November 29, 2022
November 29, 2022

લખી લો.. કોંગ્રેસની 125 પાક્કી, ‘આપ’ ભાજપની બી ટીમ..!

હિંમતસિંહનો હિંમતપૂર્વકનો હુંકાર…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ચાલુ માસના મધ્યમાં જાહેર થવાની છે, ત્યારે તમામ પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. આચારસંહિતા લાગે તે પહેલા સરકાર પણ તમામ વિકાસના કામોના લોકાર્પણ-ભૂમિપૂજન કરી રહી છે. આ પ્રથમવાર ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે.

ચૂંટણી પૂર્વે ધારાસભ્યોના કામોના લેખાંજોખાને દર્શાવતી “ગુજરાત વંદન” અખબારની ચૂંટણીઓ-2022ની સિરિઝમાં આ વખતે અમદાવાદના બાપુનગર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય હિમંતસિંહ પટેલ સાથે મુલાકાત કરી છેલ્લા પાંચ વર્ષમાં તેમના મત વિસ્તારમાં થયેલા વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ધારાસભ્ય હિંમતસિંહ પટેલે “ગુજરાત વંદન” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાપુનગરમાં તેમનો પરિવાર પાંચ પેઢીથી જનતાની સેવા કરી રહ્યો છે. જ્યારે તેઓ અમદાવાદના મેયર બન્યા હતા ત્યારે આલિશાન બંગલામાં રહેવાને બદલે પોતાના વિસ્તારમાં આવેલા મકાનમાં રહેવાનું પસંદ કર્યું હતું. કારણ કે તેમના વિસ્તારમાં મોટાભાગના કામદારો અને ગરીબ લોકો રહે છે, જો તેઓ મેયરના બંગલામાં રહેવા જતા રહ્યાં હોત તો સામાન્ય જનતાની સમસ્યાઓથી વાકેફ નહોત. તેમનો એક જ ઉદ્દેશ્ય સામાન્ય, ગરીબ લોકોની સેવા કરવાનો..અને એજ ધ્યેયથી મેયરથી લઇ ધારાસભ્યની સફરમાં જનતાની સેવા કરતો આવ્યો છું.

તેઓ કહે છે- છેલ્લા પાંચ વર્ષથી બાપુનગરમાં વિકાસના અનેક કામો કર્યા છે. તેમની 100 લોકોની આખી ટીમ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત છે. બાપુનગર, રખિયાલ-સરસપુર અને ગોમતીપુર વોર્ડ તેમની બેઠક હસ્તક હેઠળ આવે છે. અહીંની મોટાભાગની શેરીઓ અને વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ લાઇન, રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમની ઓફિસ તેમના વિસ્તારના લોકો માટે હંમેશા ખુલ્લી રહે છે. આધારકાર્ડ, રેશનકાર્ડ, શાળામાં બાળકોના પ્રવેશ, દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલે આવતા લોકોને સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે છે.

હું રાજકારણ કરવા આવ્યો નથી એમ કહીને તેમણે કહ્યું કે, બાપુનગરમાં રહેતા તમામ લોકો તેમનો પરિવાર છે અને, તેઓ સામાજિક કાર્યકર બનીને લોકો માટે કામ કરે છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ આજે પણ અહીંના લોકોની સામાન્ય સમસ્યા જેમની તેમ છે. ભાજપના શાસનમાં લોકો બેરોજગાર બન્યા છે, મોંઘવારીનો માર સહન કરી રહ્યાં છે. યુવાનો સરકારી નોકરી માટે તૈયારી કરે છે, પરંતુ પેપર લીક કરીને આ સરકાર યુવાનોના ઘા પર મીઠું નાંખી રહી છે.

આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ ત્રીજા પક્ષ તરીકે દેખાઈ રહી છે અને આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે તેવા સવાલ પર હિંમતસિંહ પટેલે કહ્યું કે તમે લખી રાખો આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની 125 પ્લસ સીટો આવશે, વાત આમ આદમી પાર્ટીની છે તો એ પણ લખી લો કે કેજરીવાલ અને તેમની પાર્ટી ભાજપ ‘બી” ટીમ છે. ભાજપે જ આ પાર્ટીને તમામ રીતે મદદ કરીને તૈયાર કરી છે. વર્ષ 2017માં પણ આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડી હતી અને તેમના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. ગુજરાતનો ઈતિહાસ છે કે ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ હોઈ શકે નહીં. શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ, ગોરધન ઝડફિયા પણ પાર્ટી બનાવી હતી અને ગુજરાતમાં આ પાર્ટીઓનું શું થયું છે તે બધા સારી રીતે જાણે છે.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પાટલી બદલુ-પલટુબાબુ તરીકે બદનામ થઇ ગયા છે એ અંગે શું કહેવુ છે ..એવા એક સવાલના જવાબમાં હિંમતસિંહ પટેલે કહ્યું કે આ તો શરૂઆતથી જ થઈ રહ્યું છે, તેમાં કંઈ નવું નથી. ધારાસભ્યોને ખરીદવાની વાત આવે ત્યારે તેમને ED અને CBIનો ડર બતાવીને કરોડોમાં ખરીદવામાં આવે છે, પણ જનતાનો વિશ્વાસ કોઈ ખરીદી શકતું નથી. જનતા સર્વોપરિ છે.

લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમના વિકાસ માટે ઘણા પ્રયત્નો કર્યા
ધારાસભ્યએ કહ્યું કે, ગુજરાત સરકાર પશ્ચિમ અને પૂર્વ વિસ્તારના લોકો સાથે ભેદભાવની નીતિ અપનાવે છે. તેમના વિસ્તારમાં હજુ સુધી કોઈ સ્પોર્ટ્સ સંકૂલ બનાવવામાં આવ્યું નથી,.. અહીંયા સૌથી મોટું લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ હતું, પહેલા અહીં પોલીસ ભરતી થતી હતી, પોલીસ પરેડ થતી હતી, બાળકો ક્રિકેટ રમતા હતા, અહીં રાજકીય પક્ષોની રેલીઓ યોજાતી હતી, નાના-મોટા કાર્યક્રમો યોજાતા હતા, પરંતુ ભાજપે આ ઐતિહાસિક સ્ટેડિયમની હાલત નર્કાકાર જેવી કરી નાંખી છે. સ્ટેડિયમના વિકાસના નામે અહીં ડ્રેનેજનું પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવે છે. અહીં આજુબાજુના વિસ્તારોમાં ગંદા પાણીના કારણે બિમારીઓનો સામનો કરવો પડે છે. અહીં બાલભવન છે, પરંતુ સરકારના ઉદાસીન વલણને કારણે તે જર્જરિત હાલતમાં છે અને અસામાજિકતત્વોનું આશ્રયસ્થાન બની ગયું છે. ધારાસભ્યએ કહ્યું કે તેમણે લાલ બહાદુર સ્ટેડિયમના વિકાસ માટે સરકાર અને કોર્પોરેશન સમક્ષ અનેકવાર રજુઆતો કરી છે, પરંતુ સરકાર તેના પર કોઈ ધ્યાન આપતી નથી. તેમણે કહ્યું કે સ્થાનિક લોકોની સુખારી માટે તેમની ગ્રાન્ટથી સ્ટેડિયમાં ઠલવાતા દૂષિત પાણીને સાફ કરવા માટે સ્ટેડિયમમાં પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યા છે.

મુઝે તો અપનો ને લૂંટા, ગૈરો મેં કહાં દમ થા- જગરૂપસિંહની વેદના
ગઇ ચૂંટણીમાં બાપુનગર બેઠકના ભાજપના ઉમેદવાર જગરૂપસિંહ રાજપૂતે હિંમતસિંહ પટેલના વિકાસ કામના દાવા પોકળ હોવાનું જણાવતા કહે છે કે, હિંમતસિંહ પટેલ સમગ્ર મત વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી જોવા મળતા નથી. અહીંના ધારાસભ્ય ક્યાં રહે છે તેની પણ નાગરિકોને ખબર નથી. એટલું જ નહીં જનતાની સમસ્યા સાંભળવવા માટે કોઇ કાર્યલય પણ નથી બનાવ્યું. તેમણે એક ચોક્કસ સમુદાય માટે જ કામ કર્યું છે.

શહેરકોટડા, સરસપુર વોર્ડના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. મોટા મોટા દાવા કરનારા હિંમતસિંહ પટેલે પોતાની ગ્રાન્ટ વાપરી હોત તો અહીંના રસ્તાઓની આવી સ્થિતિ નહોત. જગરૂપસિંહે કહ્યું કે અગાઉ જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા ત્યારે બાપુનગરમાં પાણીની ઘણી સમસ્યા હતી. તેથી જ તેણે સૌ પ્રથમ તેનો ઉકેલ લાવ્યા હતા અને 4 ટ્યુબેલ સ્ટેશન પણ બનાવ્યા હતા. તેમણે જ ગટરની સમસ્યાના ઉકેલ માટે ઘણું કામ કર્યું હતું.

