લોકસભામાં હોબાળો શરૂ: સંસદ પરિસરમાં INDIA બ્લોકે કર્યું વિરોધ પ્રદર્શન, વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરૂ
- 01 Jul, 2024
સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં સોમવારે હોબાળાના અણસાર છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો સરકારને ઘેરવાની તૈયારીમાં છે. આ સિવાય રાષ્ટ્રપતિ અભિભાષણ પર આજે પણ ચર્ચા થવાની છે. આ સિવાય ડેપ્યુટી સ્પીકરના પદને લઈને બીજેપીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા સામ-સામે આવી ગયું છે.
પ્રથમ સપ્તાહમાં પણ વિપક્ષે નીટ પેપર લીક વિવાદ અંગે સરકારની ટીકા કરી હતી. વિપક્ષે હજુ પણ આ મુદ્દાઓ પર ચર્ચા કરાવવા માગે છે. આજે સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર ચર્ચાથી થશે. ભાજપના હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુર આ ચર્ચાની શરૂઆત કરશે. જ્યારે ભાજપના સ્વર્ગસ્થ નેતા સુષ્મા સ્વરાજની પુત્રી અને પ્રથમ વખત સાંસદ બનેલા બાંસુરી સ્વરાજ પણ આ ચર્ચામાં ભાગ લેશે. લોકસભામાં આ ચર્ચા માટે 16 કલાક ફાળવવામાં આવ્યા છે. જે મંગળવારે વડાપ્રધાન મોદીના જવાબ સાથે સમાપ્ત થશે. જ્યારે રાજ્યસભામાં ચર્ચા માટે 21 કલાક ફાળવવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન બુધવારે સામેલ થઇ શકે છે.
18 મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો થવાની શક્યતા છે. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થવા જઇ રહી છે. એ પહેલા જ સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સંસદમાં નીટ પેપર લીક વિવાદ, અગ્નિપથ યોજના, બેકારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સોમવારે કહ્યું કે ક્રિમિનલ કાયદાઓને સાંસદોને સસ્પેન્ડ કરીને જબરજસ્તીથી પસાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું ઈન્ડિયા ગઠબંધન બુલડોઝર ન્યાય સંસદીય પ્રણાલી ચાલવા દેશે નહીં. કોંગ્રેસ અધ્યક્ષે નરેન્દ્ર મોદી પર પણ હુમલો કર્યો છે અને કહ્યું કે હાલ પીએમ મોદી અને બીજેપીના લોકો બંધારણના આદરનો ખૂબ જ દેખાડો કરી રહ્યાં છે.
સોમવારે દેશમાં ત્રણ ક્રિમિનલ કાયદા- ભારતીય ન્યાય સંહિત, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-લાગુ થઈ ગયો છે. આ કાયદાઓને ગત વર્ષે સંસદમાં પસાર કરવામાં આવ્યા હતા. જે સમયે સંસંદના બંને ગૃહોમાં આ કાયદાઓને પસાર કરવામાં આવ્યા હતા, તે સમયે વિપક્ષી સાંસદો તરફથી ખૂબ જ વધુ હંગામો કરવામાં આવ્યો હતો. આ મામલે કોંગ્રેસ, ટીએમસી સહિત ઘણા દળોના 12થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.