CM અશોક ગેહલોતે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી
રાજસ્થાનની સૂર્યનગરીના જોધપુરમાં ઈદ અલ-ફિત્ર અને અક્ષય તૃતીયાના તહેવાર પહેલાં સોમવારે મોડી રાત્રે બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતાં. સંઘર્ષની શરૂઆત જલોરી ગેટ ચોક પર બાલમુકંદ બિસ્સા સર્કલ પર ભગવા ધ્વજને ઉતારીને તેના સ્થાને સમુદાયના ધ્વજને લહેરાવવાથી શરૂ થઈ હતી. આથી મામલો વધારે બિચક્યો અને એકાએક સામસામે પથ્થરમારો શરૂ થઇ ગયો. આ પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ પણ થયા.
જો કે, પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે વચ્ચે પડી ટોળાંને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ ભીડ બેકાબૂ બનતાં પોલીસે આ દરમિયાન લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ભીડને વિખેરવામાં લાગેલી પોલીસ પર એક સમુદાય દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો. જેમાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા છે.
બીજી તરફ ઘટનાને કવર કરી રહેલા મીડિયાકર્મીઓ પણ પોલીસના ગુસ્સાનો શિકાર બન્યા હતાં, પોલીસે 4 મીડિયાકર્મીઓને પણ માર માર્યો હતો. હાલ સમગ્ર શહેરમાં વાતાવરણ તંગ સર્જાયું છે. પોલીસે તહેવારને સાંપ્રદાયિક સંવાદિતા સાથે ઉજવવા અપીલ કરી છે.
જિલ્લા પ્રશાસને તણાવપૂર્ણ વાતાવરણને જોતા સાવચેતીના પગલારૂપે ઈન્ટરનેટ સેવાઓ મોડી રાતથી જ બંધ કરી દીધી છે. જોધપુરમાં રાતના 1 વાગ્યાથી જ તમામ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જોધપુરના ડિવિઝનલ કમિશનર હિમાંશુ ગુપ્તાએ જારી કરેલા આદેશમાં સમગ્ર જોધપુર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ઈદ પહેલાં સાંપ્રદાયિક સંવાદિતા બગડ્યા બાદ હવે સમાજના આગેવાન લોકો મોરચો સંભાળવા આગળ આવ્યા છે. જોધપુર મુફ્તી સાહેબ પણ રસ્તાઓ પર આવી પહોંચ્યા છે અને ભીડને સમજાવીને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
83 , 1