ભારત-પાકિસ્તાન મેચને લઈ ખાનગી કંપનીનો નવો કિમિયો, ખાનગી કંપનીએ મોંઘા હોટેલ રૂમના ભાડાથી બચાવા કેમ્પર વાન તૈયાર કરી

- 13 Oct, 2023
અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચનો જબરદસ્ત ફીવર જામ્યો છે. દેશભરમાંથી લોકો આ કટ્ટર હરીફ ટીમોની મેચ જોવા માટે પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં બહારથી લોકો આવવાના હોવાથી હોટલનાં ભાડાં ખૂબ વધારે તથા રૂમની અવેલેબિલિટીની પણ સમસ્યા સર્જાઈ હતી. એને લઈને ખાનગી કંપનીએ એક હરીફાઈ રાખી હતી, જેમાં વિજેતા 40 લોકો માટે અમદાવાદમાં મેચ દરમિયાન 3 દિવસ ફ્રીમાં કેમ્પર વાનમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશભરના અલગ અલગ જગ્યાએથી આવેલા 40 લોકો મેચના રોમાંચની સાથે કેમ્પર વાનમાં રોકાઇને એક અલગ જ અનુભવ કરશે.
મેચની તારીખ જાહેર થતાં હોટલમાં રૂમનાં ભાડાં વધ્યાં હતાં, જેથી ખાનગી કંપની દ્વારા હરીફાઈ રાખવામાં આવી હતી. એમાં વિજેતા 40 લોકો માટે કેમ્પર વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં છારોડી રોડ પર કેમ્પર વાન રાખવામાં આવી છે. આ વાનમાં 4 લોકો માટે રોકાવાની વ્યવસ્થા કરાઇ છે. આવી કુલ 10 કેમ્પર વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. મેચના એક દિવસ અગાઉથી જ બહારથી લોકો આવવાના શરૂ થશે અને પોતાના સામાન સાથે કેમ્પર વાનમાં રોકાશે.
કેમ્પર વાનમાં 40 લોકોને તદ્દન ફ્રી રાખવામાં આવશે. 13 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી લોકો આ વાનમાં પોતાના સામાન સાથે રહી શકશે. એક વાનમાં વધુમાં વધુ 4 લોકો રહી શકશે. અમદાવાદમાં પ્રથમ વખત મોટે પાયે કેમ્પર વાનનો ઉપયોગ કરવામાં આવશે. કેમ્પર વાનમાં ડબલ બેડ, સોફા કમ બેડ, વોશ રૂમ, ટીવી તથા એસી સહિતની સુવિધા હશે. આમાં એક પ્રકારની વેનિટી વાન જેવી જ સુવિધા હશે.