Indian Youth Found Dead in Burnt Car in Langley Canada:કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લેંગલી વિસ્તારમાં સળગેલી કારમાંથી 25 વર્ષીય ભારતીય નાગરિક તુષાર શર્માનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને લઈને કેનેડાની પોલીસની હત્યા તપાસ ટીમે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં તુષારની હત્યા નિશાન બનાવીને કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, હત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
29 ઓક્ટોબરે કારમાં લાગી હતી આગ
પોલીસના જણાવ્યા અનુસાર, 29 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 10:26 વાગ્યે લેંગલીના રોલિસન ક્રેસન્ટ વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાની જાણ ઇમરજન્સી સેવાઓને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર વિભાગના કર્મચારીઓ અને લેંગલી પોલીસ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન કારની અંદર માનવ અવશેષો જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મામલો હત્યાની તપાસ કરતી વિશેષ ટીમ IHITને સોંપવામાં આવ્યો હતો.
સરેમાં રહેતો હતો 25 વર્ષીય તુષાર શર્મા
તપાસ દરમિયાન કારમાંથી મળેલા માનવ અવશેષોની ઓળખ સરેમાં રહેતા 25 વર્ષીય તુષાર શર્મા તરીકે કરવામાં આવી હતી. IHITના જણાવ્યા અનુસાર, તુષારનો કેનેડામાં કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો અને ત્યાં તેના જાણીતા સંપર્કો પણ મર્યાદિત હતા. હવે તપાસકર્તાઓ તુષારના જીવન, દૈનિક ગતિવિધિઓ અને મૃત્યુ પહેલાં તે કોના સંપર્કમાં હતો તેની માહિતી એકત્ર કરી રહ્યા છે. આ માટે પોલીસ કેનેડામાં રહેતા તેના પરિવારજનો અને મિત્રો ઉપરાંત વિદેશમાં રહેતા પરિચિતો સાથે પણ વાતચીત કરી રહી છે.
ટાર્ગેટ કિલિંગની આશંકા, હત્યાનું કારણ હજુ અસ્પષ્ટ
IHITના પ્રવક્તા સાર્જન્ટ ફ્રેડા ફોંગે જણાવ્યું હતું કે અત્યાર સુધી મળેલા પુરાવા આ ઘટનાને ટાર્ગેટેડ ઇન્સિડન્ટ એટલે કે કોઈને ખાસ નિશાન બનાવીને કરવામાં આવેલી ઘટના હોવાના સંકેત આપે છે. જોકે, તુષારને શા માટે નિશાન બનાવવામાં આવ્યો અને તેની પાછળ કોણ હોઈ શકે છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તપાસકર્તાઓ ઘટનાના સમય પહેલાંની ગતિવિધિઓની સમયરેખા તૈયાર કરી રહ્યા છે, જેથી હત્યા પાછળના સંજોગો અને સંડોવાયેલા લોકો વિશે જાણકારી મળી શકે.
કારને આગ લગાડવા પાછળ શું હતું કારણ?
તપાસમાં એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે તુષારના મોત બાદ કારમાં આગ કેવી રીતે લાગી અને તેની પાછળ કોઈનો ઈરાદો હતો કે કેમ. કારમાં આગ લાગવાની ઘટના અને અંદરથી માનવ અવશેષો મળી આવતાં પોલીસ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. જોકે, કારને પુરાવા નષ્ટ કરવા માટે જ સળગાવવામાં આવી હતી એવું પોલીસ દ્વારા હજુ સુધી અંતિમ રીતે જાહેર કરવામાં આવ્યું નથી. હાલ ફોરેન્સિક નિષ્ણાતો, લેંગલી પોલીસ અને બ્રિટિશ કોલંબિયાના કોરોનર્સ વિભાગ પણ તપાસમાં સહયોગ આપી રહ્યા છે.
ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યો શોક
કેનેડાના વાનકુવરમાં આવેલા ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે તુષાર શર્માના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. દૂતાવાસે જણાવ્યું છે કે 25 વર્ષીય ભારતીય નાગરિકના દુઃખદ અવસાનથી તેઓ વ્યથિત છે. સાથે જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક પોલીસ અધિકારીઓના સંપર્કમાં હોવાનું તથા તપાસ પર નજર રાખી રહ્યું હોવાનું પણ જણાવ્યું છે. આ મુશ્કેલ સમયમાં પરિવારને જરૂરી સહયોગ આપવા માટે દૂતાવાસ સંપર્કમાં છે.
પોલીસની અપીલ: તુષાર વિશે માહિતી હોય તો સંપર્ક કરો
હત્યાની તપાસ કરી રહેલી IHIT ટીમે જાહેર જનતાને અપીલ કરી છે કે તુષાર શર્માની 29 ઓક્ટોબર પહેલાંની ગતિવિધિઓ, તેના સંપર્કો કે ઘટનાને લગતી કોઈ પણ માહિતી હોય તો પોલીસને જણાવે. ખાસ કરીને લેંગલીના રોલિસન ક્રેસન્ટ વિસ્તારમાં તે સમયગાળા દરમિયાન કોઈ શંકાસ્પદ હિલચાલ કે વાહન જોવા મળ્યું હોય તો તેની માહિતી તપાસમાં ઉપયોગી થઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, સામાન્ય જણાતી નાની માહિતી પણ આ કેસની કડીઓ જોડવામાં મદદરૂપ બની શકે છે.








