El Nino Himalayan Winter Forecast 2026: મજબૂત અલ નીનોની અસરથી હિંદુકુશ હિમાલય ક્ષેત્રમાં આ શિયાળે સામાન્ય કરતાં વધુ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. તેના કારણે નેપાળમાં પૂર, ભૂસ્ખલન અને હિમસ્ખલનનું જોખમ વધી શકે છે. ભારત, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના દેશોમાં પણ હવામાનની સ્થિતિ પ્રભાવિત થવાની ભીતિ છે. ‘હિંદુકુશ હિમાલય વિન્ટર આઉટલુક 2026’ મુજબ, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
અલ નીનો મજબૂતથી અત્યંત મજબૂત સ્થિતિમાં
અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) અનુસાર, અલ નીનો હાલમાં મજબૂતથી અત્યંત મજબૂત સ્થિતિમાં છે. 1950માં રેકોર્ડ શરૂ થયા બાદ તે સૌથી શક્તિશાળી અલ નીનો બની શકે તેવી આશરે 60% સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અહેવાલ કાઠમંડુ સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD), બેઇજિંગ નોર્મલ યુનિવર્સિટી અને ચાઇનીઝ એકેડેમી ઑફ સાયન્સિસના ઇન્સ્ટિટ્યૂટ ઑફ એટમોસ્ફેરિક ફિઝિક્સે સંયુક્ત રીતે તૈયાર કર્યો છે.
વધુ વરસાદ, હિમવર્ષા અને જંગલોમાં આગનું જોખમ
ICIMODના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, અલ નીનોની અસરથી હિમાલયની તળેટીમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનું પ્રમાણ પણ વધી શકે છે. જો,કે સમગ્ર પ્રદેશમાં હવામાનની સ્થિતિ એકસરખી રહેવાની નથી. કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેના કારણે જંગલોમાં આગ લાગવાનું જોખમ પણ વધી શકે છે. આ અનુમાન નેપાળ અને ભૂટાનમાં વિનાશક ચોમાસા બાદ સામે આવ્યું છે. આ દરમિયાન ઊંચા પહાડોના હિમનદીઓ અને પર્માફ્રોસ્ટમાં આવેલા ફેરફારોને કારણે અનેક આપત્તિઓ સર્જાઈ હતી. ઓગસ્ટમાં નેપાળમાં આવેલી વિનાશક ભોટેકોશી પૂરમાં ઓછામાં ઓછા 1,500 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 5,000થી વધુ લોકો લાપતા થયા હતા.
ભારત અને પાડોશી દેશોમાં બરફની ચાદર વધવાની શક્યતા
રિપોર્ટમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઉત્તર ભારત અને નેપાળના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ઊંડી બરફની ચાદર જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, ભૂટાન અને ચીનના પૂર્વી શિજાંગના કેટલાક વિસ્તારોમાં બરફનું આવરણ સામાન્ય કરતાં ઓછું ઊંડું રહી શકે છે. આ પરિસ્થિતિને કારણે પર્વતીય વિસ્તારોમાં હિમસ્ખલન અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓનું જોખમ વધી શકે છે.
ગયા મહિને મળ્યું હતું 'સુપર-ડુપર અલ નીનો'નું એલર્ટ
8 ઑક્ટોબરે શિકાગો યુનિવર્સિટીની ક્લાઇમેટ ઇમ્પેક્ટ લૅબના સંશોધકોએ એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે દુનિયા અત્યંત શક્તિશાળી અલ નીનોનો સામનો કરી રહી છે. પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં 3.4°C વધી ગયું હોવાનું જણાવાયું હતું. આ સ્થિતિને 1950 પછીનો સૌથી ખતરનાક અલ નીનો ગણાવવામાં આવી રહ્યો છે. હવામાન નિષ્ણાતો તેને ‘સુપર-ડુપર અલ નીનો’ તરીકે ઓળખાવી રહ્યા છે. તેના કારણે દુનિયાના અનેક વિસ્તારોમાં અતિશય ગરમી, દુષ્કાળ અથવા ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. સંશોધકોના અંદાજ મુજબ, આ અલ નીનોની અસરથી જૂન 2026થી ફેબ્રુઆરી 2027 દરમિયાન સમગ્ર વિશ્વમાં આશરે 4.51 લાખ વધારાના મૃત્યુ થઈ શકે છે. હવામાનશાસ્ત્રી રાયન માઉએ પણ સમગ્ર વિશ્વનો એક આબોહવા નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ નકશામાં પૃથ્વીનો મોટો ભાગ લાલ રંગમાં દેખાઈ રહ્યો હતો, જે ગરમ થતી આબોહવાની સ્થિતિ દર્શાવે છે.

