Shabana Azmi hijab row: બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમી ફરી એકવાર પોતાના બેબાક અંદાજને લઈને ચર્ચામાં છે. ધર્મ, હિજાર અને બુર્કાને લઈને તેમણે એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી ફરી એકવાર આ મુદ્દે વિવાદ શરૂ થયો છે. શબાનાનું કહેવું છે કે, તે ધાર્મિક રીત-રિવાજનું પાલન નથી કરતી, પરંતુ સાંસ્કૃતિક રૂપે ખુદને મુસ્લિમ માને છે.
કોણ છે શબાના આઝમી?
શબાના પ્રખ્યાત શાયર અને ગીતકાર કૈફી આઝમ અને એક્ટ્રેસ શૌકત આઝમીની દીકરી છે. તેમના લગ્ન પ્રખ્યાત ગીતકાર, લેખક અને સ્ક્રીનરાઇટર જાવેદ અખ્તર સાથે થયા છે. જાવેદ અખ્તર મુસ્લિમ પરિવારમાં મોટા થયા છે પરંતુ, ખુદને નાસ્તિક કહે છે. હાલમાં જ ઉષા કાકડેના પોડકાસ્ટમાં પહોંચેલા શબાનાએ ઇસ્લામ સાથે જોડાયેલા એક સંવેદનશીલ મુદ્દે એટલે કે હિજાર અને બુર્કા પર ખુલીને પોતાના મંતવ્ય રજૂ કર્યા છે.
કુરાનમાં બુર્કા પહેરવાની વાત ક્યાં લખી છે?
શબાના આઝમીએ કહ્યું કે, કુરાનમાં ક્યાંય નથી લખ્યું કે, તમારે બુર્કા પહેરવા જોઈએ. કુરાનમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે, તમારી આંખોમાં શરમ અને લિહાજ હોવું જોઈએ. આ વાત મહિલાઓ અને પુરૂષો બંને માટે છે. અમુક વચેટિયાઓએ ધર્મની શિક્ષાને ખોટી રીતે રજૂ કરી છે, જેનાથી લોકો વચ્ચે ભ્રમ પેદા થયા છે. કુરાનમાં મહિલાઓ માટે પડદા અનિવાર્ય હોવાની વાત ધર્મની અસલી શીખને તોડી-મરોડીને રજૂ કરવામાં આવે છે.
ધર્મનિરપેક્ષતાની આડમાં કટ્ટરપંથ ફેલાવવો અયોગ્યઃ શબાના
શબાનાએ આગળ કહ્યું કે, 'હું બુર્કા નથી પહેરતી, પરંતુ જો કોઈ મને કહેશે કે તમે બુર્કા ન પહેરી શકો, તો હું બુર્કા પહેરી લઇશ. તમે છો કોણ મને કહેવાવાળા? જોકે, ધર્મનિરપેક્ષતાની આડમાં કટ્ટરપંથ ફેલાવવો પણ યોગ્ય નથી.'
જ્યારે કંગના સાથે થયો વિવાદ
આ પહેલીવાર નથી જ્યારે શબાનાએ હિજાબના મુદ્દે પોતોનો અવાજ ઉઠાવ્યો હોય. વર્ષ 2022માં કર્ણાટકના ઉડ્ડપીમાં હિજાબ પહેરવાના કારણે 6 વિદ્યાર્થિનીઓને કોલેજમાં પ્રવેશથી રોકવામાં આવ્યાના આરોપ પર પણ તેમણે પોતાના મંતવ્યો આપ્યા હતા. તે સમયે એક્ટ્રેસ અને હાલ ભાજપ સાંસદ કંગના રણૌતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને લખ્યું હતું કે, 'હિંમત બતાવવી છે, તો અફઘાનિસ્તાનમાં બુર્કા ન પહેરીને બતાવો. ખુદને આઝાદ કરતા શીખો, કેદ કરતા નહીં.' કંગનાની આ પ્રતિક્રિયા ઇરાનની ક્રાંતિ બાદ મહિલાઓની જિંદગીમાં આવેલા બદલાવો સાથે જોડાયેલી એક પોસ્ટ પર હતી.
શબાનાએ કંગનાને આપ્યો જવાબ
જોકે, શબાના પણ ચૂપ ન રહી. તેમણે કંગનાની પોસ્ટને રીપોસ્ટ કરતા એક્સ પર લખ્યું કે- જો હું ખોટી હોવ તો મને સુધારો, પરંતુ અફઘાનિસ્તાન એક ધર્મતાંત્રિક દેશ છે અને જ્યાં સુધી મને યાદ છે, ભારત એક ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણરાજ્ય છે.'
જાવેદ અખ્તર હિજાબના વિરોધી
રસપ્રદ વાત એ છે કે, શબાનાના પતિ જાવેદ અખ્તર પણ હિજાબ પહેરવાની પ્રથાનું સમર્થન નથી કરતા. જોકે, તેમનું માનવું છે કે, ધર્મનિરપેક્ષતાની વિરૂદ્ધ ઉભેલી હિન્દુત્વવાદી તાકતોને આ મુદ્દે બીજાના પહેરવેશ સામે અવાજ ઉઠાવવાનો નૈતિક અધિકાર નથી.
ફિલ્મી સ્ટાર્સના રાજકારણમાં આવવા વિશે કરી વાત
પોડકાસ્ટમાં શબાના આઝમીએ ફિલ્મી સ્ટાર્સને રાજકારણમાં આવવાના વધતા ચલણ પર પણ પોતાની વાત મૂકી છે. તેમણે તેને દરેક કલાકારની અંગત પસંદ ગણાવી હતી. પરંતુ, આ સાથે એક સલાહ પણ આપી હતી. શબાનાનું કહેવું છે કે, કોઈ એક્ટરે ફક્ત સન્માન માટે રાજનીતિમાં ન આવવું જોઈએ. જો જનતાએ તમને આટલો પ્રેમ અને ઓળખ આપી છે, તો તેની જવાબદારી સમજવી પડશે. રાજનીતિમાં આવ્યા બાદ સમાજના હિતમાં પ્રામાણિકતાથી કામ કરવું ખૂબ જ જરૂરી છે.
રાજ્યસભામાં પણ શબાનાનો દમદાર અંદાજ
નોંધનીય છે કે, શબાના આઝમીએ ક્યારેય લોકસભા કે વિધાનસભાની ચૂંટણી નથી લડી, પરંતુ તેઓ રાજ્યસભાના સભ્ય રહી ચુક્યા છે. વર્ષ 1997માં તત્કાલિન રાષ્ટ્રપતિએ તેમને સંસદના ઉપલા ગૃહ માટે નોમિનેટ કર્યા હતા. તેમના પતિ જાવેદ અખ્તર પણ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. પોતાની વ્યસ્ત ફિલ્મી કારકિર્દી છતાં શબાના રાજ્યસભાની કાર્યવાહીમાં નિયમિત ભાગ લેતા હતા. ગૃહમાં તેમણે મહિલાઓના અધિકારો, બાળકોના કલ્યાણ અને પ્રાથમિક સ્વાસ્થ્ય સેવા જેવા મહત્ત્વના મુદ્દા પર જોરદાર અવાજ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અને સમાજથી વંચિતોની સમસ્યાને પણ પ્રમુખતાથી મૂકી હતી. સાંસદે સ્થાનિક ક્ષેત્ર વિકાસ યોજના (MPLADS) હેઠળ મળેલી રકમનો ઉપયોગ મુંબઈમાં સાર્વજનિક જગ્યાઓને સૌંદર્યીકરણ અને સમુદ્ર કિનારાના વિસ્તારોને સુધારવા જેવા કામોમાં લગાવ્યા હતા.








