયાદ
શિવસેનાના નેતાઓની કરોડોની સંપતિઓ જપ્ત
પરમબીરસિંહ બચી જશે-દેશમુખ જેલમાં..
વાનખેડે બહાર-નવાબ મલિક અંદર..
હવે કોનો વારો-ફડણવીસનો કે રાઉતનો..?
(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)
તામિલનાડુમાં એક સમયે બદલાની રાજનીતિ ચાલતી હતી. જયલલિતા સત્તા પર આવે એટલે વિરોધી ડીએમકેના નેતાઓને પકડીને-ઢસડીને જેલમાં ધકેલાતા. ડીએમકે સત્તા પર આવે એટલે જયલલિતા જેલમાં. તામિલનાડુમાં આવી રાજનીતિ આચરનારા જયલલિતા અને ડીએમકેના વડા એમ .કરૂણાનિધિ બેમાંથી આજે કોઇ જીવિત નથી. પણ તેમના કારનામા તામિલનાડુ અને દેશના રાજકારણમાં નોંધાયેલા છે.

એવુ જ કંઇક હવે મહારાષ્ટ્રના રાજકારણમાં થઇ રહ્યું છે. તું ડાલ..ડાલ.. તો હમ પાંત..પાંત..ની જેમ એક પગલુ કેન્દ્રીય એજન્સી ભરે અને એક ડગલુ મહારાષ્ટ્રની ત્રિપક્ષીય ઠાકરે સરકાર ભરે…! અને જો એમ જ ચાલશે તો મહારાષ્ટ્રની જેલોમાં રાજકારણીઓ જ જોવા મળશે….એક જ બેરેકમાં ભાજપના અને શિવસેના-એનસીપીના રાજકારણીઓ હશે…!

ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં 2019 સુધી ભાજપ અને શિવસેના પાક્કા ભાઇબંધ હતા. શિવસેના મોટાભાઇ અને ભાજપ નાનાભાઇ. ભાજપે દોસ્તી તોડીને એકલા હાથે ચૂંટણીઓ લડવાનો જે અખતરો અજમાવ્યો તે ખતરો બની ગયો છે અને મિડિયામાં એવા સમાચાર પણ આવી શકે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ધરપકડ થઇ…! તે પહેલાં ભાજપના ખમતીધર પૂર્વ સાંસદ કિરીટ સૌમેયા અને તેમના પુત્ર નીલની ધરપકડ થઇ ગઇ હશે કાં તો કોર્ટમાંથી કોઇ રાહત મળી હશે….

આ આખો ખેલ ફેબ્રુઆરી-2021ના રોજ મુકેશ અંબાણીના મુંબઇના નિવાસસ્થાન એન્ટેલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એસયુવી કાર મૂકવાની ઘટનાને પગલે શરૂ થયો.કેસ હજુ ચાલ્યો નથી પણ તેમાંથી જે એક પછી એક નવા નવા ફણગા ફૂટતા ગયા તેમ તેમ એવી ઘટનાઓ બની કે તેનો રેલો કીરીટ સૌમેયા સુધી પહોંચ્યો છે અને પૂર્વ સીએમ પણ તેની ચપેટમાં આવી જાય તો કહેવાય નહીં.

અલબત મુકેશ અંબાણીના ઘરની બહાર જિલેટીન સ્ટીક(એક પ્રકારનો દારૂગોળો કે જે કૂવો ગાળવા માટે વપરાય છે)નો જથ્થો કારમાં મૂકીને એ કાર અંબાણીના ઘરની બહાર મૂકવામાં સૌમેયાભાઇ અને મરાઠી માનુષ ફડણવીસનો કોઇ જ હાથ નથી. પણ જેનો હાથ હતો તે મુંબઇ પોલીસનો અધિકારી વાંઝે દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેના છાંટા મુંબઇના તત્કાલિન પોલીસ કમિશ્નર પરમબીરસિંહ પર ઉડ્યા. તેમણે તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીનો કાદવ ઉછાળ્યો અને વળતા ઘામાં પરમબીરસિંહની સામે ખંડણીના 5-6 કેસો મહારાષ્ટ્ર પોલીસે ફટાફટ નોંધીને ધરપકડની તૈયારી કરી એટલે ખુદ કમિશ્નર ગાયબ..! કોર્ટમાંથી રાહત લઇન આવ્યાં પણ દેશમુખ જેલમાં.

ત્યારબાદ આર્યન ડ્રગ્સ કેસમાં ઠાકરેના મંત્રી (એનસીપી ક્વોટાના) નવાબ મલિકે કેન્દ્રીય એજન્સી એનસીબીના વાનખેડે સામે મોરચો ખોલ્યો. વાનખેડેની બદલી, શાહરૂખખાનનો પુત્ર આર્યન જેલની બહાર અને નવાબ જેલમાં…!

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અજીત પવાર ( ફડણવીસને રાતોરાત ફરી સીએમ બનાવીને તેમના પગ નીચેથી લાલ જાજમ ખેંચનાર અને એનસીપીના સુપ્રિમો શરદ પવારના ભાઇ) પર કેન્દ્રીય એજન્સીએ દરોડા પાડ્યા, શિવસેનાના પ્રવકતા સંજય રાઉતના મિત્ર પર દરોડા અને હવે તેમની પત્નીની અને મિત્રની 11 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઇ. તે અગાઉ પરાકાષ્ટારૂપે કેન્દ્રીય એજન્સીએ સીએમ ઠાકરેના સગા શાળાને ત્યાં દરોડા પાડ્યા. 26 માર્ચ,2022ના રોજ ઠાકરેએ કેન્દ્ર સરકારને લલકાર ફેંક્યો-સત્તા જોઇએ છે..? લઇ લો..પણ મહેરબાની કરીને પરિવારને પરેશાન ના કરો… મને જેલમાં નાંખો પણ આ રીત બરાબર નથી…!

