કેનેડાએ આખરે પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવ્યા

- 20 Oct, 2023
કેનેડા-ભારત વિવાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. ભારત દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ સ્થાનિક સમય અનુસાર ગુરુવારે (19 ઓક્ટોબર) રાજદ્વારીઓને બોલાવવાની માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે, કેનેડા બદલો લેશે નહીં.
વાસ્તવમાં કેનેડાના વિદેશ પ્રધાનની વળતી કાર્યવાહીનો અર્થ ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપવાનો છે. વિદેશ મંત્રી જોલીએ કહ્યું કે, ભારતે રાજદ્વારીઓને શુક્રવાર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. તેને કહેવામાં આવ્યું હતું કે, જો તે આમ નહીં કરે તો તેનો રાજદ્વારી દરજ્જો રદ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, ભારતનું આ પગલું અયોગ્ય છે અને રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
વિદેશ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ભારતની કાર્યવાહીથી અમારા રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે તેમને ભારતથી પાછા બોલાવ્યા છે. તેમણે કહ્યું કે, જો આપણે રાજદ્વારી પ્રતિરક્ષાના નિયમને તોડવા દઈએ તો દુનિયાનો કોઈ રાજદ્વારી સુરક્ષિત નહીં રહે. આ કારણોસર અમે ભારતની કાર્યવાહીનો કોઈ જવાબ આપવાના નથી. ભારત છોડી ગયેલા 41 રાજદ્વારીઓની સાથે 42 લોકો પણ છે જેઓ તેમના પરિવારના સભ્યો છે.