Diljit Dosanjh Visits White Rann of Kutch: અમદાવાદમાં પોતાના 'દિલ-લુમિનાટી' (Dil-Luminati) કોન્સર્ટથી હજારો ચાહકોને ઝૂમાવ્યા બાદ સુપરસ્ટાર દિલજીત દોસાંઝ 23 નવેમ્બરે કચ્છના મહેમાન બન્યા હતા. અહીં તેમણે રણોત્સવની મુલાકાત લઈને સફેદ રણની અદભુત સુંદરતા, કચ્છની લોકસંસ્કૃતિ અને સ્થાનિક કલાકારોની કળાનો આનંદ માણ્યો હતો. ચાંદની રાતમાં ઊંટગાડીની સવારીથી લઈને સિદ્દી ધમાલ નૃત્ય સુધીની અનેક યાદગાર ક્ષણોનો અનુભવ કર્યા બાદ દિલજીતે ચાહકોને જીવનમાં એકવાર સફેદ રણની મુલાકાત લેવાની અપીલ કરી હતી.
પરંપરાગત સ્વાગત અને સોનેરી સૂર્યાસ્તનો નજારો
કચ્છના રણોત્સવમાં પહોંચતા જ સ્થાનિક કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં દિલજીત દોસાંઝનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દિલજીતે પણ હાથ જોડીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ તેમણે સફેદ રણમાં ઢળતી સાંજના સોનેરી સૂર્યાસ્તનો નજારો માણ્યો હતો. શાંતિથી બેસીને તેમણે કુદરતના અલૌકિક સૌંદર્યને નિહાળ્યું હતું. સફેદ રણની વિશાળતા અને સાંજના આહલાદક વાતાવરણથી તેઓ ખાસ પ્રભાવિત થયા હતા.

ચાંદની રાતમાં ઊંટગાડીની સવારી, લોકગીતનો લીધો આનંદ
દિલજીતના કચ્છ પ્રવાસની સૌથી આકર્ષક ક્ષણોમાંની એક હતી ચાંદની રાતમાં સફેદ રણની સફર. રંગબેરંગી શણગારેલી ઊંટગાડીમાં બેસીને તેમણે પૂનમ જેવી ખીલેલી ચાંદનીમાં રણની સુંદરતાનો અનુભવ કર્યો હતો. આ દરમિયાન 'રંગ ભરી અલ રાત પૂનમની...' લોકગીતના સૂર વચ્ચે તેમણે ઊંટગાડીની સવારી માણી હતી. સફેદ રણની ચાંદની, લોકસંગીત અને કચ્છી સંસ્કૃતિના આ અનોખા સંગમનો દિલજીતે મનભરીને આનંદ લીધો હતો.

સિદ્દી ધમાલ અને આગના સ્ટંટ જોઈ દંગ રહી ગયા
રણોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં દિલજીત એક સામાન્ય દર્શકની જેમ સોફા પર બેસીને સ્થાનિક કલાકારોની રજૂઆતો નિહાળતા જોવા મળ્યા હતા. તેમણે કલાકારોના નૃત્યને તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું. આ દરમિયાન તેમણે કચ્છી લોકકલાકારો સાથે મુલાકાત કરી હતી, કચ્છી શાલ ઓઢી હતી અને તેમની સાથે તસવીરો પણ પડાવી હતી. ખાસ કરીને ગુજરાતના પ્રખ્યાત સિદ્દી ધમાલ નૃત્યે તેમનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત કલાકારોએ મોંમાંથી આગ કાઢવાના દિલધડક સ્ટંટ રજૂ કર્યા હતા, જે જોઈને દિલજીત દંગ રહી ગયા હતા. તેમણે ઊભા થઈને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.


'કેટલી ભાષાઓ, કેટલી કલા અને કેટલું અદભૂત આર્ટ!'
કચ્છની લોકસંસ્કૃતિ અને કલાકારોની કળાથી પ્રભાવિત થયેલા દિલજીત દોસાંઝે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અહીં કેટલી બધી ભાષાઓ છે, કેટલી કલા છે અને કેટલું અદભૂત આર્ટ છે! તેમણે સોશિયલ મીડિયા પર પણ પોતાના કચ્છ પ્રવાસના વીડિયો શેર કર્યા હતા. સાથે જ દરેક વ્યક્તિને જીવનમાં એકવાર કચ્છના સફેદ રણની મુલાકાત લઈને તેની સુંદરતાનો અનુભવ કરવાની અપીલ કરી હતી. આ સાથે તેમણે ગુરુનાનક જયંતીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

અમદાવાદના કોન્સર્ટ બાદ કચ્છની સફરે ગુજરાત યાત્રા બનાવી યાદગાર
નોંધનીય છે કે કચ્છ પહોંચતા પહેલાં દિલજીત દોસાંઝે અમદાવાદમાં 'દિલ-લુમિનાટી' લાઈવ કોન્સર્ટ યોજ્યો હતો. હાઉસફુલ કોન્સર્ટમાં હજારો ચાહકો તેમના ગીતો પર ઝૂમી ઊઠ્યા હતા. અમદાવાદની સંગીતમય રાત બાદ કચ્છના રણોત્સવમાં સ્થાનિક કલાકારો સાથે વિતાવેલી ક્ષણોએ તેમની ગુજરાત યાત્રાને વધુ યાદગાર બનાવી દીધી છે. એક તરફ અમદાવાદમાં ચાહકોનો ઉત્સાહ અને બીજી તરફ કચ્છની સંસ્કૃતિ, મહેમાનગતિ તથા સફેદ રણની સુંદરતા—દિલજીતે ગુજરાતની આ બંને ઝલકનો ભરપૂર આનંદ માણ્યો હતો.








