September 27, 2022
September 27, 2022

U-19 ચેમ્પિયન કેપ્ટન ધૂલે ડેબ્યૂ મેચમાં સદી ફટકારી

રણજી ટ્રોફીમાં યશ ધૂલનો ધડાકો….

ભારતના અંડર 19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન યશ ધુલે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની શાનદાર શરૂઆત કરી છે. યશ ધુલે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં તમિલનાડુ સામે તેની રણજી ટ્રોફી ડેબ્યૂમાં દિલ્હી તરફથી રમતાં શાનદાર સદી ફટકારી છે. યશ ધુલે માત્ર 133 બોલમાં સદી ફટકારી હતી, જેમાં તેણે 16 ચોગ્ગા માર્યા હતા. રણજી ટ્રોફી માટે તે સારી શરૂઆત હતી, બે વર્ષ બાદ શરૂ થયેલી રણજી ટ્રોફીમાં ધુલે તમિલનાડુના શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ સામે સારું પ્રદર્શન કર્યું હતું.

અંડર 19 વર્લ્ડ કપના હીરો રાજ અંગદ બાવાએ પણ રણજી ટ્રોફીમાં શાનદાર શરૂઆત કરી છે. તેણે ચંડીગઢ તરફથી રમતાં તેની રણજી ટ્રોફી કારકિર્દીના પ્રથમ બોલ પર પ્રથમ વિકેટ લીધી હતી. રાજ બાવાએ હૈદરાબાદના તન્મય અગ્રવાલને આઉટ કરીને પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની શરૂઆત વિકેટ સાથે કરી હતી. બાવા આઈપીએલમાં રમતો જોવા મળશે. તે હરાજી દરમિયાન U19 વર્લ્ડ કપ 2022 બેચનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. તેને પંજાબ કિંગ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

આઇપીએલ 2022ની હરાજીમાં યશ ધુલને દિલ્હી કેપિટલ્સે રૂ. 50 લાખમાં ખરીદ્યો છે. કેપ્ટન તરીકે યશ ધૂલે આ મહિનાની શરૂઆતમાં ભારતને U19 વર્લ્ડ કપનું ટાઇટલ અપાવ્યું હતું. ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. તેણે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારી હતી.

 42 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved