Sonia Gandhi Recall Memories Of Rajiv Gandhi: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી સાથે વિતાવેલી દિવાળીની અમૂલ્ય અને રોચક યાદો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં સોનિયા ગાંધીએ ગાંધી પરિવારના ઘરની દિવાળી, તેની સજાવટ, પરંપરાઓ અને રાજીવ ગાંધીના શોખ વિશે ખુલ્લા મને ચર્ચા કરી છે.
"માટીના દીવાઓથી ઘર ઝગમગતું હતું, લાઈટો ન હતી"
દિવાળીને યાદ કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, "મને દિવાળીનો તહેવાર ખૂબ જ પસંદ હતો. પરંપરા મુજબ અમે ઘરના મુખ્ય દરવાજે ભગવાન ગણેશની એક મૂર્તિ મૂકતા અને ત્યાં જ દિવાળીનો પહેલો દીવો પ્રગટાવતા. આજે પણ એ ઐતિહાસિક મૂર્તિ અમારા ઘરમાં સુરક્ષિત છે." સાદગી વિશે વાત કરતા તેમણે કહ્યું કે એ જમાનામાં આજની જેમ ઈલેક્ટ્રિક સીરીઝ કે લાઈટો નહોતી, આખા ઘરમાં, ધાબા પર અને બગીચામાં માત્ર માટીના દીવા જ મુકાતા. આ દીવાઓની રોશનીથી આખું ઘર અત્યંત સુંદર લાગતું.
ચાંદની ચોકથી ફટાકડા લાવતા રાજીવ ગાંધી
આ વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ પણ બાળપણના કિસ્સાઓ શેર કર્યા. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમના પિતા રાજીવ ગાંધી જાતે તેમને જૂની દિલ્હીના પ્રખ્યાત 'ચાંદની ચોક'માં ફટાકડા અપાવવા લઈ જતા હતા. દિવાળીના દિવસે બગીચામાં અનેક લોકો ભેગા થતા. સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેમને મોટા અવાજવાળા ફટાકડાના બદલે તારામંડળ અને ફૂલઝડી જ વધુ પસંદ હતી. ઉપરાંત, દિવાળીના દિવસે તેમના ઘરમાં ખાસ કાશ્મીરી વાનગીઓ અને મીઠા ચોખા બનતા, જે પરંપરા આજે પણ કાયમ છે.
સોનિયા ગાંધીની આત્મકથા આવતીકાલે લોન્ચ થશે
આ યાદો તાજી કરવાની સાથે જ સોનિયા ગાંધીએ પોતાની આગામી આત્મકથા (Autobiography) "બીલોંગિંગ: અ જર્ની ઓફ લવ" (Belonging: A Journey of Love) વિશે પણ માહિતી આપી છે. આ પુસ્તક આગામી 10 નવેમ્બરે ભારતમાં રિલીઝ થશે. સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ રાજકીય પુસ્તક નથી, પરંતુ આ એક સંપૂર્ણપણે અંગત (પર્સનલ) પુસ્તક છે. આ પુસ્તકમાં તેમણે પોતાની યુવાની, રાજીવ ગાંધી સાથેનો પ્રેમ અને ગાંધી પરિવારની આંતરિક બાબતો લખી છે.
'ઈટલીની 19 વર્ષની યુવતી રાજીવને મળી'
સોનિયા ગાંધીએ કહ્યું કે, "મારા પરિવાર વિશે અત્યાર સુધી ઘણું બધું લખાયું છે, પરંતુ તેમની ખરી પ્રેરણાઓ, સંઘર્ષો અને માનવીય નબળાઈઓને બહુ ઓછા લોકો સમજી શક્યા છે." તેમણે ઈટલીના એક નાના શહેરની 19 વર્ષની છોકરીનો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાજીવ ગાંધી સાથે થતો પરિચય અને પ્રેમમાં પડવાના કિસ્સા પણ લખ્યા છે.
સાસુ ઇન્દિરા ગાંધી સાથેનો અતૂટ સંબંધ
આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ પોતાના સાસુ ઇન્દિરા ગાંધી સાથેના સંબંધો પર ખૂબ જ ઊંડાણપૂર્વક લખ્યું છે. શરૂઆતમાં એક વિદેશી વહુ તરીકે ભારતમાં એડજસ્ટ થવું પડકારજનક હતું, પરંતુ ઈન્દિરા ગાંધીના પ્રેમે તેમને એકદમ અપનાવી લીધા. સૌથી વધુ હૃદયદ્રાવક હિસ્સો એ છે કે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે રાજકારણના હિંસક વંટોળે તેમની પાસેથી પહેલા તેમના વહાલા સાસુ અને પછી તેમના જીવનસાથી (રાજીવ ગાંધી) ને છીનવી લીધા હતા. છતાં પણ 'પ્રેમ અને વફાદારી' એ તેમને આ આઘાતમાંથી બહાર આવવાની હિંમત આપી અને દેશ માટે સમર્પિત કર્યા. આ પુસ્તક માટે ભારતીય રાજકારણમાં અત્યારથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.








