પેપર ફોડવામાં માસ્ટર માઈન્ડ ગેંગ: ફોન આવે એટલે થઈ જાય તૈયાર; કોઈ પણ પેપર કેમ ના હોય, બધુ ગોઠવી દે, લાંબી પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી વાતો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27062024_105012_Neet Paper.webp)
- 27 Jun, 2024
NEET પેપર લીક મામલામાં મુખ્ય આરોપી સંજીવ મુખ્યાની શોધખોળ બિહાર પોલીસ પહેલેથી કરી રહી છે. EOU પાસેથી પેપર લીકનો રિપોર્ટ અને સબુત પ્રાપ્ત કર્યા પછી હવે સીબીઆઈ પણ સંજીવ મુખ્યાને દબોચવા માટે પોતાની ટીમ લગાવે તેવી શક્યતા છે. યુપી પોલીસની ભરતી પરીક્ષાના પેપર લીક થવાના મામલામાં પકડાયેલા રવિ અત્રી પણ સંજીવ મુખ્યા સાથે જોડાયેલા છે.
સંજીવ મુખ્યા, પોલીસને મળી જાય છે તો નીટ સિવાય યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી, રેવન્યુ ઓફિસર ભરતી પેપર લીક, બિહાર શિક્ષક ભરતી સહિત ઘણી પરીક્ષાઓના પેપર લીકની ગૂંચ છુટી પડી શકે છે. મીડિયાના અહેવાલો મુજબ, રવિ અત્રીના ઈન્ટરોગેશન રિપોર્ટ મુજબ સંજીવ મુખ્યા એક્ઝામ પેપર લીક કરવાના જૂના ખેલાડી છે. રવિ અત્રી અને સંજીવ મુખિયાને ગેંગ પરસ્પર જોડાયેલી હતી.
યુપી પોલીસની કોન્સ્ટેબલ ભરતીના પેપર લીક કેસમાં યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે તેના રવિ અત્રી સહિત 18 આરોપીઓની વિરુદ્ધ યુપી કોન્સ્ટેબલ ભરતી કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ગ્રેટર નોઈડાના રહેવાસી એવા રવિ અત્રીને પેપર લીકના માહિર ખેલાડી ગણવામાં આવી રહ્યાં છે. રવિ અત્રી અને રાજીવ નયન મિશ્રાએ જ મળીને ઉત્તરપ્રદેશ પોલીસની ભરતીનું પેપર લીક કર્યું હતું. યુપીએસટીએફએ 10 એપ્રિલે રવિ અત્રીની મેરઠથી ધરપકડ કરી હતી અને તેને જેલ ભેગો કર્યો હતો.
ઉત્તરપ્રદેશ કોન્સ્ટેબલ પેપર લીકની તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓએ સંજીવ મુખ્યાનું નામ નામ લીધું હતું. ઉત્તરપ્રદેશ કોન્સ્ટેબલ ભરતી પેપર લીક અને NEET પેપર લીક કરનારી ગેંગ પરસ્પર એક-બીજા સાથે જોડાયેલી છે. રવિ અત્રીના પૂછપરછ રિપોર્ટમાં સંજીવ મુખ્યા અંગે વિવિધ ખુલાસા થયા છે. રવિ અત્રીએ જણાવ્યું કે સંજીવ મુખ્યાની ગેંગ પેપર લીક કરવામાં માહિર છે. તેનું નેટવર્ક યુપી, બિહાર, ગુજરાત, દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે. સંજીવ મુખ્યા બ્લૂટૂથ દ્વારા દેશમાં થનારી અલગ-અલગ પરીક્ષામાં સોલ્વર તરીકે બેસતો હતો. તે બ્લુટુથ ખરીદવા દિલ્હી આવતો હતો. સંજીવ અને તેનો પુત્ર શિવ કુમાર પેપર લીકના સૌથી મોટા કિંગપિન છે.
યુપી કોન્સ્ટેબલ ભરતી પેપર લીકનો મુખ્ય આરોપી રવિ અત્રી બિહારના સંજીવ મુખિયા અને અતુલ વત્સની સાથે જોડાયેલો છે. રવિ અત્રી અને સંજીવ મુખ્યાનો ડોક્ટર પુત્ર શિવ કુમાર એક સાથે અભ્યાસ કરી ચુક્યા છે. સંજીવ મુખ્યાનો પુત્ર બીપીએસસી ટીચર પરીક્ષાના પેપર લીક કરવાના મામલામાં પહેલેથી જેલમાં છે.