દશેરાએ અમદાવાદીઓ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે....!

- 23 Oct, 2023
દશેરો એ અસત્ય પર સત્યને વિજય દર્શાવતું મહાપર્વ છે. આ વખતે દશેરા 24 ઓક્ટોબરના રોજ દેશભરમાં ઉજવાશે. વિજ્યાદશમી એટલે કે દશેરાની આનંદ-ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં શહેરીજનો દ્વારા વિજ્યાદશમી પર્વ સાથે પરંપરાગત રીતે જોડાયેલા ફાફડા-જલેબી અને ચોળાફળીની મન ભરીને લહેજત માણે છે. અમદાવાદીઓ આ દિવેસ કરોડો રૂપિયાના ફાફડા- જલેબી ઝાપટી જશે.
દશેરાના દિવસે ઠેર-ઠેર ફાફડા જલેબીના સ્ટોલ જોવા મળે છે. એક દિવસમાં લાગતા આ સ્ટોલોમાં કોઈ મંજૂરી લેવાતી નથી. ઘણા સ્થળે તો શહેરના મુખ્ય માર્ગો પર સ્ટોલ લાગેલા હતા. બીજી તરફ શહેરના મુખ્ય બજારોમાં પણ દુકાનદારોએ પાર્કિંગ અને લોકોની અવર-જવરની જગ્યામાં જ સ્ટોલ લગાવીને ફાફડા-જલેબી વેચે છે. આ વર્ષે પણ વધતી જતી મોંઘવારી ખાદ્યતેલ - ઘી તથા અન્ય સામગ્રીના ભાવમાં થયેલા વધારાના પગલે પ્રતિકિલો 40થી 50 રૂપિયાના વધારા સાથે ફાફડાનો ભાવ 450થી 550 સુધી જોવા મળી રહ્યો છે. બીજી તરફ શુદ્ધ ઘીની જલેબી 1000ના ભાવે વેચાઈ રહી છે. જ્યારે સામાન્ય બજારમાં સરેરાશ જલેબીના ભાવ 600થી700માં મળી રહી છે.
દશેરાના પર્વ પર કેમ ખાવામાં આવે છે ફાફડા-જલેબી?
જલેબી સાથે ફાફડા ખાવાના બીજા પણ કારણ છે. કહેવાય છે કે હનુમાનજીને ચણાના લોટની વાનગી ખૂબ જ ભાવતી. જલેબી સાથે જ્યારે ફરસાણ ખાવાનુ શરૂ થયું ત્યારે હનુમાનજીના પ્રિય ચણાના લોટના ફાફડાનું અવતરણ થયુ. અન્ય માન્યતા એવી છે કે નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ બાદ ચણાના લોટની વાનગીથી જ પારણા થવા જોઈએ. એટલે પણ કહી શકાય છે કે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ.