Bombay High Court slams BMC: દેશની આર્થિક રાજધાની મુંબઈની કથળેલી સફાઈ વ્યવસ્થાને લઈને બોમ્બે હાઈકોર્ટે બુધવારે (18 નવેમ્બર) બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને મહારાષ્ટ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરીનની મુલાકાત વખતે કરાયેલી ખાસ સફાઈનો દાખલો આપીને કોર્ટે તંત્રને વેધક સવાલ કર્યો હતો કે, જો VIP મહેમાનો માટે બે દિવસમાં શહેર ચમકાવી શકાય છે, તો સામાન્ય નાગરિકો માટે દરેક વોર્ડમાં કાયમી સ્વચ્છતા કેમ જાળવી શકાતી નથી?
કંજૂરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની મુલાકાત બાદ જજોની આકરી ટિપ્પણી
જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે કંજૂરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ સંબંધિત અરજી પર સુનાવણી કરી રહી હતી. મંગળવારે (17 નવેમ્બર) જજોએ ખુદ આ ડમ્પિંગ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી, જ્યાં કચરાના મોટા પહાડો જોઈને કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે આ સમસ્યા માત્ર ડમ્પિંગ ગ્રાઉન્ડ પૂરતી સીમિત નથી, પરંતુ શહેરના રસ્તાઓ અને દરિયાકિનારા પર ફેલાયેલી ગંદકી સાથે પણ જોડાયેલી છે.
"બે દિવસના દેખાડાને બદલે કાયમી વ્યવસ્થા ઊભી કરો"
કોર્ટે કહ્યું કે, જ્યારે રાજ્ય સરકાર અને બીએમસી કંઇક કરવા ઇચ્છે છે તો ખૂબ જ ઓછા સમયમાં શહેરની તસવીર બદલી શકે છે. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરીનની મુલાકાત દરમિયાન બલ્લાર્ડ એસ્ટેટની સફાઇ અને ચમક તેનું ઉદાહરણ છે. ત્યાં રસ્તાને પાણીથી ધોવામાં આવ્યા અને રંગરોગાન પણ થયા. જો તમે આવું કરી શકો છો તો નાગરિકો માટે પણ કરો. બે દિવસના દેખાડાને બદલે કાયમી વ્યવસ્થા બનાવો. દરેક વોર્ડમાં આવી વ્યવસ્થા હોવી જોઈએ.'
પ્લાસ્ટિક કચરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે સરકાર પાસે માંગ્યો જવાબ
ડમ્પિંગ ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિકના ઢગલા જોઈને કોર્ટે પ્લાસ્ટિક પ્રદૂષણ પર પણ લાલ આંખ કરી હતી. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે પ્લાસ્ટિકના નિકાલ અને નિયંત્રણ માટે સરકાર પાસે શું નીતિ છે? ન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ મહારાષ્ટ્રના માથેરાન અને મહાબળેશ્વર જેવા હિલ સ્ટેશનો પર પ્લાસ્ટિક પ્રતિબંધનો અમલ કેવી રીતે થાય છે, તેની વિગતો કોર્ટે માંગી છે.કોર્ટે ટકોર કરી કે, નષ્ટ ન થતા પ્લાસ્ટિક કચરાને ઉત્પન્ન થતો જ અટકાવવો પડશે, કારણ કે ચોમાસામાં દરિયો આ જ કચરો પાછો કિનારા પર ઠાલવે છે.
મહેમાન માટે શહેરની થઈ કાયાપલટ
નોંધનીય છે કે, તાજેતરમાં સોમવારે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરીને દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટથી પોતાના ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત કરી હતી, જ્યાં તેમણે સચિન તેંડુલકર અને બાળકો સાથે ગલી ક્રિકેટ પણ રમ્યું હતું. આ મુલાકાત પહેલા બલાર્ડ એસ્ટેટના રસ્તાઓ પાણીથી ધોવાયા હતા અને રંગરોગાન કરીને ચમકાવી દેવાયા હતા. આ ઘટનાને ધ્યાને લઈને જ કોર્ટે સરકાર અને BMC ને ટકોર કરી હતી. આ મામલે આગામી સુનાવણી 7 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.