એક સમયે શિવસેનાની સાથે રહેનાર નારાયણ રાણે ભાજપમાં છે અને કેન્દ્ર સરકારમાં મંત્રી છે. 23 ઓગસ્ટ,2021ના રોજ તેમણે શિવસેના-ભાજપના ચાલી રહેલા વિવાદમાં ઝંપલાવ્યુ અને કહ્યું- સીએમ ઠાકરેને એટલી પણ ખબર નથી કે અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે કે હીરક મહોત્સવ…મારૂ ચાલે તો સીએમ ઠાકરેના કાનની નીચે એક ઠોકી દઉં…! વળતી કાર્યવાહી…? નારાયણ રાણેની સામે તાબડતોડ પોલીસ ફરિયાદ અને રાણે કાર્યકરો સાથે જમી રહ્યાં હતા ત્યારે પોલીસ દ્વારા ફટાફટ ધરપકડ. સવાલ કરાયો કે એક રાજ્યની પોલીસ કેન્દ્રના મંત્રીની કઇ રીતે ધરપકડ કરી શકે..?!

રાણેની સામે આ કેસ બાદ તેમના પુત્ર અને તેમની સામે બદનક્ષીનો બીજો કેસ નોંધાયો છે. સોમૈયા તરફ આવીએ. 7 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે આગાહી કરી કે દિવાળી સુધીમાં ઠાકરે સરકારના 11 મંત્રીઓ જેલમાં હશે…! તેમણે ઠાકરે સરકારના એક મંત્રી જિતેન્દ્ર આવ્હાડનું નામ લઇને લલકાર્યુ-આવ્હાડ, બેગ તૈયાર કરી લે જે..જેલ જવુ પડશે…! તેમણે એક ડગલુ આગળ વધીને ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરેનું નામ લઇને દાવો કર્યો કે તેમના નામે 11 બંગલાઓ છે અને બધા બેનામી છે..!

7, એપ્રિલના રોજ સૌમેયા અને તેમના પુત્ર સામે 420ની ફરિયાદ નોંધાઇ. કોઇ પૂર્વ સૈનિક બબન ભીમરાવ ભોંસલેએ ફરિયાદ નોંધાવી કે સૌમેયા નૌકાદળના જહાજ આઇએનએસ વિક્રાંતને બચાવવા શરૂ કરેલા ભંડોળની રકમ 57 કરોડ હડપ કરી ગયા છે. સત્તાવાર રીતે આ રકમ રાજ્યપાલના ફંડમાં જમા કરાવવી જોઇએ, જે જમા કરાવી નથી અને રાજ્યપાલે પણ ખુલાસો કર્યોકે સૌમેયા તરફથી વિક્રાંત માટેની કોઇ રકમ જમા કરાવવામાં આવી નથી.

આ જહાજને નિવૃત કરાયો ત્યારે સૌમેયાએ તેને બચાવવા “સેવવિક્રાંત”ના નામે ઝૂંબેશ ચલાવીને 57 કરોડ ભેગા કર્યા તેમાં ફરિયાદીએ પણ 2 હજારનું દાન આપ્યુ હતું. અને તેને લઇને કીરીટની સામે 420ની ફરિયાદ નોંધાવતા કીરીટે પત્રકાર પરિષદ યોજીને બચાવ કર્યો પણ રાજ્યપાલે કરેલા ખુલાસા કે તેમને સૌમેયા પાસેથી વિક્રાંતના નામે કોઇ ભંડોળ મળ્યુ નથી એ બાબતે પત્રકારોએ ભાજપના પૂર્વ સાંસદને પૂછ્યુ ત્યારે સવાલનો જવાબ આપવાને બદલે વાતચીત સમેટી લીધી.

સૌમેયા અને તેમના પુત્રની ધરપકડ થશે…દેવેન્દ્ર ફડણવીસ પણ જેલમાં જશે…હવે પછી તપાસ એજન્સી કોને ત્યાં મહેમાન બનશે…શરદ પવાર પીએમ મોદીને મળ્યા અને શું વાત કરી…પોતાની સરકાર હોવા છતાં પૂર્વમંત્રી દેશમુખને જેલમાં જ રહેવુ પડશે..રાણે અને તેમના પુત્રની પણ ધરપકડ થશે…રાઉતને પણ સકંજામાં લેવાશે..શું થશે…હવે પછી કોના પર કાર્યવાહી…દેખતે રહીએ…નજર રખતે રહીએ… મહારાષ્ટ્ર કી રાજનિતિ પર… જ્યાંથી આ શરૂ થયુ તે એન્ટેલિયામાં વધારે રહેવાને બદલે મુકેશ અંબાણી જામગરમાં રહેવાનું વધારે પસંદ કરી રહ્યાં હોય નવાઇ નહીં..જામનગરમાં પણ આલિશાન બંગલો છે…
77 , 1