ભારતીય ટીમ શ્રેણી જીતવા હોટ ફેવરીટ
ભારતે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમને વનેડ અને ટી-20માં સૂંપડા સાફ કરતા શ્રેણીમાં એકતરફી રીતે હરાવીને શ્રેણી 3-0 થી કબજે કરી હતી ત્યારે હવે આજથી શરૂ થતી શ્રીલંકા વિરુદ્ધ ટી-20 મેચમાં ચારો ખાના ચિત કરવા મેદાનમાં ઉતરશે. કેરેબિયન શ્રેણીમાં ભારતના યુવા સ્ટાર્સે જોરદાર રમત બતાવી અને પોતાનો પ્રભાવ છોડ્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે ઘણા મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી છતાં, ભારતે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બે વખતના વિશ્વ ચેમ્પિયનને એક પણ મેચ જીતવા દીધી નહીં. ભારતે શ્રીલંકા સામે ત્રણ મેચની T20 શ્રેણી અને પછી બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આજથી એટલે કે 24 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 શ્રેણીની પ્રથમ મેચ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી અને રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે.
આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે અને કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ તેની તૈયારી કરી રહ્યા છે. શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમને તેમના ખેલાડીઓ અને સંયોજનને ચકાસવાની વધુ એક તક મળશે.
આ સિરીઝની સાથે જ રોહિત ટેસ્ટમાં પણ કેપ્ટન્સી ડેબ્યૂ કરશે. તે પ્રથમ વખત ફુલ ટાઈમ કેપ્ટન તરીકે ટેસ્ટમાં પ્રવેશ કરશે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ લાંબા ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી રોહિત શર્માને ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી શ્રેણીની શરુઆત 24 ફેબ્રુઆરીથી થનારી છે. બંને વચ્ચે લખનઉમાં ટી20 મેચ સાથે સિરીઝની શરુઆત થશે. આ માટે ભારતીય ટીમ સોમવાર થી જ લખનઉ પહોંચી ચુકી છે. જ્યારે ટેસ્ટ મેચનો પ્રારંભ 4 માર્ચ થી શરુ થશે.
નોંધનીય છે કે, શ્રીલંકાની ટીમ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટી-20 શ્રેણીમાં 4-1થી કારમો પરાજયનો સમાનો કરવો પડ્યો હતો.
63 , 1