Mahabharat Ek Dharmyuddh Season-2: આજકાલ દરેક જગ્યાએ નિતેશ તિવારીની 'રામાયણ'ની ખૂબ ચર્ચા ચાલી રહી છે પરંતુ, આ જ સમયે OTT પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર પર 'મહાભારત: એક ધર્મયુદ્ધ-2'ની પહેલી દમદાર ઝલક એટલે કે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. પરિવાર, મહત્વાકાંક્ષા, વફાદારી, સંઘર્ષ અને ધર્મના શાશ્વત પ્રશ્નોની આ મહાગાથા માનવ સ્વભાવ અને ભાગ્યને ઘડતા નિર્ણયોમાં ઊંડી આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. આ નવી સીઝનનું ટીઝર મહાકાવ્યના સૌથી નિર્ણાયક અને રોમાંચક ક્ષણોની ઝલક બતાવે છે. આ સાથે જ મેકર્સે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. આ સીઝનમાં કુલ 25 રોમાંચક એપિસોડ હશે.
ટીઝરમાં દ્રૌપદી ચીરહરણ અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય
રિલીઝ થયેલા ટીઝરમાં દર્શકોને દ્રૌપદીના ચીરહરણનો હૃદયદ્રાવક સીન અને ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યના રૂંવાડા ઊભા કરી દે એવા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. ભગવાન કૃષ્ણનું એ વચન કે "જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધશે, ત્યારે હું પ્રગટ થઈશ," તે મહાભારતના કેન્દ્રમાં છુપાયેલા કાલાતીત સંદેશને વધુ મજબૂત બનાવે છે. આ સીઝન એવી વાર્તાની પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે જ્યાં ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ સામાન્ય વ્યક્તિઓથી લઈને વિશાળ સામ્રાજ્યોના ભાગ્યનો નિર્ણય કરે છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રોહિત જયસિંહ વૈદ્યનું નિર્દેશન
આ નવી સીઝનનું શાનદાર ડિરેક્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક રોહિત જયસિંહ વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું છે. રોહિત વૈદ્ય અગાઉ પણ પોતાના ઐતિહાસિક અને પૌરાણિક પ્રોજેક્ટ્સ માટે ખૂબ જાણીતા છે. આ સીઝનમાં વિશેષ કરીને પાંડવોના અજ્ઞાતવાસ અને તેમની સંઘર્ષમય યાત્રાને દર્શાવવામાં આવી છે. કેવી રીતે તેઓ પોતાના જીવનના જોખમો, બદલાતી રાજકીય વફાદારીઓ અને કૌરવોના કપટ સામે દુનિયામાં પોતાનું સ્થાન જમાવવા માટે પડકારોનો સામનો કરે છે, તે ખૂબ જ બારીકાઈથી ફિલ્માવવામાં આવ્યું છે.
જિયોહોટસ્ટાર પર 24 નવેમ્બરથી સ્ટ્રીમિંગ થશે શરૂ
આ પ્રોજેક્ટ જિયોહોટસ્ટાર અને કલેક્ટિવ સ્ટુડિયોઝના 'હિસ્ટ્રીવર્સ' વચ્ચેના કોલાબ્રેશનનું ભવ્ય પરિણામ છે. આ સિરીઝ મહાભારતની દુનિયાને એક તદ્દન નવી શૈલીમાં રજૂ કરશે. 'મહાભારત: એક ધર્મયુદ્ધ-2'નું વર્લ્ડ પ્રીમિયર આગામી 24 નવેમ્બરથી વિશેષ રીતે માત્ર જિયોહોટસ્ટાર પ્લેટફોર્મ પર શરૂ થશે. દર્શકો આ શોને લઈને ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.
AI ટેકનોલોજીનો અદભુત સમન્વય
આ સિરીઝની સૌથી મોટી ખાસિયત તેની આધુનિક ટેકનોલોજી છે. 'મહાભારત: એક ધર્મયુદ્ધ' માં પાત્રો, યુદ્ધના સેટ્સ અને પ્રાચીન બ્રહ્માંડને એકદમ વાસ્તવિક અને ભવ્ય બનાવવા માટે 'AI-પાવર્ડ વિઝ્યુલાઇઝેશન'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઐતિહાસિક કથાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો આ રીતે વ્યાપક ઉપયોગ ભારતીય OTTના ઇતિહાસમાં એક મોટું સીમાચિહ્ન છે. આ જટિલ AI ટેકનોલોજી અને પ્રોડક્શનનું સમગ્ર મેનેજમેન્ટ 'ગેલેરી 5' નામની કંપની દ્વારા કરવામાં આવ્યું છે અને આ સિરીઝના નિર્માતા વિજય સુબ્રમણ્યમ છે. VFXની દ્રષ્ટિએ આ સીઝન બોલિવૂડની મોટી ફિલ્મોને પણ સીધી ટક્કર આપશે.








