Pakistan bus dumper collision: પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પેસેન્જર બસ અને ડમ્પર ટ્રક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત એબોટાબાદ મોટરવે પર થયો હતો. ઘટનાની જાણ થતાં ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અયુબ ટીચિંગ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર
અકસાન્તમાં ઘાયલ થયેલા લોકો અને મૃતકોના મૃતદેહોને અયુબ ટીચિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં સાત મૃતદેહો અને 30 ઘાયલોને ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક વધીને આઠ થયો હતો.
ઘાયલોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોમાં પાંચ બાળકો અને છ મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા છ લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. તબીબી ટીમ દ્વારા તમામ ઘાયલોને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત કયા સંજોગોમાં થયો અને બસ તથા ડમ્પર વચ્ચે ટક્કરનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.








