કિસાન આંદોલન- ઘર્ષણના એંધાણ: શંભુ બોર્ડરથી ખેડૂતો કરશે દિલ્હી કુચ,લાવ્યા છે મોટા મશીન...
- 21 Feb, 2024
ચોથી બેઠક નિષ્ફળ થતાં ખેડૂતો લડાયક મૂડમાં જોવા મળ્યા હતા તેમણે આધુનિક મશીનો સાથે આજથી ફરી 'દિલ્હી ચલો' કૂચ નો નારો લગાવ્યો હતો. લઘુત્તમ ટેકાના ભાવ માટે કાયદો બનાવવા સહિતની માંગ મુદ્દે ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે ચોથા તબક્કાની બેઠક યોજાઇ હતી, સરકારના જવાબની રાહ જોઈને પંજાબની બોર્ડર પર બેઠેલા ખેડૂતો સંગઠનોએ ગઈકાલે જ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી દીધા બાદ આજે તેઓ ડબવાલી પાસે પહોંચી ગયા છે. પોલીસે સિરસા જિલ્લામાં બંદોબસ્ત વધુ કડક બનાવી બેરિકેડની સંખ્યા પણ વધારી દીધી છે.
ખેડૂતો શંભુ બોર્ડર પર સિમેન્ટના બેરિકેડ તોડવા જેસીબી મશીનો અને પોકલેન મશીનો સાથે પહોંચી ગયા છે. આ ઉપરાંત મશીનના ઓપરેટરોને ટીયર ગેસ અને રબ્બરની બુલેટથી બચાવવા મશીનોને મોડિફાઈ કરીને પણ આપવામાં આવ્યા છે. લોખંડની મોટી મોટી શીટ્સથી આખી કેબિનને ફુલપ્રૂફ કરી દેવાઈ છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે, મશીનની કેબિનો બુલેટ પ્રુફ છે અને તેથી અમે કરો અથવા મરોના વિચાર સાથે જ અહી આવ્યા છીએ.
મળતા અહેવાલો મુજબ ખેડૂતોએ સાતથી આઠ ફુલપ્રુફ મશીનો બનાવી છે, જેને શંભુ, ખનૌરી અને ડબવાલી બોર્ડર પર તહેનાત કરવામાં આવી રહી છે. ખેડૂતો આવતીકાલે સવારે 11.00 કલાકે બોર્ડર પર પહોંચશે ત્યારબાદ સિમેન્ટના બેરિકેડ તોડી આગળ વધવાનો પ્રયાસ કરશે, જેથી આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેત જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, પોલીસ મહાનિર્દેશક શત્રુજીત કપૂરે રવિવારે હરિયાણા-પંજાબના સરહદી વિસ્તારોમાં પહોંચી સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો, ત્યારબાદ તેમણે સિરસા, ડબવાલી અને ફતેહાબાદના પોલીસ અધિક્ષકોને સુરક્ષા બંદોબસ્ત વધુ કડક બનાવવા આદેશ આપ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