હત્યાની ઘટનાથી સનસની, પોલીસે આરોપીને ઝડપી પાડવા ટીમો બનાવી
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. વડોદરામાં ત્રિશા નામની વિદ્યાર્થિનીની હત્યાની શાહી હજુ સુકાઈ નથી કે ગાંધીનગરમાં પણ મહિલાનું ગળું દબાવવાથી સનસનાટી મચી ગઈ છે. એકતરફી પ્રેમમાં પાગલ બનેલો આરોપી વિવાહિતાનુ ગળું દબાવીને હત્યા કરીને નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ આ ઘટના ગાંધીનગરના બોરીજ ગામની છે. અહીં નિકિતા ઠાકોર નામની પરિણીત મહિલા તેના પરિવાર સાથે રહે છે. રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં પરિણીતાના જેઠ ફુલાજી ઠાકોર મંદિરથી ઘરે આવ્યા હતા અને થોડાક સમય પછી તેમની પત્ની પણ ઘરે આવી હતી. બાદમાં દંપતી પાણી પીને સૂઇ ગયા હતા. ત્યારે રાત્રે મધરાત્રે તેમની ઓરડીનાં પાછલા દરવાજામાંથી એક શખ્સ દોડીને ભાગવા લાગ્યો હતો. એટલે ફુલાજી એકદમ જાગીને બહાર ભાગી રહેલા શખ્સને ઝડપી લઈ ચાર પાંચ લાફા મારી દીધા હતા. દારૂના નશામાં રહેલો શખ્સ કડિયા કામ કરતો રાજુ હોવાનું માલુમ પડ્યું હતું. આ દરમિયાન ઘરના અન્ય લોકો પણ દોડી આવ્યા હતા, પરંતુ રાજુ ફુલાજીને ધક્કો મારીને નાસી ગયો હતો. બાદમાં નાના ભાઇના ઘરમાં જોતા નીકીતા મૃત હાલતમાં મળી હતી
બનાવની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી, જ્યાં ઘરની બહાર પહેરો ભરતા બે શકમંદ ઈસમોને ઉઠાવી લીધા હતા. આ અંગે હાલમાં પોલીસ દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી કરી રહી છે. જોકે, પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, પ્રણય ત્રિકોણના કારણે હત્યા થઈ હોય તેવું અનુમાન છે. હત્યારો દારૂ પીને ઘરમાં ઘૂસયો હતો. રાત્રિ દરમિયાન નીકીતા અને રાજુ ઘરમાં એકલા હતા. મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તેણી પર દુષ્કર્મ થયું છે કે નહીં તે ખ્યાલ આવ્યા પછી જ દુષ્કર્મનો ગુનો નોંધીશું. હાલમાં હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલી રહી છે.
64 , 1