February 1, 2023
February 1, 2023

યુપીના ચૂંટણી પરિણામોનું ગુજરાતમાં પુનરાવર્તન..?!

વિપક્ષમાં સપાની જેમ આપ, ત્રીજા નંબરે કોંગ્રેસ અને સત્તાસ્થાને ભાજપ, કોંગ્રેસમા ફરી ભંગાણના ભણકારા

પીએમ મોદીએ કાર્યકરોને ચેતવ્યા-ગુજરાતમાં આ વખતે બધા જ મારી અને ભાજપની સામે આવશે, એલર્ટ રહેજો..

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

દેશના ચૂંટણી પંચના ચોપડે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર-2022માં યોજાવાનું લખાયેલુ છે. પણ 182 બેઠકો ધરાવનાર વિધાનસભાની ચૂંટણીઓ વહેલી પણ આવી શકે.

ગુજરાતના રાજકારણમાં રાજકીય ભૂકંપરૂપી થઇ રહેલી આંતરિક અને બાહ્ય હલચલ-ગતિવિધિ, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં ભવ્યાતિભવ્ય સ્વાગત, રક્ષાશક્તિ યુનિ. ખાતે સીએમ સહિત અન્ય નેતાઓ સાથે બંધ બારણે બેઠકોનો દોર, વડાપ્રધાનની મુલાકાત વખતે જ અમદાવાદમાં સંઘ વડા મોહન ભાગવતના અધ્યક્ષસ્થાને આરએસએસની ત્રણ દિવસીય પરિષદ, લેઉવા પાટીદાર મતો માટે ખોડલધામના નરેશ પટેલને પોતાની તરફ લાવવાના પ્રયાસો, ગુજરાતમાં કોંગ્રેસના 10 ધારાસભ્યો આઘાપાછા થઇ શકે એવી રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની આલબેલ, કોંગ્રેસના 20 ધારાસભ્યો દ્વારા રાહુલ ગાંધીને મળવા માટે લખાયેલો પત્ર, પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાની સરકારી કવાયત, પંજાબ જીત્યા બાદ ગુજરાતમાં આપ પાર્ટીનો મોદીની જેમ કેજરીવાલના ભવ્ય રોડ શોનું આયોજન આ તમામ સમય -સંજોગો એવો ઇશારો કરે છે કે ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીઓ આવી શકે છે…!

2017માં ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હિમાચલપ્રદેશની સાથે રાબેતા મુજબ યોજાઇ નહોતી. બનાસકાંઠામાં ચોમાસાના પૂરે વેરેલા વિનાશનું કારણ આગળ ધરીને ગુજરાતની અલગથી ચૂંટણીઓ યોજાય તે પહેલાં માર્ચ-2017માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને હરાવવા કોંગ્રેસમાંથી એક પછી એક એમ 14 ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસ હાઇકમાન્ડ હચમચી ગયું હતું. તેમ છતાં કોંગ્રેસે 2017માં 1995 પછી સૌથી વધારે 77 બેઠકો મેળવીને ભાજપના જીવ અધ્ધર એટલે કર્યા હતા કેમ કે ભાજપને માત્ર 99 બેઠકો મળી હતી. એ ભાજપ કે જેણે 1995 પછી ક્યારેય આટલી ઓછી બેઠકો મેળવી નહોતી, તેને સત્તા માટે જરૂરી એટલી 92 કરતાં માત્ર 7 બેઠકો જ વધારે અને તે પણ મોદીએ પ્રચારના છેલ્લા તબક્કામાં સુરતમાં જોર લગાવ્યુ ત્યારે સુરત શહેર-જિલ્લાના તમામ 16 બેઠકો ભાજપને મળી ત્યારે નેતાઓના અધ્ધર શ્વાસ હેઠે બેઠા હશે.

2017ની ચૂંટણીઓ બાદ રૂપાણીને ફરી સીએમ બનાવ્યા અને 2022 આવતા આવતા સરકારમાં અને સંગઠનમાં નેતૃત્વ પરિવર્તન થઇ ગયું. ગુજરાતમાં પાટીદાર સીએમ હોવા જોઇએ એવી ટકોર લેઉવા પાટીદાર નેતા નરેશ પટેલ કરી અને રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ છેલ્લી હરોળમાંથી સીએમની ખુરશીમાં બેસી ગયા. તેમની સરકારને હજુ 200 દિવસ પણ થયા નથી. એટલુ ખરૂ કે વિધાનસભાની ચૂંટણીઓ તેમના અને પાટીલની આગેવાનીમાં લડાશે એમ પાર્ટી ભલે કહે પણ એ ચૂંટણી જંગના કમાન્ડર અને કમાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હાથમાં હશે.

