Tiger Shroff Firing Case: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર તાજેતરમાં થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલી હાઈ-પ્રોફાઇલ જીગાના (Zigana પિસ્તોલ પંજાબના અમૃતસરથી અઢી લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. આ હથિયાર સાથે 20 રાઉન્ડ કારતૂસ પણ લાવવામાં આવ્યા હતા. કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્ય અનિલ પંડિતના નિર્દેશ પર આરોપીઓએ આ હથિયારની વ્યવસ્થા કરી હતી. આરોપીઓ પૈસા લઈને સીધા અમૃતસર પહોંચ્યા હતા અને એક અજાણી જગ્યાએ પૈસા મૂકીને આ ઘાતક હથિયાર મેળવ્યું હતું. મુંબઈ પોલીસ હવે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા અને હથિયાર સપ્લાયરની ઓળખ કરવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.
18 ઓક્ટોબરની ઘટના અને ટાઇગર શ્રોફનું નિવેદન
આ સમગ્ર મામલાની શરૂઆત 18 ઓક્ટોબરની સાંજે થઈ હતી, જ્યારે ટાઇગર શ્રોફ જુહુમાં ફૂટબોલ રમીને પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મોટરસાઈકલ પર આવેલા શખ્સોએ તેમની કારને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સદનસીબે આ જીવલેણ હુમલામાં ટાઇગર શ્રોફ સુરક્ષિત બચી ગયા હતા, પરંતુ તેમના ડ્રાઇવર અને એક ફેનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાના બીજા જ દિવસે ક્રાઈમ બ્રાન્ચની ટીમે હોસ્પિટલ પહોંચીને એક્ટરનું વિસ્તૃત નિવેદન નોંધ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન ટાઇગરે સ્પષ્ટ કર્યું હતું કે હુમલા પહેલાં તેમને કે તેમની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની ધમકી મળી નહોતી અને તેમની કોઈની સાથે અંગત દુશ્મની પણ નથી. આઘાતજનક સ્થિતિ વચ્ચે તેમણે સવાલ કર્યો હતો કે આખરે કોઈ તેમની પર આવો જીવલેણ હુમલો કેમ કરી શકે છે.
શૂટરોનો ભાગવાનો પ્લાન અને સુરત-દિલ્હી કનેક્શન
હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ ખૂબ જ ચાલાકીથી દેશના અલગ-અલગ શહેરોમાં ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. શૂટરોનો મૂળ પ્લાન સુરતથી બસ દ્વારા દિલ્હી જવાનો અને ત્યારબાદ સરહદ પાર કરીને નેપાળ ભાગી જવાનો હતો. જો કે, દિલ્હી જતી બસ છૂટી જવાથી તેમનો 'પ્લાન એ' નિષ્ફળ ગયો હતો. આ પછી માસ્ટરમાઇન્ડ અનિલ પંડિતે 'પ્લાન બી' એક્ટિવ કર્યો હતો. સુરત રેલવે સ્ટેશને પહોંચતા પહેલાં આરોપીઓએ ફાયરિંગમાં વપરાયેલા હથિયારો સુરત બસ સ્ટેન્ડ નજીક એક ખુલ્લી જગ્યામાં છુપાવી દીધા હતા અને પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને નાસી છૂટ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ તમામ ગતિવિધિઓ પર નજર રાખી હતી અને અત્યાર સુધીમાં આ કેસમાં 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તમામ આરોપીઓ સામે મહારાષ્ટ્રનો કડક કાયદો મકોકા (MCOCA) લગાડવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશ સુધી લંબાયેલા તપાસના તાર અને શાહજહાંપુર દરોડા
આ હાઇ-પ્રોફાઇલ કેસના તાર હવે ઉત્તર પ્રદેશ સુધી લંબાયા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક વિશેષ ટીમ તાજેતરમાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના પોવાયન વિસ્તારમાં પહોંચી હતી. ક્રાઈમ બ્રાન્ચે ત્યાંથી એક યુવકને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે, જે થોડા દિવસો પહેલા જ હરિયાણાના સોનીપતથી પરત ફર્યો હતો. આ ઉપરાંત દિલ્હી પોલીસે અગાઉ સીતાપુર જિલ્લામાંથી એક યુવતીની પણ ધરપકડ કરી હતી જેના પર હુમલાખોરોને મદદ કરવાનો આરોપ છે. પોલીસ અધિકારીઓ આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર શંકાસ્પદોને ઝડપી પાડવા માટે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં સતત દરોડા પાડી રહ્યા છે.
ફાયરિંગ કેસ વચ્ચે ટાઇગર શ્રોફે ₹9 કરોડમાં ફ્લેટ વેચ્યો
એક તરફ ફાયરિંગ કેસની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ ટાઇગર શ્રોફની રિયલ એસ્ટેટ સોદાબાજી પણ ચર્ચાનો વિષય બની છે. અભિનેતાએ મુંબઈના પોશ વિસ્તાર ગણાતા ખાર વેસ્ટમાં આવેલો પોતાનો નવમા માળનો ફ્લેટ રૂ. 9 કરોડમાં વેચી દીધો છે. આ પ્રોપર્ટી ડીલનું સત્તાવાર રજિસ્ટ્રેશન 22 ઓક્ટોબરે થયું હતું, જે ફાયરિંગની ઘટનાના બરાબર થોડા દિવસો બાદ જ પૂર્ણ થયું હતું. રૂસ્તમજી પેરામાઉન્ટ સોસાયટીમાં આવેલા આ 1,291 ચોરસ ફૂટના ફ્લેટ સાથે બે કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે. ટાઇગરે આ પ્રોપર્ટી વર્ષ 2018માં અશરે રૂ. 7.61 કરોડમાં ખરીદી હતી. આ અગાઉ પણ તેમણે પુણે અને મુંબઈના અન્ય પ્રોજેક્ટ્સમાં પ્રોપર્ટી વેચીને મોટો નફો મેળવ્યો હતો. હાલમાં બોલિવૂડ અભિનેતા પર થયેલા હુમલા અને તેના સુરક્ષા વ્યવસ્થાપનને લઈને મુંબઈ પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે.