ડિસેમ્બરમાં ચરમસીમાએ પહોંચી શકે છે અલ નીનો
આ વર્ષે અલ નીનો ડિસેમ્બરમાં તેની ચરમસીમાએ પહોંચી શકે છે. તેની અસરથી આગામી મહિનાઓમાં દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની આશંકા છે. વિશ્વ હવામાન સંગઠન (WMO)એ વરસાદની પેટર્નમાં ફેરફાર થવાને કારણે અનેક વિસ્તારોમાં દુષ્કાળ અને પૂરનું જોખમ વધવાની ચેતવણી આપી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન અલ નીનોની અસર ઉત્તર ગોળાર્ધમાં 2027ની વસંત ઋતુ સુધી ચાલુ રહી શકે છે. ફેબ્રુઆરી 2027 સુધી તેની અસર ચાલુ રહેવાની લગભગ 100% શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વધતી ગરમીને કારણે હીટ સ્ટ્રોક સહિતની બીમારીઓનું જોખમ વધી શકે છે. બીજી તરફ, વરસાદની પેટર્ન ખોરવાવાથી કેટલાક વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
ભારતમાં અલ નીનોની અસર, ચોમાસામાં 13% ઓછો વરસાદ
અલ નીનોની અસર ભારતના હવામાન પર પણ જોવા મળી છે. 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં 13% ઓછા વરસાદ સાથે પૂર્ણ થયું હતું. વર્ષ 2001 પછીનું આ ભારતનું ચોથું સૌથી ઓછો વરસાદ ધરાવતું ચોમાસું રહ્યું છે. ચોમાસાના બીજા તબક્કામાં અલ નીનોની અસર વધુ જોવા મળી હતી. અલ નીનોને કારણે તાપમાન વધવાની અસર યુરોપમાં પણ નોંધાઈ હતી. ફ્રાન્સ, સ્પેન અને બ્રિટનમાં આ વર્ષે અનેક સ્થળોએ રેકોર્ડ ગરમી પડી હતી. ઓછા વરસાદના કારણે ડેન્યુબ, રાઇન અને થેમ્સ જેવી યુરોપની મુખ્ય નદીઓનું જળસ્તર પણ નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું.

અલ નીનો માત્ર પ્રશાંત મહાસાગરમાં જ કેમ થાય છે?
અલ નીનોનો અર્થ માત્ર સમુદ્રનું ગરમ થવું નથી, પરંતુ પ્રશાંત મહાસાગરમાં થતી એક વિશિષ્ટ કુદરતી આબોહવાકીય પ્રક્રિયા છે. સામાન્ય સ્થિતિમાં પ્રશાંત મહાસાગરમાં પવનો પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય છે. આ પવનો ગરમ પાણીને ઇન્ડોનેશિયા અને ઑસ્ટ્રેલિયાની દિશામાં ધકેલે છે. બીજી તરફ, દક્ષિણ અમેરિકા નજીક સમુદ્રની ઊંડાઈમાંથી ઠંડું પાણી સતત સપાટી પર આવતું રહે છે. પરંતુ અલ નીનો દરમિયાન આ પવનો નબળા પડી જાય છે. પરિણામે પશ્ચિમ પ્રશાંતમાં એકઠું થયેલું ગરમ પાણી પૂર્વ તરફ ફેલાવા લાગે છે. તેના કારણે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય છે. અન્ય મહાસાગરોમાં પણ પાણીના તાપમાનમાં ફેરફાર થાય છે, પરંતુ પ્રશાંત મહાસાગરમાં પવનો અને સમુદ્રના પાણીની વિશિષ્ટ વ્યવસ્થાને કારણે સર્જાતી આ પ્રક્રિયાને જ અલ નીનો કહેવામાં આવે છે.








