October 1, 2022
October 1, 2022

‘…કેમ નથી થયું કામ’ : CM શિવરાજે મંચ પરથી અધિકારીને કર્યા સસ્પેન્ડ

ટોળાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, Video વાયરલ

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજકાલ બેદરકારી દાખવનારા અધિકારીઓ અને કર્મચારીઓને સીધા સ્ટેજ પરથી જ સસ્પેન્ડ કરી રહ્યા છે. CM શિવરાજે આજે શુક્રવારે, 23 સપ્ટેમ્બરે ડિંડોરીના જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા અધિકારી ટીકારામ અહિરવારને સસ્પેન્ડ કર્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં બેદરકારીને કારણે મુખ્યમંત્રીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.

ડિંડોરી જિલ્લાના હિનૌતા ગામમાં જનસેવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએમ ચૌહાણે અધિકારીઓને સવાલ-જવાબ આપતાં તેમની ક્લાસ લીધી હતી. મુખ્યમંત્રીએ સરકારી યોજનાઓમાં બેદરકારી બદલ કલેક્ટરને ઠપકો પણ આપ્યો હતો.

CM શિવરાજે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજનાના 70 હજાર કનેક્શનના લક્ષ્‍યાંક સામે માત્ર 30 હજાર કનેક્શન આપવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મંચ પરથી જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા અધિકારી ટીકારામ અહિરવારને કહ્યું કે જાઓ, હું તમને સસ્પેન્ડ કરું છું. વીડિયોમાં જોઈ શકાય છે કે જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા અધિકારી CM શિવરાજના સવાલનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ તેમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી.

મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ ટોળાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. જનસેવા શિબિર બાદ CM શિવરાજે રોડ શો પણ કર્યો હતો. તેમણે બસ સ્ટેન્ડ ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી. આ દિવસોમાં ડિંડોરીમાં પણ અર્બન બોડીની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સીએમ શિવરાજના આ પરાક્રમી અવતારને પણ ચૂંટણીની રણનીતિ માનવામાં આવી રહી છે. મધ્યપ્રદેશમાં 46 અર્બન બોડીઝમાં મતદાન થવાનું છે.

 44 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved