વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હારઃ ઓસ્ટ્રેલિયા છઠી વાર ચેમ્પિયન બન્યું

- 19 Nov, 2023
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને 6 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ હારે ભારતીય ચાહકોને 2003ના વર્લ્ડ કપની ફાઈનલની યાદ અપાવી દીધી. 20 વર્ષ પહેલા જોહાનિસબર્ગમાં કાંગારૂઓએ ભારતને 125 રનથી હરાવ્યું હતું.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 241 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયન બેટર્સે 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટ્રેવિસ હેડે 137 રનની ઈનિંગ રમી હતી, જ્યારે માર્નસ લાબુશેન 58 રને નોટ આઉટ રહ્યો હતો. આ પહેલા મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી જ્યારે કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડને 2-2 વિકેટ મળી હતી.
લોકોને ક્રિકેટ ફીવર ચડ્યો
અમદાવાદમાં આજે લોકોને ક્રિકેટ ફીવર ચડ્યો છે. મેચ જોવા માટે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ત્યારે અમદાવાદની લાઈફલાઈન મેટ્રો ટ્રેન હાઉસફુલ જઈ રહી છે. મેટ્રોમાં બેસવા માટે લોકોએ સ્ટેશનો પર લાંબી લાઈન લગાવી છે. અંદર બેસવા લોકો પડાપડી કરી રહ્યા છે. ઈન્ડિયન ટીમની જર્સીમાં લોકો જોવા મળતા બ્લુ સમુદ્ર હિલોળા લેતો હોય તેવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
સેલેબ્રિટી, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ હાજર રહ્યાં
મોદી સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું છે. બોલિવૂડ સેલેબ્રિટી, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ સહિતના દિગ્ગજો પણ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા આવ્યા છે. ભારતે એક પછી એક ચાર વિકેટ ગુમાવી દીધી છે. ખાસ તો વિરાટ કોહલી આઉટ થતા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો છે. કોહલી આઉટ થતા જ અનુષ્કા શર્મા સહિત દર્શકો માથુ પકડી ગયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા એરપોર્ટ પહોંચ્યા હતા.
સ્ટેડિયમમાં શાહરૂખ- અજય દેવગણ, અનિલ કપૂર- દીપિકા-રણવીરે ચાર ચાંદ લગાવ્યા....
શાહરુખ ખાન પરિવાર સાથે, અજય દેવગણ, અનિલ કપૂર સ્ટેડિયમ પહોંચ્યા, દીપિકા-રણવીરનું વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા ગઈકાલથી જ સેલિબ્રિટીઓનું આગમન શરૂ થઈ ગયું છે. એરપોર્ટ પર સેલિબ્રિટીઓનું ઢોલ-નગારા તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોડીરાતે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. જ્યારે આજે વહેલી સવારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ, એક્ટર મનોજ જોશી સહિતના સેલિબ્રિટીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
સચિન તેંડુલકરે એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે વર્લ્ડ કપની ટ્રોફી આપણે જ ઉઠાવીશું. ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલ પણ મેચ જોવા માટે અમદાવાદ આવશે. તેમજ શાહરુખ ખાન પરિવાર સાથે, અજય દેવગણ, અનિલ કપૂર અને અજય પિરામલ મેચ જોવા એરપોર્ટથી કારમાં બેસી સ્ટેડિયમ પહોંચ્યા છે. દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને ચિયરઅપ કરતા જોવા મળી રહ્યાં છે.
બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીને બળજબરીથી ચોંટી પડ્યો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષામાં ચૂક જોવા મળી. ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન પેલેસ્ટાઈનનો એક સમર્થક અચાનક મેદાનમાં ઘુસી ગયો હતો. તે બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીને બળજબરીથી ચોંટી પડ્યો હતો. મેચમાં પ્રવેશેલા યુવકે મોઢા પર માસ્ક અને ટી-શર્ટ પર 'આઝાદ પેલેસ્ટાઈન' લખેલું હતું.
તેના હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો. જો કે ત્યાં હાજર સિક્યૉરિટીએ તેને તરત જ પકડી લીધો હતો. તેને પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. અહીં તેણે જણાવ્યું કે તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે અને તેનું નામ જૉન છે. તે વિરાટ કોહલીને મળવા માગતો હતો અને પેલેસ્ટાઈનનું સમર્થન કરે છે. વિશ્વકપની ફાઈનલ જોવા માટે બોલિવૂડની હસ્તીઓ સહિત 1 લાખથી વધુ લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે.
પેલેસ્ટાઈન સમર્થકે વિરાટ કોહલીના ખભા પર હાથ પણ મૂક્યો હતો. આ પછી સુરક્ષા અધિકારીઓ તેને પકડવા માટે મેદાનમાં દોડતા જોવા મળ્યા હતા. આ ઘટના 14મી ઓવરના ત્રીજા બોલ પછી બની હતી. આ દરમિયાન પિચ પર કોહલી સાથે કેએલ રાહુલ રમી રહ્યો હતો.
વર્લ્ડ કપ ફાઈનલ પહેલા પાકિસ્તાન ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને ઈઝરાયલ-હમાસ યુદ્ધનો મુદ્દો ઉઠાવ્યો હતો. શ્રીલંકા સામે મેચ વિનિંગ સદી ફટકાર્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ ગાઝાના લોકોના નામે છે. તે જ સમયે, ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં કેટલાક યુવકો પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને આવ્યા હતા. અહીં પેલેસ્ટાઈનના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
ઇઝરાયલ-હમાસ યુદ્ધથી માત્ર ક્રિકેટ જ નહીં ફૂટબોલ પણ અછૂત નથી રહ્યું. ગયા મહિને, યુસેફ અતાલ અલ્જેરિયાના ફૂટબોલર જે ફ્રેન્ચ ક્લબ માટે રમે છે, તેણે પેલેસ્ટાઈનના સમર્થનમાં એક પોસ્ટ પોસ્ટ કરી. આ પછી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ક્લબના જણાવ્યા અનુસાર અતાલે એક વીડિયો શેર કર્યો હતો જેમાં યહૂદીઓ વિરુદ્ધ હિંસાને સમર્થન આપ્યું હતું.