'પુતિન-હમાસ લોકતંત્રને ખતમ કરી દેવા માગે છે', રાષ્ટ્રપતિ બાયડેનનું રાષ્ટ્રજોગ સંબોધનમાં મોટું નિવેદન

- 20 Oct, 2023
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને ઓવલ ઓફિસથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે મારા માટે બંધક બનાવવામાં આવેલા અમેરિકનોની સુરક્ષાથી મોટી કોઈ પ્રાથમિકતા નથી. તેમણે વધુમાં કહ્યું કે હમાસ અને રશિયા બંને લોકશાહીને નષ્ટ કરવામાં લાગેલા છે. રાષ્ટ્રપતિ બાયડેને પોતાના સંબોધનમાં યુક્રેન અને ઈઝરાયલને મહત્વપૂર્ણ ગણાવ્યા અને બંનેને મદદ આપવાની વાત પણ કહી હતી.
પોતાના ભાષણમાં જો બાયડેને કહ્યું કે હમાસ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલગ-અલગ ખતરાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે બંને પાડોશીઓ લોકશાહીને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માગે છે. બાયડેને કહ્યું કે આપણે પક્ષપાતી અને ગુસ્સાની રાજનીતિને એક રાષ્ટ્ર તરીકેની આપણી જવાબદારીના માર્ગમાં આવવા દઈ શકીએ નહીં. અમે હમાસ જેવા આતંકવાદીઓ અને પુતિન જેવા સરમુખત્યારોને જીતવા નહીં દઈએ. હું એવું ક્યારેય નહીં થવા દઉં.
બાયડેને કહ્યું કે અમેરિકી નેતૃત્વ જ છે જે વિશ્વને એકજૂટ રાખે છે. અમેરિકી ગઠબંધન જ અમેરિકાને સુરક્ષિત રાખે છે. અમેરિકી મૂલ્યો જ છે આપણને ભાગીદાર બનાવે છે જે અન્ય દેશો સાથે કામ કરવા માંગે છે. અમેરિકા વિશ્વ માટે પ્રકાશ સમાન છે. રાષ્ટ્રપતિ બાયડેને કહ્યું કે તેઓ શુક્રવારે અમેરિકી સાંસદોને યુક્રેન અને ઇઝરાયેલને મદદ કરવા માટે જંગી ભંડોળ મંજૂર કરવા અપીલ કરશે.