Javed Akhtar Reacts to Ramayana Songs Response: બોલિવૂડના દિગ્ગજ ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તર હંમેશા પોતાના બેબાક અને રમૂજી અંદાજ માટે જાણીતા છે. તાજેતરમાં મુંબઈ ખાતે 'ઈન્ડિયન પરફોર્મિંગ રાઈટ સોસાયટી' (IPRS) ના 'મ્યુઝિક ક્રિએટર રિપોર્ટ'ના લોન્ચિંગ પ્રસંગે તેમણે નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ: રાઈઝ ઓફ એ લીજેન્ડ' વિશે રસપ્રદ વાતો કરી હતી. 81 વર્ષીય જાવેદ અખ્તરે સ્પષ્ટતા કરી કે તેમણે હજી સુધી આ ફિલ્મ જોઈ નથી, પરંતુ તેમની દીકરી અને જાણીતી ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તરે આ ફિલ્મ જોઈ છે અને તેમને તે ખૂબ જ ગમી છે. તેમણે હળવાશમાં ઉમેર્યું હતું કે ઝોયા ભાગ્યે જ કોઈ વસ્તુના વખાણ કરે છે, અરે તેમણે તો ક્યારેય મારા કામના પણ વખાણ કર્યા નથી, છતાં તે આ ફિલ્મની પ્રશંસા કરી રહી છે.
'રામાયણ'ના ગીતો કેમ હિટ ન થયા? અખ્તરનો રમૂજી જવાબ
આ કાર્યક્રમ દરમિયાન વર્ષ 2004ની ફિલ્મ 'સ્વદેશ' માટે જાવેદ અખ્તરે લખેલા સુપરહિટ ગીત 'પલ પલ હૈ ભારી' અને તેની જાણીતી પંક્તિ "મન સે રાવણ જો નિકાલે, રામ ઉસકે મન મેં હૈ" નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું કે તમારા લખેલા ગીતો આજે પણ લોકોના દિલને સ્પર્શે છે, જ્યારે નવી ફિલ્મ 'રામાયણ'ના ગીતોને દર્શકો તરફથી તેવો જોરદાર પ્રતિસાદ કેમ ન મળ્યો? આ સવાલના જવાબમાં જાવેદ અખ્તરે જરાય ખચકાયા વિના હસતા-હસતા મજાકના અંદાજમાં કહ્યું કે, "તેનું સીધું કારણ એ છે કે હું એક સારો લેખક છું, વાત અહીંથી જ શરૂ કરીએ. એટલે જ મારી લખેલી પંક્તિઓ લોકોના હૃદયને સ્પર્શી જાય છે." ઉલ્લેખનીય છે કે 'રામાયણ' ફિલ્મના ગીતો કુમાર વિશ્વાસે લખ્યા છે અને સંગીત એ.આર. રહેમાન તથા હંસ ઝિમરે આપ્યું છે.
ભગવાન રામ દરેક ભારતીયના સંસ્કાર અને લોહીમાં વસેલા છે
સંગીતની ચર્ચાની સાથે જાવેદ અખ્તરે ભગવાન શ્રીરામ પ્રત્યેના પોતાના ઊંડા વિચારો પણ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે રામ માત્ર કોઈ એક વ્યક્તિ નથી, પરંતુ તે એક સર્વોચ્ચ આદર્શ, નૈતિકતા અને જીવન જીવવાની એક સુંદર રીત છે. અખ્તરે ખૂબ જ ભાવુક અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "કદાચ મારી આ વાતથી આવતીકાલે ઘણા લોકો નારાજ પણ થઈ શકે છે, પરંતુ હકીકત એ છે કે રામનું તત્ત્વ દરેક ભારતીયના લોહીમાં વસેલું છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો કેમ ન હોય." તેમના મતે રામ એક એવી વિચારધારા અને જીવનશૈલી છે, જેને તમે જ્યારે સમજો છો અને અપનાવો છો, ત્યારે તે સીધી તમારા હૃદયને સ્પર્શી જાય છે.
ફિલ્મની ભવ્ય સ્ટારકાસ્ટ અને આગામી ભાગની જાહેરાત
5 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી નિતેશ તિવારીની આ ફિલ્મને તેના ભવ્ય સ્કેલ, દ્રશ્યો અને કલાકારોના અભિનય માટે દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જોકે તેના ગીતોને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત આ મહાકાવ્યમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં અને સાઉથના સુપરસ્ટાર યશ લંકેશ રાવણના દમદાર રોલમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રવિ દુબેએ લક્ષ્મણ, સની દેઓલે હનુમાન અને અરુણ ગોવિલે રાજા દશરથની ભૂમિકા ભજવી છે. બે ભાગમાં બની રહેલી આ ઐતિહાસિક ગાથાનો બીજો ભાગ દિવાળી 2028ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.








