NEET-UG મામલામાં CBIની પહેલી ધરપકડ: બિહારના પટનાથી મનીષ પ્રકાશ અને આશુતોષને દબોચ્યા, આ સ્કુલમાં કરી હતી ગોઠવણ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27062024_120818_Neet ug arrest.webp)
- 27 Jun, 2024
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશને(CBI) ગુરુવારે NEET-UG પેપર લીક કેસમાં બિહારમાં બે લોકોની ધરપકડ કરી છે. મનીષ પ્રકાશ અને આશુતોષની ધરપકડ પટનામાંથી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મનીષ પ્રકાશ નામના વ્યક્તિએ આશુતોષ નામના વ્યક્તિની મદદથી બિહારના પટનાની લર્ન પ્લે સ્કુલ સાથે સંલગ્ન બોય્સ હોસ્ટેલમાં ઉમેદવારોને રહેવાની ગોઠવણ કરી આપી હતી. પરીક્ષાના અગાઉના દિવસે જે ઉમેદવારો ફુટેલું પેપર આપવાના હતા, તે આ સ્કુલમાં રોકાયા હતા. અહીં તેમને 4 મેના રોજ ફુટેલું પેપર આપવામાં આવ્યું હતું, જેમાં આ પેપરના જવાબો પણ હતા.
હાલ પૂછપરછ પછી બે આરોપીઓની સીબીઆઈએ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે નેટ-યુજી 2024ની પરીક્ષામાં ગેરરીતી મામલે સીબીઆઈએ રવિવારે ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદ મિનિસ્ટ્રીએ કામગીરી સોંપ્યાના બીજા જ દિવસે સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગેરરીતીની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.
હાલ સીબીઆઈ નીટ પેપર લીક સાથે સંકળાયેલા છ કેસની તપાસ કરી રહી છે. આ પૈકીનો એક-એક કેસ બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. જ્યારે ત્રણ કેસ રાજસ્થાનમાં છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એમબીબીએસ, બીડીએસ, આયુષ અને અન્ય સંલગ્ન કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ પરીક્ષા 5 મેના રોજ 4750 સેન્ટર્સ અને 571 સીટીમાં લેવામાં આવી હતી. આ પૈકીના 14 સેન્ટર્સ બહાર હતા. આ પરીક્ષામાં 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા.
આ પહેલા સીબીઆઈએ પટના સહિત હજારીબાગના કેટલાક સ્થળો તથા બોયઝ હોસ્ટેલની મુલાકાત લીધી હતી. આ હોસ્ટેલમાં NEET પરીક્ષાના એક દિવસ પહેલા 35 વિદ્યાર્થીઓને બેસીને પ્રશ્નપત્રના જવાબો યાદ કરાવવામાં આવ્યા હતા. સીબીઆઈ ટીમ એ ગેસ્ટ હાઉસ પણ પહોંચી હતી કે જ્યાં જુનિયર એન્જિનિયર સિકંદર પ્રસાદ યાદવેન્દુએ પોતાના સાળાના પુત્ર અનુરાગ યાદવની નિમણૂક કરી હતી. સીબીઆઈની ટીમ બુધવારે હજારાબાગની એસબીઆઈનીમુખ્ય શાખામાં ગઈ હતી અને બેંકમાં રાખવામાં આવેલા પ્રશ્નપત્રોની માહિતી એકત્ર કરી હતી. બેંકના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી હતી.
NEETના એક દિવસ પહેલા 4 મેના રોજ પટનામાં પ્રશ્નપત્રની અડધી બળી ગયેલી પુસ્તિકા મળી આવી હતી. તેને મેચ કર્યા પછી, બિહાર EOUને તે હજારીબાગ કેન્દ્રનો કોડ હોવાનું જણાયું. NEETના એક દિવસ પહેલા 4 મેની રાત્રે, પોલીસને કેટલાક વોટ્સએપ જૂથો પર પ્રશ્નપત્રો પહોંચવાની માહિતી મળી. પટનાના ખેમાણી ચોકમાં આવેલી લર્ન્ડ પ્લે સ્કૂલ અને બોયઝ હોસ્ટેલમાં ઉમેદવારો પાસે જવાબો યાદ કરાવવાનું કામ કરાયું હતું અને ત્યાર બાદ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.