CEC Gyanesh Kumar bribery probe: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે બે દાયકા જૂના લાંચ માંગવાના ગંભીર આરોપોની પુનઃ તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેરળમાં 10 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનારી કોંગ્રેસની આગેવાની હેઠળની UDF સરકારના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ રાજ્યના વિજિલન્સ વિભાગને આ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ આખો મામલો વર્ષ 2006માં કેરળના એક મોટા માર્ગ નિર્માણ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે, જ્યારે જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના IAS અધિકારી તરીકે રાજ્યના જાહેર બાંધકામ વિભાગમાં સચિવ પદે કાર્યરત હતા.
પેમેન્ટ પાસ કરવા બદલ ₹2 કરોડની લાંચ માંગ્યાનો આરોપ
કોલ્લમના સ્થાનિક કોન્ટ્રાક્ટર સાજન દ્વારા કરવામાં આવેલી તાજી ફરિયાદ અનુસાર 'કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ'નું માર્ગ નિર્માણ કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરોને નાણાં ચૂકવવાના બદલામાં તત્કાલીન સચિવ જ્ઞાનેશ કુમારે કથિત રીતે ₹2 કરોડની લાંચની માંગણી કરી હતી. સાજનનો દાવો છે કે, પ્રોજેક્ટ એન્જિનિયરો દ્વારા આશરે ₹17 કરોડના બિલ વિધિવત મંજૂર કરી દેવામાં આવ્યા હતા પરંતુ, લાંચ ન મળવાને કારણે સચિવ દ્વારા ચુકવણીના ચેક રોકી રાખવામાં આવ્યા હતા. જેના કારણે પ્રોજેક્ટ સંભાળી રહેલી મલેશિયન કંપની PATI-BEL, તેના પેટા કોન્ટ્રાક્ટરો અને હજારો શ્રમિકો ગંભીર આર્થિક સંકટમાં મુકાઈ ગયા હતા.
લાંચના દબાણ અને આર્થિક તંગીથી કંટાળી મલેશિયન એન્જિનિયરે આત્મહત્યા કરી હતી
ફરિયાદી સાજનના જણાવ્યા અનુસાર મલેશિયન કંપનીના પ્રોજેક્ટ એન્જિનિયર લી સી બીને તેમને જાણ કરી હતી કે, લાંચ આપ્યા વગર પેમેન્ટના ચેક ક્લિયર કરવામાં આવી રહ્યા નથી. કંપનીના ટોચના સંચાલકોએ લાંચ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ દરમિયાન કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોના બાકી પૈસા ચૂકવવા માટે એન્જિનિયર લીએ બેંગલુરુ સ્થિત પ્રોજેક્ટમાંથી પૈસાની વ્યવસ્થા કરવી પડી હતી. સતત વધતા આર્થિક દબાણ અને પેમેન્ટ ન થવાને કારણે લી સી બીને વર્ષ 2006માં આત્મહત્યા કરી લીધી હતી. કથિત રીતે તેમણે પોતાની સુસાઇડ નોટમાં પણ જ્ઞાનેશ કુમારના નામનો ઉલ્લેખ કર્યો હતો. સાજને જણાવ્યું કે, અગાઉની તપાસમાં મુખ્ય સાક્ષીઓની પૂછપરછ કરાઈ નહોતી અને તેઓ હવે લીના પરિવાર સહિતના સાક્ષીઓને તપાસ એજન્સી સમક્ષ રજૂ કરવા તૈયાર છે.
2006માં પણ થઈ હતી વિજિલન્સ તપાસ
ઉલ્લેખનીય છે કે, 2006માં મલેશિયન એન્જિનિયરના મૃત્યુ બાદ પણ પ્રાથમિક વિજિલન્સ તપાસ હાથ ધરાઈ હતી પરંતુ, તે સમયે પૂરતા પુરાવાના અભાવે કેસ બંધ કરી દેવાયો હતો. હવે નવી ફરિયાદ મળ્યા બાદ વિજિલન્સ વિભાગે કાયદાકીય સલાહ લઈને ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી માંગી હતી, જેના આધારે કેરળ સરકારે જૂની તપાસની ક્ષતિઓ અને નવા પાસાઓની તપાસનો આદેશ આપ્યો છે. જોકે, આ આરોપો હજુ કાયદાકીય રીતે સાબિત થયા નથી અને વિજિલન્સ આ દાવાઓની સત્યતા ચકાસી રહી છે. આ મામલે CEC જ્ઞાનેશ કુમાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
મતદાર યાદી વિવાદ અને ચૂંટણી પંચમાં આંતરિક મતભેદો
આ વિજિલન્સ તપાસ એવા સમયે શરૂ થઈ છે જ્યારે કોંગ્રેસ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં કથિત ગેરરીતિઓને લઈને CEC જ્ઞાનેશ કુમાર સામે દેશવ્યાપી આંદોલન ચલાવી રહ્યા છે. આ દરમિયાન, મીડિયા અહેવાલો મુજબ ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ પણ 28 ઓક્ટોબર, 2025થી 14 ઓગસ્ટ, 2026 દરમિયાન મતદાર ડેટાબેઝ, ફોર્મ-6 અને નવા મતદારોની નોંધણી અંગે પંચના નિર્ણયો સામે 14 વખત લેખિત વાંધાઓ નોંધાવ્યા હતા. આ તમામ પત્રોની નકલો CECને પણ મોકલવામાં આવી હતી, જેનાથી સમગ્ર વિવાદ વધુ ગરમાયો છે.
વિશેષ અને વધારાની માહિતી
કેરળની રાજકીય પૃષ્ઠભૂમિ: મે 2026ની કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે 140માંથી 97 બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવીને ડાબેરી મોરચાના 10 વર્ષના શાસનનો અંત આણ્યો હતો. સત્તા પરિવર્તન બાદ જૂના ભ્રષ્ટાચારના કેસોની ફાઈલો ફરી ખોલવામાં આવી રહી છે.
જ્ઞાનેશ કુમારની સિવિલ સર્વિસ કારકિર્દી: જ્ઞાનેશ કુમાર 1988ની બેંચના કેરળ કેડરના IAS અધિકારી છે. તેમણે કેન્દ્ર સરકારમાં સંસદીય બાબતોના મંત્રાલય અને સહકારિતા મંત્રાલયમાં સચિવ તરીકે મહત્વની સેવાઓ આપી હતી અને માર્ચ 2024માં ભારતના ચૂંટણી પંચમાં તેમની નિયુક્તિ થઈ હતી.








