India-Myanmar Border Drugs & Hawala Racket Busted:દેશની સુરક્ષા અને આંતરિક શાંતિ માટે ખતરો બનતા નશીલા પદાર્થોના નેટવર્ક સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ એક મોટું અને સફળ ઓપરેશન પાર પાડ્યું છે. પૂર્વોત્તર ભારત દેશના મિઝોરમ, મણિપુર અને આસામ જેવા સરહદી રાજ્યોમાં એકસાથે 38 જેટલા સ્થળોએ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ખાસ સિંક્રોનાઇઝ્ડ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર તસ્કર નેટવર્કમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થોની તસ્કરીનો ગંદો ખેલ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડ ભારત અને મ્યાનમારની સરહદ સાથે જોડાયેલું હતું. સરહદની બંને પારથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. મ્યાનમારથી ભારતમાં હેરોઇન, બ્રાઉન શુગર અને મેથાફેટામાઇન જેવી ઘાતક નશીલી ટેબલેટ્સ અને કેમિકલ્સ ઘૂસાડવામાં આવતા હતા. આ નશીલા પદાર્થો મિઝોરમ અને મણિપુર મારફતે ભારતના અન્ય રાજ્યો અને પડોશી દેશ બાંગ્લાદેશ સુધી પહોંચાડવામાં આવતા હતા. બદલામાં ભારતમાંથી પણ કેટલાક પ્રતિબંધિત કેમિકલ્સ મ્યાનમાર તરફ મોકલવામાં આવતા હોવાનું ખુલાસો થયો છે.
18 આરોપીઓની ધરપકડ અને ₹26 કરોડની સંપત્તિ જપ્ત
એજન્સીઓએ આ મોટી કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 18 જેટલા મુખ્ય આરોપીઓ અને હવાલા ઓપરેટરોની ધરપકડ કરી લીધી છે. દરોડા દરમિયાન રૂ. 17.82 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે, જ્યારે કૌભાંડ સાથે જોડાયેલી કુલ રૂ. 26 કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. એજન્સીઓના મતે, આ નેટવર્ક લાંબા સમયથી સક્રિય હતું અને ભારતની આર્થિક તેમજ સામાજિક સુરક્ષાને નુકસાન પહોંચાડી રહ્યું હતું.
ભાડાના 'મ્યુલ બેંક એકાઉન્ટ્સ' અને ₹500નું કમિશન
આ કૌભાંડની સૌથી ચોંકાવનારી બાબત સામે આવી છે બેંક ખાતાઓના ઉપયોગ અંગે. હવાલાના કરોડો રૂપિયાની હેરાફેરી કરવા માટે તસ્કરો દ્વારા સામાન્ય લોકોના બેંક ખાતા ભાડે રાખવામાં આવ્યા હતા, જેમને 'મ્યુલ એકાઉન્ટ્સ' કહેવામાં આવે છે. આવા 1424 જેટલા શંકાસ્પદ બેંક ખાતા શોધી કાઢીને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પૂછપરછમાં ખાતાધારકોએ સ્વીકાર્યું હતું કે તેમના ખાતામાં દર 1 લાખ રૂપિયા જમા થાય ત્યારે તેમને કમિશન પેટે માત્ર ₹500 રૂપિયા આપવામાં આવતા હતા. આ લાલચમાં સામાન્ય લોકો પોતાના ખાતા તસ્કરોને વાપરવા આપી દેતા હતા.
કડક તપાસ અને આગળની કાર્યવાહી
કેન્દ્રીય એજન્સીઓ હવે આ નેટવર્કના મુખ્ય આકાઓ અને આંતરરાષ્ટ્રીય લિંક્સ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ફ્રીઝ કરાયેલા 1424 બેંક ખાતાઓના નાણાકીય વ્યવહારોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે. એજન્સીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક મોટા નામો અને ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે. સરહદી વિસ્તારોમાં પણ સુરક્ષા અને દેખરેખ વધુ સઘન બનાવી દેવામાં આવી છે.








