HC insurer pay accident compensation ganja carried in vehicle: વીમાકૃત વાહનમાં વીમા પોલિસીની શરતોનો ભંગ કરીને કથિત રીતે ગાંજો લઈ જવાતો હોવાના આધારે વીમા કંપની માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને વળતર આપવાનો ઈનકાર કરી શકે નહીં, તેવો મહત્ત્વપૂર્ણ ચુકાદો ગુવાહાટી હાઈકોર્ટે આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, વીમા કંપનીએ પહેલાં પીડિત પરિવારને સંપૂર્ણ વળતર ચૂકવવું પડશે અને ત્યારબાદ વાહન માલિક પાસેથી આ રકમ વસૂલવાની તેને છૂટ રહેશે.
કોર્ટે શું ટકોર કરી?
જસ્ટિસ કરદક એતેએ ચુકાદામાં જણાવ્યું કે, ત્રીજા પક્ષના અકસ્માત પીડિતોના અધિકારો વીમા કંપની અને વાહન માલિક વચ્ચેના વિવાદથી પ્રભાવિત ન થવા જોઈએ. અકસ્માત સમયે વાહનનો વીમો માન્ય હતો અને મૃતકના પરિવારજનો વીમા કરારના ત્રીજા પક્ષ છે, તેથી વીમા કંપની વળતર ચૂકવવાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં.અદાલતે પોતાના અવલોકનમાં જણાવ્યું કે, રેકોર્ડ પર ઉપલબ્ધ સામગ્રી—ખાસ કરીને વીમા કંપનીના સાક્ષી DW-1 ની જુબાની અને પોલીસ રેકોર્ડ—પરથી એ બાબત નજરઅંદાજ કરી શકાય નહીં કે અકસ્માતમાં સંડોવાયેલા વાહનનો ઉપયોગ પ્રતિબંધિત સામાન લઈ જવા માટે થઈ રહ્યો હતો, જે વાહન માલિક તરફથી પોલિસીની શરતોના ભંગનો સંકેત આપે છે. જોકે, અકસ્માત સમયે વાહનનો માન્ય વીમો હોવા અંગે કોઈ વિવાદ નથી. વિવાદ મુખ્યત્વે પોલિસીની શરતોના ભંગ અને વાહન માલિક પ્રત્યે વીમા કંપનીની જવાબદારી પૂરતો મર્યાદિત છે, તેથી વીમાકર્તા અને વીમાધારક વચ્ચેના વિવાદને કારણે ત્રીજા પક્ષના દાવેદારોના હિતને નુકસાન પહોંચાડી શકાય નહીં.
શું છે 2011નો અકસ્માત અને વીમા કંપનીની દલીલ?
ગુવાહાટી હાઈકોર્ટ ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીની તે અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં મોટર એક્સિડેન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ (MACT) દ્વારા વર્ષ 2011 ના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ₹10.52 લાખ વળતર આપવાના આદેશને પડકારવામાં આવ્યો હતો. દાવેદારો મુજબ, મૃતક 9 જૂન 2011 ના રોજ નગાંવથી સમાગુરી તરફ ટાટા DI વાહન ચલાવી રહ્યો હતો. તે બોરાલીગાંવમાં ઊભો હતો ત્યારે સામેથી આવતા એક ટ્રકે તેના વાહનને ટક્કર મારી હતી, જેમાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. વીમા કંપનીએ દલીલ કરી હતી કે અકસ્માત સમયે ટ્રકમાં ગાંજો લઈ જવાઈ રહ્યો હતો. પોલીસની જનરલ ડાયરીમાં નોંધાયેલી એન્ટ્રી અને પોતાના સાક્ષીની જુબાનીના આધારે કંપનીએ દાવો કર્યો હતો કે વાહન માલિકે પોલિસીની શરતોનો ભંગ કર્યો હોવાથી કંપની મૃતકના પરિવારને વળતર આપવા માટે જવાબદાર નથી.
વસૂલાતની પ્રક્રિયા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો
હાઈકોર્ટે ઠરાવ્યું કે, રેકોર્ડ પરની સામગ્રી ટ્રકમાં પ્રતિબંધિત સામાન લઈ જવાનો સંકેત આપે છે, છતાં અકસ્માત સમયે વાહનનો વીમો માન્ય હોવાથી વાહન માલિક દ્વારા શરતભંગ થવાથી ત્રીજા પક્ષના પીડિતો પ્રત્યે વીમા કંપનીની જવાબદારી સમાપ્ત થતી નથી. અદાલતે સુપ્રીમ કોર્ટના ચુકાદા ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ vs શ્રી નંજપ્પન (2004) નો હવાલો આપ્યો હતો, જેના સિદ્ધાંત મુજબ વીમા કંપનીને પહેલાં વળતરની સંપૂર્ણ રકમ ચૂકવીને બાદમાં વાહન માલિક પાસેથી વસૂલાત કરવાનો નિર્દેશ આપી શકાય છે.
વસૂલાત માટે અલગ દવાની જરૂર નહીં
HC નિર્દેશ આપ્યો કે, ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ પહેલાં મૃતકના પરિવારને સંપૂર્ણ વળતર ચૂકવે અને ત્યારબાદ ટ્રક માલિક પાસેથી રકમ વસૂલી શકે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વસૂલાત માટે વીમા કંપનીએ અલગથી દાવો દાખલ કરવાની જરૂર રહેશે નહીં અને તે આ હેતુ માટે એક્ઝિક્યુશન કોર્ટમાં જઈ શકે છે.
વળતરની રકમમાં ફેરફાર અને વ્યાજ યથાવત
વળતરની રકમ પર પુનર્વિચાર કરતાં હાઈકોર્ટે નોંધ્યું કે, ક્લેઈમ ટ્રિબ્યુનલે ભવિષ્યની સંભાવનાઓ પેટે 50 ટકા રકમ ઉમેરી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ પ્રણય શેઠી (2017) 16 SCC 680 ના આધારે હાઈકોર્ટે જણાવ્યું કે 40 વર્ષથી ઓછી ઉંમરના એવા મૃતક—જે નિશ્ચિત વેતન પર કામ કરતા હોય અથવા સ્વરોજગારમાં હોય—તેમના કિસ્સામાં ભવિષ્યની સંભાવનાઓ માટે ૪૦ ટકા રકમ ઉમેરવી જોઈએ. આ ગણતરીના આધારે અદાલતે વળતરની રકમ ₹10.52 લાખથી ઘટાડીને ₹9.77 લાખ કરી છે. જોકે, ક્લેઈમ અરજી દાખલ કર્યાની તારીખથી ૬ ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવાનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે.








