PhD થયેલી પત્નીની પ્રેરણાથી પરિક્ષા આપવા પતિ થયો મક્કમ
‘બાળકોને માર્ગદર્શન આપવું હોય તો પિતા શિક્ષિત હોવા ખૂબ જરૂરી છે. 2006માં અમારા લગ્ન થયા ત્યારે સમાજશાસ્ત્ર વિષય સાથે એમ.એ. પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ એમફીલ કરી પીએચડી કર્યું અને હાલ માંગરોળની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું.’ આ શબ્દો બકુલભાઈનાં પત્ની અને કનકની માતા ડૉ. મનીષા પરમારના છે.
28 માર્ચ સોમવારથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે અમદાવાદમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં 42 વર્ષીય પિતા અને 16 વર્ષીય પુત્ર બંને ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. બકુલભાઈ પરમાર મણિનગર હિરાભાઈ ટાવર પાસે રહે છે અને કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલા છે. 1999માં પરિવારની જવાબદારી સંભાળવામાં તેમને ધોરણ 10માં નાપાસ થયા બાદ અભ્યાસ ટૂંકાવ્યો હતો.
2006માં મનીષાબેન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. મનીષાબેન પોતે શિક્ષિત હોવાથી માને છે કે, તેમના પતિએ પણ આગળ અભ્યાસ કરવો જોઈએ. ભણવાની કોઈ ઉંમર નથી હોતી, વ્યક્તિ ગમે તે ઉંમરે શિક્ષણ મેળવી શકે છે. મનીષાબેને કહ્યું કે, બકુલભાઈને કમ્પ્યૂટર ટેક્નોલોજીમાં વિશેષ રસ હોવાથી ધોરણ 10 પાસ થયા બાદ તેમને ડિપ્લોમા ઈન કમ્પ્યૂટર અથવા બેચલર ઓફ કમ્પ્યૂટર એપ્લિકેશનનો અભ્યાસ પૂરો કરાવશે.
બકુલભાઈએ કહ્યું કે, જીવનમાં આગળ ભણવા માટેની પ્રેરણા તેમનાં પત્નીએ આપી છે. દીકરો ભણવામાં હોશિયાર છે. ઈસનપુરની અમરજ્યોતિ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમાં તે અભ્યાસ કરે છે અને મેં ઘરની નજીક નિલકંઠ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો અને જી.વી. સેકન્ડરી સ્કૂલમાં તેમનું પરીક્ષા કેન્દ્ર છે. સોમવારે સવારે પિતા અને પુત્ર બંને એક સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા પહોંચશે.
ઓછા અભ્યાસથી નોકરી ન મળતાં વ્યવસાય શરૂ કર્યો
સામાન્ય પરિવારમાં રહેતા બકુલભાઈના માથે પરિવારની જવાબદારી આવી પડતા 10મા ધોરણમા એક વખત નાપાસ થયા બાદ અભ્યાસ ટૂંકાવવો પડ્યો હતો. તેઓ કહે છે કે, તેમના પિતા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હતા. ઓછા અભ્યાસના કારણે નોકરી મળવામાં ભારે મુશ્કેલી પડી હતી અને જ્યાં નોકરી મળી ત્યાં પગાર ધોરણ એટલા ઓછા હતા કે, તે પગારમાંથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. આ કારણે પરીક્ષામાં નાપાસ થયા બાદ પિતાના કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં તેઓ જોડાઈ ગયા હતા અને પિતાને કામ કરતા જોઈ કન્સ્ટ્રક્શનનું કામ શીખી ગયા હતાં.
88 , 1