Paraguay President Santiago Pena Impeached & Detained Over Ueno Bank Crisis: દક્ષિણ અમેરિકાના દેશ પેરાગ્વેમાં ડિજિટલ બૅન્ક ઉએનો (Ueno Bank) સાથે જોડાયેલી નાણાકીય કટોકટી હવે મોટા રાજકીય સંકટમાં ફેરવાઈ છે. બૅન્કની કામગીરી પર નિયંત્રણ આવ્યા બાદ લાખો ગ્રાહકોના ખાતાં અને નાણાકીય વ્યવહારો અટકી ગયા હતા. આ કટોકટીમાં રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પર હિતોના ટકરાવ અને સરકારી ભંડોળના ઉપયોગમાં ગેરરીતિના આરોપો લાગ્યા હતા. અંતે 6 નવેમ્બરે સેનેટે મહાભિયોગ દ્વારા તેમને પદ પરથી હટાવ્યા હતા. ત્યારબાદ પ્રોસિક્યુટર્સના આદેશથી તેમને તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પેડ્રો અલિયાનાએ નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.
શું છે સમગ્ર મામલો?
પેરાગ્વેની ડિજિટલ બૅન્ક ઉએનોમાં નાણાકીય સંકટ ઊભું થયા બાદ સેન્ટ્રલ બૅન્કે તેની કામગીરીમાં હસ્તક્ષેપ કર્યો હતો. બૅન્કની નાણાકીય સ્થિતિ કાયદાકીય સોલ્વન્સી મર્યાદાથી નીચે પહોંચી જતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેના કારણે આશરે 30 લાખ ગ્રાહકોના ખાતાં અને વ્યવહારો પ્રભાવિત થયા હતા. આ કટોકટીમાં રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાના બૅન્ક સાથેના જૂના વ્યાવસાયિક સંબંધો પણ ચર્ચામાં આવ્યા હતા. પેના અગાઉ બૅન્કની પેરેન્ટ કંપની ગ્રૂપો વાઝક્વેઝમાં હિસ્સો ધરાવતા હતા. તેમણે 2025માં આ હિસ્સો વેચ્યો હતો. આ ઉપરાંત, બૅન્કના ભૂતપૂર્વ વડા કાર્લોસ કાર્વાલોની સેન્ટ્રલ બૅન્કના પ્રમુખ તરીકે નિમણૂક અને સરકારી પેન્શન ફંડના નાણાં ઉએનોમાં રાખવાના મુદ્દે પણ સવાલો ઊઠ્યા હતા.
સેનેટમાં 44-0થી મહાભિયોગ, પદ પરથી હટાવાયા પેના
બૅન્કિંગ કટોકટી વચ્ચે પેના વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ હતી. 6 નવેમ્બરે પેરાગ્વેની સેનેટમાં યોજાયેલા મતદાનમાં હાજર તમામ 44 સેનેટરોએ તેમને પદ પરથી હટાવવાની તરફેણમાં મત આપ્યો હતો. એક સેનેટર ગેરહાજર રહ્યા હતા. પેનાએ મહાભિયોગની કાર્યવાહી દરમિયાન પોતાનો બચાવ રજૂ કરવા માટે વધુ સમય માગ્યો હતો. જોકે, સેનેટે તેમની માગણી સ્વીકારી નહોતી અને કાર્યવાહી આગળ વધારી હતી. મહાભિયોગ બાદ પેનાનું પદ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે મળતું કાનૂની રક્ષણ પણ સમાપ્ત થયું હતું.
ધરપકડનો આદેશ અને નજરકેદ
મહાભિયોગ બાદ પ્રોસિક્યુટર્સે સેન્ટિયાગો પેના સામે ધરપકડનો આદેશ આપ્યો હતો. તેમના પર વિશ્વાસઘાત, પ્રભાવનો દુરુપયોગ અને સરકારી ભંડોળના ઉપયોગમાં ગેરરીતિ સહિતના આરોપોની તપાસ ચાલી રહી છે. આ આદેશના આધારે તેમને તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા હતા. પેના તરફથી આ આરોપોનો ઇનકાર કરવામાં આવ્યો છે. આ કેસમાં પેરાગ્વેના ભૂતપૂર્વ સેન્ટ્રલ બૅન્ક પ્રમુખ કાર્લોસ કાર્વાલો સામે પણ ધરપકડનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉએનો બૅન્કના અધિકારીઓ અને તેની સાથે જોડાયેલા અન્ય લોકો સામે પણ તપાસ ચાલી રહી છે.
