Isha Ambani Antilia Dinner Party: અંબાણી પરિવારનું વૈભવી નિવાસસ્થાન એન્ટિલિયા હંમેશાં પોતાની ભવ્યતા અને અનોખી સજાવટને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં ઈશા અંબાણીએ પ્રખ્યાત અમેરિકન ફેશન ડિઝાઈનર ટોરી બર્ચ માટે એન્ટિલિયામાં ખાસ પ્રાઇવેટ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ઘરને બગીચાની થીમથી સજાવવામાં આવ્યું હતું. હોલની વચ્ચે વહેતી નદી જેવું દેખાતું ફૂલોથી સજાવેલું વિશાળ ડાઇનિંગ ટેબલ, જીવંત બગીચો અને ભવ્ય ક્રિસ્ટલ ઝુમ્મરે મહેમાનોનું ધ્યાન ખેંચ્યું હતું.
ટેબલની વચ્ચે ઊભો કર્યો જીવંત બગીચો
અમેરિકન ફેશન ડિઝાઈનર ટોરી બર્ચ હાલમાં ભારતની મુલાકાતે છે. તેમના સ્વાગત માટે ઈશા અંબાણીએ મુંબઈના એન્ટિલિયામાં ભવ્ય ડિનરનું આયોજન કર્યું હતું. આ ખાસ સજાવટની ઝલક બુટિક લક્ઝરી ઇવેન્ટ ડિઝાઇન ફર્મ 'માઈ સ્ટોરીઝ'એ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 'માઈ સ્ટોરીઝ'એ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ટોરી બર્ચે આ ડાઇનિંગ ટેબલને અત્યાર સુધી જોયેલું સૌથી શાનદાર ટેબલ ગણાવ્યું હતું. ઈશા અંબાણીની પ્રાઇવેટ ડિનર પાર્ટી માટે ટેબલની વચ્ચે જ એક જીવંત બગીચો તૈયાર કરવામાં આવ્યો હતો.

ક્રિસ્ટલ ઝુમ્મર અને ફૂલોની સજાવટે ખેંચ્યું ધ્યાન
ડિનર પાર્ટી માટે ક્રિસ્ટલ ઝુમ્મરની ભવ્ય છત નીચે સર્પાકાર આકારનું વિશાળ ટેબલ ગોઠવવામાં આવ્યું હતું. તેની આસપાસ ગુલાબી અને જાંબલી ફૂલો તથા લીલીછમ હરિયાળીથી બગીચા જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. ટેબલ પર કસ્ટમ બોટનિકલ પ્રિન્ટવાળું લિનન, 'લેસ ઓટોમન' ડિનર પ્લેટ્સ અને પાંદડાની બારીક ભરતકામવાળા નેપકિન્સ ગોઠવવામાં આવ્યા હતા. ફૂલોના ગુચ્છા, કાચની નાજુક ફૂલદાનીઓ અને ઘેરા લીલા રંગની મીણબત્તીઓએ સજાવટને વધુ આકર્ષક બનાવી હતી. આ ઉપરાંત, ફ્લોરથી સીલિંગ સુધીની વિશાળ બારીઓ, વૈભવી માર્બલ ફ્લોરિંગ, આલીશાન પડદા, દીવાલો પરની અમૂલ્ય કલાકૃતિઓ અને ક્રિસ્ટલ રેલિંગવાળી સીડીઓએ સમગ્ર હોલની સુંદરતામાં વધારો કર્યો હતો.

ટોરી બર્ચે કહ્યું- અત્યાર સુધીનું સૌથી સુંદર ટેબલ
આ ખાસ સાંજથી ટોરી બર્ચ પણ ખૂબ પ્રભાવિત થયાં હતાં. તેમણે ડિનર પાર્ટીની તસવીરો શેર કરીને ઈશા અંબાણીનો આભાર માન્યો હતો. ટોરી બર્ચે લખ્યું હતું, 'મુંબઈમાં એક અવિસ્મરણીય સાંજ! ઈશા, મેં અત્યાર સુધી જોયેલા સૌથી ઉત્કૃષ્ટ ટેબલની આસપાસ આટલા બધા અસાધારણ મિત્રોને એકત્ર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.'

ઈશા અંબાણીનો વિન્ટેજ ફેશન લુક ચર્ચામાં
આ ભવ્ય ડિનર પાર્ટી માટે ઈશા અંબાણીએ પણ ખાસ આઉટફિટ પસંદ કર્યો હતો. તેમણે ટોરી બર્ચના સ્પ્રિંગ 2027 રેડી-ટુ-વેર કલેક્શનમાંથી એક સ્ટાઇલિશ સ્કર્ટ સેટ પહેર્યો હતો. આ કલેક્શન ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં યોજાયેલા ન્યૂયોર્ક ફેશન વીકમાં રજૂ કરવામાં આવ્યું હતું. મિડ-સેન્ચુરી ફેશનથી પ્રેરિત આ લુકમાં ઈશાએ લીલા રંગનું ગ્રેની સ્વેટર પહેર્યું હતું. તેના પર કોન્ટ્રાસ્ટ રંગનું બારીક ભરતકામ અને મેટાલિક ગોલ્ડ સિક્વન્સની સજાવટ હતી. તેની સાથે તેમણે વાદળી રંગનું મિડિ-લેન્થ સ્કર્ટ પહેર્યું હતું, જેમાં 3D થ્રેડ વર્ક કરવામાં આવ્યું હતું.

પન્નાની વીંટી અને ડાયમંડ ઇયરિંગ્સથી લુક પૂર્ણ કર્યો
ઈશા અંબાણીના આ લુકને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ ડેની મિશેલે ટોમ ફોર્ડના સ્લિંગબેક સાટિન શૂઝ સાથે પૂર્ણ કર્યો હતો. જ્વેલરીમાં અંબાણીના પર્સનલ કલેક્શનમાંથી પન્નાની વીંટી અને ડાયમંડ ઇયરિંગ્સ પસંદ કરવામાં આવ્યા હતા. હેર સ્ટાઇલિસ્ટ માઇક ડેઝિરે ઈશાના વાળને સિમ્પલ બ્લો-ડ્રાય લુક આપ્યો હતો. જ્યારે મેકઅપ આર્ટિસ્ટ તન્વી ચેમ્બુરકરે નેચરલ 'નો-મેકઅપ મેકઅપ' લુક તૈયાર કર્યો હતો. ન્યુટ્રલ રંગોના મેકઅપથી ઈશાનો લુક વધુ નેચરલ અને આકર્ષક દેખાતો હતો.
ડિનરમાં ફેશન જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર
ઈશા અંબાણીની આ પ્રાઇવેટ ડિનર પાર્ટીમાં ફેશન અને મનોરંજન જગતની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. તેમાં ટોરી બર્ચ ઉપરાંત 'વોગ'ના એડિટર-ઇન-ચીફ એના વિન્ટૂર, અનાઇતા શ્રોફ અડજાનિયા, મસાબા ગુપ્તા, શનાયા કપૂર, મનીષ મલ્હોત્રા અને તૃપ્તિ ડિમરી સહિતના સેલિબ્રિટીઝ સામેલ હતાં.









