Nepal Helicopter Collision: નેપાળના સોલુખુંબુ જિલ્લામાં મંગળવારે સવારે હેલિકોપ્ટર અકસ્માતની ગંભીર ઘટના બની હતી. કાઠમંડુથી આશરે 250 કિલોમીટર દૂર આવેલા ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ કરતી વખતે બે હેલિકોપ્ટરનાં રોટર બ્લેડ એકબીજા સાથે અથડાઈ ગયાં હતાં. આ અકસ્માતમાં 47 વર્ષીય ભારતીય નાગરિકનું મોત થયું છે, જ્યારે ભારતીય મૂળના 53 વર્ષીય ન્યૂઝીલેન્ડના નાગરિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લેન્ડિંગ સમયે કેવી રીતે અથડાયાં બે હેલિકોપ્ટર?
નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ફિશટેલ એર અને ડાયનાસ્ટી એર દ્વારા સંચાલિત બે હેલિકોપ્ટર ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ માટે આગળ વધી રહ્યાં હતાં. આ દરમિયાન બંને હેલિકોપ્ટરનાં રોટર બ્લેડ એકબીજા સાથે અથડાઈ ગયાં હતાં. ઘટનાના CCTV ફૂટેજમાં બંને હેલિકોપ્ટર લેન્ડિંગ વખતે એકબીજાની નજીક આવતાં જોવા મળે છે. ત્યારબાદ તેમની વચ્ચે ટક્કર થાય છે. આ અકસ્માતને કારણે હેલિપેડ પર અફરાતફરી મચી ગઈ હતી.
મૃતક અને ઈજાગ્રસ્તની ઓળખ થઈ
સોલુખુંબુ જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકની ઓળખ 47 વર્ષીય વસંત કુમાર બાલારા માડુ તરીકે થઈ છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની કાર્યવાહી માટે હેલિકોપ્ટર મારફતે લુકલા લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં 53 વર્ષીય શૈલેષ કિશન પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેઓ ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના નાગરિક છે. તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
નેપાળના પહાડી વિસ્તારોમાં હેલિકોપ્ટર સેવાઓનું મહત્ત્વ
નેપાળના પહાડી વિસ્તારોમાં હેલિકોપ્ટર પરિવહનનું મહત્ત્વ ઘણું વધારે છે. પ્રવાસીઓ અને પર્વતારોહકોની અવરજવર ઉપરાંત જરૂરી સામગ્રી પહોંચાડવા તથા ઇમરજન્સી રેસ્ક્યૂ ઓપરેશન માટે પણ હેલિકોપ્ટરનો વ્યાપક ઉપયોગ થાય છે. ખાસ કરીને ઊંચાઈવાળા અને દુર્ગમ વિસ્તારોમાં હેલિકોપ્ટર સેવાઓ પરિવહનનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. આ અકસ્માત બાદ નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી અને પોલીસ દ્વારા ઘટનાની વધુ વિગતો મેળવવા તથા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