પેન્શન ફંડના 355 મિલિયન ડૉલરનો મુદ્દો
આ સમગ્ર વિવાદમાં સરકારી પેન્શન અને હેલ્થ ફંડના નાણાંનો મુદ્દો પણ મહત્ત્વનો છે. અહેવાલો મુજબ, પેરાગ્વેના સામાજિક સુરક્ષા સંસ્થાના આશરે 355 મિલિયન ડૉલર ઉએનો બૅન્કમાં જમા હતા. આ રકમ સંસ્થાના કુલ રોકાણનો આશરે 9 ટકા હિસ્સો હોવાનું જણાવાયું છે. વિરોધ પક્ષના સાંસદોએ આ નાણાં બૅન્કમાં રાખવાના નિર્ણય અને બૅન્ક પર દેખરેખ રાખવાની પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત, પેના પર બૅન્ક સાથેના હિતોના ટકરાવ અને નિયમનકારી તંત્રમાં દખલગીરીના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દાઓ હાલમાં તપાસ હેઠળ છે.
રાજીનામાનો પ્રયાસ નિષ્ફળ, પેડ્રો અલિયાના નવા રાષ્ટ્રપતિ
મહાભિયોગની કાર્યવાહી વચ્ચે સેન્ટિયાગો પેનાએ 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જોકે, સેનેટે તેમનું રાજીનામું 24 વિરુદ્ધ 20 મતોથી સ્વીકાર્યું નહોતું અને મહાભિયોગની પ્રક્રિયા આગળ ધપાવી હતી. પેના પદ પરથી હટાવાયા બાદ ઉપરાષ્ટ્રપતિ પેડ્રો અલિયાનાએ નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેઓ ઓગસ્ટ 2028 સુધીનો બાકી રહેલો કાર્યકાળ સંભાળશે. પદ સંભાળ્યા બાદ તેમણે બૅન્ક કટોકટીથી પ્રભાવિત ગ્રાહકોને મદદ કરવા અને તેમની થાપણો પરત અપાવવા માટે પગલાં લેવાની ખાતરી આપી હતી.
30 લાખ ગ્રાહકો પ્રભાવિત, થાપણો પરત કરવાની પ્રક્રિયા શરૂ
ઉએનો બૅન્કની કામગીરી અટકતાં આશરે 30 લાખ ગ્રાહકોને પોતાના ખાતાંમાંથી નાણાં ઉપાડવામાં અને વ્યવહારો કરવામાં મુશ્કેલી પડી હતી. આ સંકટને પગલે રાજધાની અસુન્સિઓન સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. સેન્ટ્રલ બૅન્કે જણાવ્યું હતું કે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ હેઠળ મોટાભાગના નાના થાપણદારોની રકમ સુરક્ષિત છે. અસરગ્રસ્ત ગ્રાહકોને નાણાં પરત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. જોકે, તમામ ગ્રાહકોને તેમની સંપૂર્ણ રકમ ક્યારે મળશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે.
પેન્શન ફંડની સુરક્ષા માટે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત
બૅન્કિંગ કટોકટી અને સરકારી ભંડોળની સુરક્ષાને લઈને પેરાગ્વેમાં લોકોનો વિરોધ યથાવત્ છે. શિક્ષકોના એક મોટા સંગઠને પેન્શન ફંડની સુરક્ષા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ સાથે સોમવારથી અનિશ્ચિત મુદતની રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ઉએનો બૅન્કનું સંકટ હવે માત્ર નાણાકીય મુદ્દો રહ્યું નથી, પરંતુ દેશની રાજકીય વ્યવસ્થા અને સરકારી સંસ્થાઓની વિશ્વસનીયતા માટે પણ મોટો પડકાર બની ગયું છે.








