Umesh Barot Garba Special: 'પુષ્પા' ફિલ્મનો ડાયલોગ ‘ઝૂકેગા નહીં સાલા’ તો તમે સાંભળ્યો જ હશે, પરંતુ સુરતના ગરબા ગ્રાઉન્ડ પર લોકગાયક ઉમેશ બારોટે આ જ અંદાજમાં પોતાનો સ્વેગ બતાવ્યો છે. તેમણે કહ્યું, “સુરતના ખેલૈયાઓ જબ તક રુકેગા નહીં, તબ તક મેં ભી ઝુકેગા નહીં.” નવરાત્રિના બીજા દિવસે ઉમેશ બારોટે પોતાના સુરીલા અવાજથી સુરતી ખેલૈયાઓને ઝૂમતા કરી દીધા હતા. આ દરમિયાન તેમણે સંગીતની સફર, ગરબા પ્રત્યેનો પ્રેમ, કલાકો સુધી ગાવાની એનર્જી, ડાયેટ અને પોતાના ફેવરિટ ગરબા સહિતના મુદ્દાઓ પર ખાસ વાતચીત કરી હતી.
‘કયા સમયે શું ગાવું, તેમાં તકલીફ પડતી નથી’
સંગીતની સફર અને રિયાઝ વિશે વાત કરતાં ઉમેશ બારોટે જણાવ્યું કે લોકસંગીત તેમને વારસામાં અને ગર્ભસંસ્કારમાંથી મળ્યું છે. આ ઉપરાંત તેમણે મ્યુઝિક કૉલેજમાંથી શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. લોકસંગીતના વારસા અને ક્લાસિકલ તાલીમના સમન્વયને કારણે તેમને ગરબાના માહોલ પ્રમાણે ગીત પસંદ કરવામાં ખાસ મુશ્કેલી પડતી નથી. તેમના મતે, કલાકાર માટે માત્ર અવાજ સારો હોવો પૂરતો નથી, પરંતુ કયા સમયે કયું ગીત ગાવું અને લોકોના મૂડને કેવી રીતે સમજવો તે પણ એટલું જ મહત્ત્વનું છે.
‘માતાજીનો સાક્ષાત્કાર ન થાય તો ગાવાની મજા નથી આવતી’
ઉમેશ બારોટ માટે ગરબા માત્ર મનોરંજન નથી, પરંતુ માતાજીની આરાધનાનું માધ્યમ પણ છે. તેમણે જણાવ્યું કે ગરબાની શરૂઆત માતાજીની આરાધના અને ભગવાનના નામથી કરવાનો તેમનો પ્રયાસ રહે છે. તેમના શબ્દોમાં, “ભાવ વગર ગાવું નકામું છે.” જ્યાં સુધી માતાજીની ભક્તિનો અનુભવ ન થાય અને રૂંવાડાં ઊભાં ન થાય ત્યાં સુધી તેમને પોતાને પણ ગાવાની સાચી મજા આવતી નથી. આ જ ભક્તિભાવ તેમના સ્ટેજ પર્ફોર્મન્સમાં પણ જોવા મળે છે.
9થી 10 કલાક સુધી ગાવાની એનર્જીનું રહસ્ય શું?
નવરાત્રિ દરમિયાન કલાકો સુધી સતત હાઈ-એનર્જી સાથે ગાવું સરળ નથી. આ વિશે ઉમેશ બારોટે કહ્યું કે તેમની સૌથી મોટી તાકાત માતાજીના આશીર્વાદ છે. સ્ટેજ પર ચઢતાં પહેલાં તેઓ પહેલા પગથિયે હાથ અડાડીને માતાજીનું નામ લે છે. તેમણે જણાવ્યું કે ક્યારેક અવાજ બેસી ગયો હોય કે થાક લાગતો હોય, ત્યારે પણ જાણે ભગવતી પાછળથી ધક્કો મારતી હોય તેવી ઊર્જા અનુભવાય છે. આ સાથે ખેલૈયાઓનો ઉત્સાહ પણ તેમને નવી તાકાત આપે છે. લોકોની ‘વાહ-વાહ’ અને શાઉટિંગથી ગાવાનો જોશ બમણો થઈ જાય છે.
‘ગરબાના માહોલમાં અમે બોલિવૂડનાં ગીતો ગાતા નથી’
પરંપરાગત ગરબા અને બોલિવૂડ સંગીત અંગે ઉમેશ બારોટે સ્પષ્ટ કર્યું કે ગરબાના માહોલમાં તેઓ બોલિવૂડનાં ગીતો ગાતા નથી. જોકે, લોકોનું ધ્યાન પરંપરાગત ગરબા તરફ આકર્ષવા માટે ક્યારેક નાનો-મોટો શણગાર કે આધુનિક સંગીતની છાંટ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે જો આવા પ્રયોગોથી લોકો આપણી પરંપરા તરફ વળતા હોય, તો તેના માટે સો શણગાર કરવા પણ તેઓ તૈયાર છે. એટલે કે, આધુનિક અંદાજ સાથે પણ પરંપરાગત ગરબાની ઓળખ જાળવી રાખવી તેમના માટે મહત્ત્વની છે.
‘સુરતમાં તો ગલીએ ગલીએ ગરબા-દોઢિયાના ક્લાસિસ ચાલે છે’
સુરતી ખેલૈયાઓના ઉત્સાહ વિશે ઉમેશ બારોટે કહ્યું કે સુરતમાં જાણે વર્ષના 365 દિવસ નવરાત્રિ ચાલતી હોય તેવો માહોલ રહે છે. અહીં ગલીએ ગલીએ ગરબા અને દોઢિયાના ક્લાસિસ જોવા મળે છે. લગ્ન હોય કે અન્ય કોઈ પ્રસંગ, સુરતીઓ માટે ગરબાને વિશેષ સ્થાન મળે છે. સ્ટેજ પરના અનુભવો વિશે તેમણે એક રસપ્રદ વાત પણ જણાવી. ઘણી વખત એવું બને છે કે કોઈ ગીત તેમની યાદીમાં ન હોય, પરંતુ ખેલૈયાઓ મોબાઈલની સ્ક્રીન પર ગીત બતાવીને ગાવાની વિનંતી કરે છે. લોકોની ખુશી માટે તેઓ શક્ય હોય ત્યાં સુધી આવી વિનંતીઓ પૂરી કરવાનો પ્રયાસ કરે છે.
‘ઘેરદાર ઘૂમતા...’ ઉમેશ બારોટનો ફેવરિટ ગરબો
પોતાના મનપસંદ ગરબા વિશે વાત કરતાં ઉમેશ બારોટે ‘ઘેરદાર ઘૂમતા... ગોરી તમે મનડા મોહી લીધા રાજ...’નો ઉલ્લેખ કર્યો હતો. સ્ટેજ પર જતા પહેલાં તેમની મુખ્ય પ્રાર્થના એ જ હોય છે કે તેમની સાથે આખી ટીમની ઊર્જા કાર્યક્રમના અંત સુધી જળવાઈ રહે. ઉમેશ બારોટનો આ અંદાજ બતાવે છે કે ગરબાના મંચ પર કલાકારની એનર્જી માત્ર તેના અવાજથી નહીં, પરંતુ ભક્તિભાવ, ટીમવર્ક અને ખેલૈયાઓ સાથેના જોડાણથી પણ બને છે.








