SpiceJet: દેશની બજેટ એરલાઈન સ્પાઈસજેટ હાલ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. સતત કથળતી કામગીરી, ઉડાન રદ થવાના બનાવો અને નિયમોના ઉલ્લંઘન બાદ ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ 17 નવેમ્બરે એરલાઈનને કારણદર્શક નોટિસ ફટકારી છે. કંપનીને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે માત્ર સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. સમયમર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે તો એરલાઈનના સંચાલન સામે મોટું સંકટ ઊભું થઈ શકે છે.
DGCA એ શા માટે આપી કડક ચેતવણી?
DGCA ની નોટિસમાં સ્પાઈસજેટના કામકાજ અંગે ગંભીર અવલોકનો નોંધવામાં આવ્યા છે. નિયમનકારના જણાવ્યા અનુસાર એરલાઈનનું ઓપરેશનલ પર્ફોર્મન્સ સતત ઘટી રહ્યું છે, ઓન-ટાઈમ પર્ફોર્મન્સ (OTP) બગડ્યું છે અને મંજૂર થયેલા ફ્લાઈટ શેડ્યૂલનું પાલન થતું નથી. મોટાભાગના વિમાનો જમીન પર ઊભા છે અને તેને ફરીથી સેવામાં લાવવા માટે કંપની પાસે કોઈ વિશ્વસનીય યોજના નથી. ફ્લાઈટ્સમાં વિલંબ અને રદ થવાને કારણે મુસાફરોને પડતી હાલાકી સામે નારાજગી વ્યક્ત કરાઈ છે અને મુશ્કેલ સમયમાં મુસાફરોને મદદ કરવાની વ્યવસ્થા અપૂરતી હોવાનું જણાવાયું છે.
66 ની મંજૂરી સામે માત્ર 15 ફ્લાઈટ્સ, મુસાફરોમાં અનિશ્ચિતતા
વિન્ટર શેડ્યૂલ હેઠળ DGCA એ સ્પાઈસજેટને દરરોજ આશરે 66 ફ્લાઈટ્સ ચલાવવાની મંજૂરી આપી હતી, પરંતુ વાસ્તવિકતામાં એરલાઈન માંડ રોજની 15 ફ્લાઈટ્સ જ ઉડાવી શકી રહી છે. આમ છતાં સમગ્ર પ્રકાશિત શેડ્યૂલ માટે ટિકિટ બુકિંગ ચાલુ રહેતા અગાઉથી બુકિંગ કરાવનાર મુસાફરોને છેલ્લી ઘડીએ ફ્લાઈટ રદ થવાનો સામનો કરવો પડે છે.
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેટર DIAL એ સતત બીજા દિવસે મુસાફરો માટે એડવાઈઝરી જારી કરવી પડી હતી. શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એરપોર્ટ તંત્રે જણાવ્યું કે સ્પાઈસજેટની ઓપરેશનલ સમસ્યાને કારણે કેટલીક ઉડાન પ્રભાવિત થઈ શકે છે, તેથી મુસાફરો ઘરેથી નીકળતા પહેલા ફ્લાઈટનું લેટેસ્ટ સ્ટેટસ ચકાસે અને સીધો એરલાઈનનો સંપર્ક કરે.
બજાર હિસ્સો અડધો થયો, શેરબજારમાં પણ દબાણ
રોકડની અછત અને કથળતી સેવાની સીધી અસર એરલાઈનના બજાર હિસ્સા પર પડી છે. ઓગસ્ટમાં 1.2 ટકા રહેલો સ્થાનિક બજાર હિસ્સો સપ્ટેમ્બરમાં ઘટીને અડધો એટલે કે 0.6 ટકા પર આવી ગયો છે.
DGCA ની નોટિસના અહેવાલ બાદ શેરબજારમાં પણ સ્પાઈસજેટના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે બપોરના કારોબારમાં BSE પર શેર લગભગ ૫ ટકા તૂટીને રૂ. 9.74 પર પહોંચ્યો હતો અને BSE એ પણ નોટિસ અંગે સત્તાવાર સ્પષ્ટતા માંગી છે. ઉલ્લેખનીય છે કે, આ નોટિસ એવા સમયે આવી છે જ્યારે સ્પાઈસજેટના બોર્ડે નાણાંકીય સ્થિતિ મજબૂત કરવા રૂ. 5,500 કરોડ સુધી ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
વીમાની અનિશ્ચિતતા, બાકી દંડ અને વિદેશી એજન્સીઓની ચિંતા
DGCA ની નોટિસમાં અન્ય ગંભીર મુદ્દાઓ પણ ઉઠાવાયા છે:
ફરજિયાત વીમા કવરના રિન્યુઅલ અંગેની અનિશ્ચિતતા.
સર્વિસ પ્રોવાઈડર્સને સમયસર ચુકવણી ન થવાને કારણે સર્જાતી મુશ્કેલીઓ અંગે વિદેશી એવિએશન ઓથોરિટીઝની ચિંતા.
મે મહિનામાં લગાવાયેલો અગાઉનો દંડ વારંવાર યાદ અપાવવા છતાં હજુ સુધી ન ભરાયાનો મુદ્દો.
નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ઉડાન માટેની પાત્રતા શરતો પૂરી કરવામાં નિષ્ફળતા અને રૂટ ડિસ્પર્સલ ગાઈડલાઈન્સ (RDG) ના વારંવાર ઉલ્લંઘનનો ઉલ્લેખ.
આગામી સાત દિવસમાં એરલાઈને DGCA ના સવાલોનો નક્કર જવાબ આપવા સાથોસાથ રૂ. 5500 કરોડના ભંડોળ આયોજન દ્વારા ગ્રાઉન્ડ થયેલા વિમાનો ફરી કાર્યરત કરવાની મોટી કસોટીનો સામનો કરવો પડશે.








