ગ્રીન કાર્ડની રાહ જોતાં ભારતીયો માટે ખુશખબર , અમેરિકા પાંચ વર્ષ માટે રોજગાર ઓર્થોરિટી કાર્ડ આપશે

- 14 Oct, 2023
અમેરિકાએ જાહેરાત કરી છે કે તે ગ્રીન કાર્ડની રાહ જોતાં લોકો સહિત અમુક નોન ઈમિગ્રન્ટ કેટેગરીને પાંચ વર્ષ માટે રોજગાર ઓથોરિટી કાર્ડ એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ આપશે. આ એક એવું પગલું છે જેનાથી અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને ફાયદો થશે.
યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝએ કહ્યું કે, તે અમુક નોન સિટીઝન માટે ઈનિશિયલ અને રિન્યૂઅલ એમ્પલોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ કે પછી ઈએડીની મહત્તમ કાયદેસરતાને 5 વર્ષ માટે વધારવાની તૈયારી કરી રહ્યું છે.
EADની મહત્તમ કાયદેસર મુદ્દતને 5 વર્ષ સુધી વધારવાનો ઉદ્દેશ્ય નવા ફોર્મ I-765, રોજગાર ઓથોરિટી માટે અરજીની સંખ્યાને ઘટાડવાનો છે જે સંબંધિત પ્રોસેસિંગ ટાઈમિંગ અને બેકલોગને ઘટાડવાના પ્રયાસોમાં મદદરૂપ થશે. જોકે એમ પણ કહેવાયું છે કે બિન નાગરિક એટલે કે નોન સિટીઝન રોજગાર ઓથોરિટી જળવાઈ રહેશે કે નહીં આ તેમની અંતનિર્હિત સ્થિતિ, પરિસ્થિતિઓ અને EAD ફાઈલિંગ કેટેગરી પર નિર્ભર રહેશે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિને 5 વર્ષની મહત્તમ કાયદેસર મુદ્દત માટે સ્ટેટ્સ એપ્લિકેશનના પેન્ડિંગ એડજસ્ટમેન્ટના આધારે કેટેગરી હેઠળ ઈએડી મળ્યું હશે અને પછી એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન સસ્પેન્ડ કરાયું હોય તો તેમના સહાયક રોજગાર ઓથોરિટીને તેમના ઈએડી પર લિસ્ટેડ સમાપ્ત તારીખથી પહેલાં સમાપ્ત કરી શકાશે.
એક નવા અભ્યાસ અનુસાર 10.5 લાખથી વધુ ભારતીયો રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યા છે અને તેમાંથી 4 લાખ અમેરિકાના કાયમી નિવાસના બહુપ્રતીક્ષિત કાનૂની દસ્તાવેજ મેળવતા પહેલાં મૃત્યુ પામી શકે છે.