જગરૂપ સિંહે આરોપ લગાવ્યો હતો કે છેલ્લી ચૂંટણીમાં તેમની હારનું કારણ તેમની પાર્ટીના કેટલાક નેતાઓ હતા. છેલ્લી ચૂંટણીમાં કેટલાક બૂથ એવા હતા જ્યાં ભાજપને 80 થી 90 ટકા વોટ મળતા હતા, પરંતુ ભાજપના નેતાઓએ હિંમતસિંહ પટેલથી સેટીંગ કરીને વોટ કોંગ્રેસને અપાવ્યા હતા. જેના કારણે તેમનો પરાજય થયો હતો. ચૂંટણીમાં જો ભાજપા પાર્ટી ફરી તમને ટિકિટ આપશે તો ચૂંટણી લડશો ? તેવા સવાલના જવાબમાં જગરૂપસિંહે જણાવ્યું હતું કે તેમણે પહેલાથી જ પાર્ટીને કહી દીધુ છે કે હું ચૂંટણી નહીં લડું…પણ પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે સક્રિય રહીશ…

3 હજારની બહુમતિએ જીત્યા હતા હિંમતસિંહ
બાપુનગર વિધાનસભા બેઠક ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવે છે. 2017માં બાપુનગરમાં કુલ 47.88 ટકા મતદાન થયું હતું. 2017માં કોંગ્રેસના હિંમતસિંહ પ્રહલાદસિંહ પટેલે ભાજપાના જગરૂપસિંહ ગિરદાનસિંહ રાજપૂતને માત્ર 3067 મતોની પાતળી માર્જિનથી હરાવ્યા હતા. બાપુનગર વિધાનસભા બેઠક અમદાવાદ-પૂર્વ હેઠળ આવે છે. આ સંસદીય ક્ષેત્રના સાંસદ હસમુખ પટેલ છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના છે. તેમણે 2019માં કોંગ્રેસના શ્રીમતી ગીતાબેન પટેલને 434330થી હરાવ્યા હતા.

5 વર્ષથી અહીંના ધારાસભ્યને કદી જોયા નથીઃ સ્થાનિકો
બાપુનગર વિસ્તારમાં રહેતા અબરાર રાજપૂતે ગુજરાત વંદન સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે પાંચ વર્ષથી અહીંના ધારાસભ્યને કદી જોયા નથી. બાપુનગરમાં ઘણી સમસ્યાઓ છે, અહીં આરસીસી રોડ બનાવવામાં આવ્યા નથી, સર્વત્ર ગંદકી છે. ધારાસભ્યને અનેક વખત રજુઆત કરવામાં આવી છે, પરંતુ જવાબમાં માત્ર ખાતરી જ મળે છે.

શાસ્ત્રી સ્ટેડિયમ સામે રહેતા રાજેશભાઈ રાજપૂતે જણાવ્યું કે, બાપુનગર પહેલા જવાહરલાલ સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. અહીં જનરલ હોસ્પિટલ અને સ્ટેડિયમ બંને સામસામે છે. જ્યારે તેઓ નાના હતા ત્યારે આ સ્ટેડિયમમાં ક્રિકેટ રમતા હતા, આખો દિવસ ક્રિકેટ રમીને ઘરે જતા હતા. અહીં નાની-મોટી પાર્ટીઓ માટે સભાઓનું આયોજન કરવામાં આવતું હતું. આટલું જ નહીં, પોલીસ તેમજ સેનાની ભરતીની તૈયારી માટે લોકો આ સ્ટેડિયમનો ઉપયોગ કરતા હતા. પરંતુ આજે તેઓ આ સ્ટેડિયમની હાલત જોઈને ખૂબ જ દુઃખી થાય છે. બાપુનગર વિસ્તારના સમગ્ર ગટરનું પાણી સ્ટેડિયમમાં છોડવામાં આવે છે. બીજી તરફ ગંદા પાણીની દુર્ગંધથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્ટેડિયમના વિકાસ માટે સરકારને વિચાર કરવો જોઇએ…

 74 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved