Ramayana Box Office Collection: 5 નવેમ્બરના રોજ દિવાળીના તહેવારની આસપાસ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી રણબીર કપૂર અભિનીત 'રામાયણ' ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પકડ બનાવી છે. શરૂઆતના અઠવાડિયામાં તહેવારોની રજાઓનો ફાયદો ઉઠાવીને ફિલ્મે ધમાકેદાર કમાણી કરી હતી, ત્યારબાદ બીજા સપ્તાહમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જોકે, ત્રીજા વીકએન્ડમાં ફરી એકવાર દર્શકોનો સારો પ્રતિસાદ મળતા ફિલ્મે રિલીઝના 18 દિવસમાં વિશ્વભરમાં ₹1,693.50 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે.
ભારત અને વિદેશમાં કલેક્શનનો સંપૂર્ણ હિસાબ
બોક્સ ઓફિસના આંકડા પર નજર કરીએ તો 'રામાયણ'એ 18મા દિવસે પણ ભારતીય બજારમાં ₹35.60 કરોડની મજબૂત કમાણી નોંધાવી છે. આ સાથે ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન ₹942.75 કરોડ અને ગ્રોસ કલેક્શન ₹1,126.50 કરોડ પર પહોંચ્યું છે. બીજી તરફ, વિદેશી બજારોમાં પણ ફિલ્મે ₹567 કરોડનું ગ્રોસ કલેક્શન કરીને પોતાની મજબૂત હાજરી નોંધાવી છે, જેના કારણે તેનું કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન ₹1,693.50 કરોડ થયું છે.
તોતિંગ બજેટ અને થિયેટર શેરિંગનો મોટો પડકાર
આટલી મોટી રકમ કમાયા બાદ પણ ફિલ્મને હિટ કેમ ન ગણી શકાય, તેનું મુખ્ય કારણ તેનું ₹2,000 કરોડનું જંગી નિર્માણ બજેટ છે. રિપોર્ટ્સ મુજબ બંને ભાગ મળીને સમગ્ર ફ્રેન્ચાઇઝીનું બજેટ ₹4,000 કરોડ સુધી જણાવવામાં આવી રહ્યું છે, જોકે અગાઉ યશ દ્વારા આ આંકડાઓને ખોટા ગણાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બોક્સ ઓફિસના નિયમ મુજબ ટિકિટના કુલ વેચાણમાંથી થિયેટર માલિકો અને ડિસ્ટ્રિબ્યુટર્સનો હિસ્સો બાદ કર્યા બાદ નિર્માતાઓને મર્યાદિત રકમ મળે છે, જેથી ખર્ચ વસૂલવા અને નફો કમાવવા માટે બજેટ કરતાં ઘણી વધુ કમાણી જરૂરી બને છે.
હિટ થવા માટે કેટલી કમાણી જરૂરી?
ટ્રેડ એક્સપર્ટ સુમિત કડેલના વિશ્લેષણ મુજબ, 'રામાયણ પાર્ટ 1'ને બોક્સ ઓફિસ પર હિટનો દરજ્જો મેળવવા માટે વર્લ્ડવાઈડ ₹2,800 કરોડની કમાણી કરવી પડશે અથવા તેના હિન્દી વર્ઝને ₹1,100 કરોડનો બિઝનેસ કરવો પડશે. સામાન્ય રીતે ઓછા બજેટની ફિલ્મો ₹400-500 કરોડ કમાય તો સારો નફો કમાઈ શકે છે, પરંતુ 'રામાયણ' માટે તેનું વિશાળ બજેટ જ સૌથી મોટી કસોટી સાબિત થઈ રહ્યું છે.
દર્શકોના પ્રેમથી આગામી દિવસોમાં આશા જીવંત
ભલે અત્યારની કમાણી હિટના લક્ષ્યાંકથી પાછળ હોય, પરંતુ ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યા બાદ પણ ફિલ્મની કમાણીની ગતિ જળવાઈ રહી છે. પ્રેક્ષકોમાં ફિલ્મ પ્રત્યે જોવા મળી રહેલો ઉત્સાહ અને લોકપ્રિયતા જોતાં એવી આશા રાખવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં પણ 'રામાયણ' સારો બિઝનેસ કરીને હિટના આંકડા તરફ આગળ વધી શકે છે.