રાજકિય નિરીક્ષકો ગુજરાતની ચૂંટણીઓ અને ભાવિ પરિણામોની સરખામણી યુપી સહિતના પાંચ રાજ્યોના પરિણામો સાથે કરીને માની રહ્યાં છે કે જેમ યુપીમાં કોંગ્રેસનો સફાયો કરીને સપાને મોકળુ મેદાન આપીને વિરોધપક્ષમાં લાવવામાં આવ્યાં, તેમ ગુજરાતમાં આ વખતે આપ પાર્ટીને પણ મોકળુ મેદાન આપીને વિરોધપક્ષમાં બેસાડવામાં આવી શકે. યુપીની જેમ ગુજરાતમાંથી પણ કોંગ્રેસના નામનો એકડો જ કાઢી નાંખવામાં આવે કે નિકળી જાય તેવી પાકી રાજકીય વ્યવસ્થા અને આયોજન આ વખતે કરી દેવામાં આવ્યું હોવાનું મનાય છે.

ભાજપ આ વખતે ચૂંટણી જંગ જીતવા ગઇ વખતની જેમ અતિવિશ્વાસમાં રહેવા તૈયાર નથી. ગઇ વખતના પરિણામનું પુનરાવર્તન થાય એવી કોઇ શક્યતા નથી.. આ વખતની ચૂંટણીમાં નવા સીએમ છે. નવી સરકાર છે, કોરોનાની ત્રીજી લહેરમાં પટેલ સરકાર વગોવાઇ નથી અને મતોના ધ્રુવીકરણ માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં સોસાયટીઓમાં ભાજપ અને વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર દર્શાવવામાં આવી રહેલી “ધ કાશ્મિર ફાઇલ્સ” ફિલ્મ મતદારોને મતદાન મથક સુધી ખેંચી જશે. દેખીતી રીતે કોને વોટ મળશે તે કહેવાની નજરૂર નથી.

યુપીમાં પ્રિયંકા ગાંધી વાડ્રાની લડકી હું લડ શકતી હું..અભિયાન અને 40 ટકા ટિકિટ મહિલાઓને આપીને કરાયેલી મહેનત બાદ 403માંથી માત્ર બે બેઠકો મળી, તેમ ગુજરાતમાં આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ફરી રાહુલ ગાંધી પ્રચારમાં ઉતરે કે પ્રિયંકા ગાંધી વાડ્રા આવે તો પણ કોંગ્રેસને 182માંથી આ વખતે 77 નહી પણ 7 કે 10 બેઠકોથી આગળ વધવા દેવામાં નહીં આવે, એમ રાજકીય નિરીક્ષકો માની રહ્યાં છે.

ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડનાર આપ પાર્ટીને કોંગ્રેસ કરતાં વધારે મળે અને ભાજપે પોતાનો આ વખતે 99 નહીં પણ 150 બેઠકોનો ટાર્ગેટ નક્કી કરી દેવાયો હોવાનું મનાય છે. સ્થાનિક ચૂંટણીઓમાં એકાએક પ્રવેશ કરી અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં 7 બેઠકો અને મોડાસામાં કોંગ્રેસ કરતાં વધારે બેઠકો મેળવનાર ઔવૈસીની મીમ પાર્ટી કોંગ્રેસને મળનાર લઘુમતીઓના મતોમાં અને માયાવતીની પાર્ટી દલિતોના મતોમાં ગાબડાં પાડીને ભાજપ ગુજરાતમાં કોંગ્રેસને આ વખતે ખો ભૂલાવી દે તો નવાઇ નહીં..એમ કહી શકાય કે ગુજરાતમાં યુપીના પરિણામોનું પુનરાવર્તન થઇ શકે. સત્તા સ્થાને ફરી ભાજપ, વિપક્ષમાં આપ પાર્ટી અને ત્રીજા નંબરે કોંગ્રેસ…!?

ગુજરાતની મુલાકાત વખતે મોદીએ ભાજપના કાર્યકરોને ચેતવ્યા કે ગુજરાતમાં આ વખતે મારા અને ભાજપના તમામ લોકો સામે આવશે. તે જોતા બની શકે કે ગુજરાતની ચૂંટણીઓમાં એમસીપી, શિવસેના, સપા અને મમતાદીદીની પાર્ટી પણ મેદાનમાં આવે તો નવાઇ નહીં યુધ્ધ અને પ્રેમમાં બધુ જ શક્ય છે. ગુજરાતમાં કોઇ ગમે તેટલા અસ્ત્ર-શસ્ત્ર-બ્રહ્માસ્ત્ર સાથે આવે પરિણામ તો નક્કી જ છે- આયેગા તો મોદી હી…

 108 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved