Badrinath Temple Donation Theft News: દેશમાં મંદિરોમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતું દાન પણ સુરક્ષિત ન હોવાની ચિંતાજનક બાબત સામે આવી છે. અયોધ્યાના રામ મંદિર બાદ હવે પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં પણ દાનની ગણતરીમાં ગેરરીતિ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ આશરે 300 પાનાનો તપાસ રિપોર્ટ ઉત્તરાખંડ સરકારને સોંપ્યો છે. રિપોર્ટમાં બદ્રીનાથ ધામ સહિત દેશનાં અનેક મંદિરોની દાન વ્યવસ્થા, સુરક્ષા અને સંચાલનમાં સુધારા કરવાની ભલામણ કરવામાં આવી છે.
જુલાઈમાં સામે આવ્યો હતો દાનમાં હેરફેરનો મામલો
બદ્રીનાથ ધામમાં આ વર્ષે જુલાઈ મહિનામાં થાળી ભેટ એટલે કે દાનની ગણતરીમાં હેરફેર થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના બાદ ઉત્તરાખંડ સરકારે તપાસ માટે SITની રચના કરી હતી. પોલીસ દ્વારા પણ આ મામલે અલગથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ કેસમાં બે કર્મચારીઓ પ્રમોદ નૌટિયાલ અને રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. SITએ મંદિર સમિતિ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ સહિત આશરે 20 લોકોની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનાં ફૂટેજ પણ તપાસવામાં આવ્યાં હતાં.
300 પાનાના રિપોર્ટમાં 14 મોટા મંદિરોનો અભ્યાસ
SITએ માત્ર બદ્રીનાથ ધામની તપાસ પૂરતી મર્યાદિત રાખી નહોતી. ટીમે ઉત્તર અને દક્ષિણ ભારતનાં આશરે 14 મોટાં મંદિરોની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો. તેમાં મંદિરનું સંચાલન, દાનની ગણતરીની પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગરવાલ ડિવિઝનલ કમિશનર આનંદ સ્વરૂપની આગેવાની હેઠળ તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં વિવિધ મંદિરોની વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી સુધારા સૂચવવામાં આવ્યા છે. આનંદ સ્વરૂપે PTI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે SITનો તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે.
દાનની ગણતરીના રૂમમાં કાચની દીવાલો અને CCTV લગાવવાની ભલામણ
SITએ બદ્રીનાથ ધામમાં દાનની ચોરી થઈ હોવાની શક્યતાને નકારી નથી. તપાસ દરમિયાન દાનની ગણતરી અને સુરક્ષા વ્યવસ્થામાં કેટલીક ખામીઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ખામીઓ દૂર કરવા માટે રિપોર્ટમાં અનેક સૂચનો કરવામાં આવ્યાં છે.
દાનમાં મળતાં રોકડ નાણાં અને ઘરેણાંની ગણતરી જ્યાં થાય છે, ત્યાં કાચની દીવાલો લગાવવી.
ગણતરીની જગ્યા એવી રીતે ખુલ્લી રાખવી કે આસપાસના લોકો સમગ્ર પ્રક્રિયા જોઈ શકે.
દાનની ગણતરીના રૂમના દરેક ખૂણામાં ઉચ્ચ ગુણવત્તાવાળા CCTV કેમેરા લગાવવા.
બનાવટી નોટો ઓળખવા માટે ખાસ મશીનની વ્યવસ્થા કરવી.
દાનની ગણતરીની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવી.
અન્ય મંદિરોની સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ
SITના અભ્યાસ દરમિયાન કેટલાક મંદિરોની સુરક્ષા અને દાન વ્યવસ્થા વધુ મજબૂત હોવાનું સામે આવ્યું હતું. આવા મંદિરોમાં અમલમાં રહેલી સારી વ્યવસ્થાઓ અન્ય ધાર્મિક સ્થળોએ પણ અપનાવવી જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે. બદ્રીનાથ ધામમાં દાનની ગણતરીમાં ગેરરીતિનો મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. હવે SITના રિપોર્ટમાં રજૂ કરાયેલી ભલામણો બાદ મંદિરની દાન વ્યવસ્થા વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાની દિશામાં પગલાં લેવાય તેવી અપેક્ષા છે.








