Saudi Airport Drone Attack: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે અત્યંત ખતરનાક વળાંકે પહોંચી ગયો છે, જ્યાં યુદ્ધના ક્ષેત્રોથી સુરક્ષિત ગણાતા નાગરિક ઠેકાણાઓ પણ નિશાન બની રહ્યા છે. સાઉદી અરેબિયાના પૂર્વીય પ્રાંતમાં આવેલા દમ્મામના જાણીતા 'કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ' પર મોડી રાત્રે અચાનક ભીષણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ ગંભીર હુમલામાં એક સાઉદી નાગરિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા આ હુમલાને સમર્થન આપવામાં આવ્યું છે અને એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે ભારે હચમચ મચી ગઈ છે અને મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને અનેક ફ્લાઈટ્સના રૂટ બદલવામાં આવ્યા છે.
અરામકો ઓઈલ ફિલ્ડ પર હુમલાથી ભારે તારાજી
એરપોર્ટ પર થયેલા હુમલા પહેલાં દક્ષિણ-પૂર્વીય સાઉદી અરેબિયામાં સ્થિત વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની 'અરામકો'ના શાયબહ ઓઈલ ફિલ્ડ પર પણ ખતરો મંડરાયો હતો. દેશની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ ઈન્ટરસેપ્ટ કરવામાં આવેલા ડ્રોનનો સળગતો કાટમાળ એક ઓઈલ ફિલ્ડ વિસ્તારમાં પડતાં કોન્ટ્રાક્ટરના વાહનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં વાહનમાં સવાર બે શ્રમિકોના કરુણ મોત થયા છે, જેમાં એક નેપાળી અને એક ફિલિપિનો નાગરિક સામેલ છે. આ જ હુમલામાં અન્ય કેટલાક કામદારો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ભારતીય અને પાકિસ્તાની નાગરિકોનો પણ સમાવેશ થાય છે. વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ ગણાતા આ સ્થાનો પર સતત થઈ રહેલા હુમલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી દીધી છે.
અમેરિકા દ્વારા કડક પગલાં: રાજદ્વારી સ્ટાફને દેશ છોડવા આદેશ
સાઉદી અરેબિયામાં સતત વધી રહેલા સુરક્ષા જોખમો અને હુમલાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમેરિકાની સરકારે ત્વરિત અને કડક પગલું ભર્યું છે. વોશિંગ્ટન સ્થિત અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા સાઉદી અરેબિયામાં તૈનાત પોતાના નોન-ઈમરજન્સી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક અસરથી દેશ છોડીને સુરક્ષિત પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમેરિકન પ્રશાસને ચેતવણી ઉચ્ચારી છે કે મિડલ ઈસ્ટમાં પ્રવર્તતી યુદ્ધ જેવી સ્થિતિ અને હુમલાઓનો વ્યાપ હવે સાઉદીની સીમાઓ વટાવીને વધુ વિસ્તરી શકે છે, જેના કારણે અમેરિકન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અનિવાર્ય બની ગઈ છે.








