કોંગ્રેસનો મોટો દાવો: રાહુલ ગાંધીએ કહ્યું- NEETનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો તો મારું માઈક જ બંધ કરી દીધું, યુવાઓના અવાજને દબાવવાની કોશિશ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan28062024_093313_Rahul Gandhi-Gujarat-Vandan.webp)
- 28 Jun, 2024
નેટ પેપર લીકનો મુદ્દો આજે સંસદમાં પણ સાંભળવા મળ્યો છે. કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકરને નેટ પેપર લીક બાબતે ચર્ચાની વાત કરી અને વિપક્ષને સ્થગિત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો છે. સંસદમાં પક્ષ અને વિપક્ષની ચર્ચાની સાથે અમે વિદ્યાર્થીઓને પણ સંદેશ આપવા માંગીએ છીએ. લોકસભા સ્પીકર ઓમ બિરલા તાત્કાલિક NEET પર ચર્ચા માટે સહમત નહોતા. સ્પીકર રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પછી NEET પર ચર્ચા ઈચ્છતા હતા. જોકે વિપક્ષનો સ્થગિત પ્રસ્તાવ ફગાવવામાં આવ્યા પછી જોરદાર હોબાળો થયો અને તે પછીથી સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી.
રાહુલ ગાંધીએ સ્પીકર પાસે બે મિનિટનો ટાઈમ માંગ્યો. આ અંગે સ્પીકરે કહ્યું કે તમે બે મિનિટનો નહીં, જેટલો તમારી પાર્ટીનો સમય છે, તે સંપૂર્ણ લઈ શકો છો. તમે વિગતે બોલજો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમે વિરોધ પક્ષના નેતા છો. સંસદની મર્યાદાઓનું પાલન કરો. તે પછી રાહુલ ગાંધીએ કઈંક કહ્યું. જેનો જવાબ આપતા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે હું માઈક બંધ કરવા માંગતો નથી. અહીં કોઈ બટ ન નથી.
આ મામલે કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાએ મોટો આરોપ લગાવતા કહ્યું કે સંસદમાં રાહુલ ગાંધીનું માઈક બંધ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પેપર લીકથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. નીટ પરીક્ષામાં પણ પેપર લીક થઈ જાય છે અને સરકાર કઈ કરતી નથી. આજે સંસદમાં રાહુલ ગાંધીનું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
સ્પીકર અને રાહુલ ગાંધી વચ્ચે બોલાચાલી
સ્પીકરઃ તમે સંસદમાં વિરોધપક્ષના નેતા છો...તમે સંસદીય મર્યાદાનું પાલન કરો.
રાહુલ ગાંધી: NEETનો મુદ્દો ગંભીર મુદ્દો છે.
વિપક્ષના અન્ય સાંસદ: રાહુલજીનું માઈક ઓફ છે.
સ્પીકર: હું અગાઉ કહી ચુક્યો છું કે મારી પાસે માઈકને ઓફ કરવાનું કોઈ બટન હોતું નથી.
રાહુલ ગાંધી: સર મારું માઈક તો ઓન કરી દો.
સ્પીકર: તમે જે બોલશો તે હાલ કઈં પણ રેકોર્ડમાં જશે નહીં.
કોંગ્રેસે આ મુદ્દા પર એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે જ્યાં એક તરફ નરેન્દ્ર મોદી નીટ પર કઈં જ બોલી રહ્યાં નથી, તેવા સમયે રાહુલ ગાંધીજી યુવાઓનો અવાજ સંસદમાં ઉઠાવી રહ્યાં છે. જોકે ગંભીર મુદ્દા પર માઈક બંધ કરી દેવા જેવી હરકત કરીને યુવાઓના અવાજને દબાવવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે.