અફઘાનિસ્તાન હાર્યું તેનો દોષનો ટોપલો ભારતના માથે: ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલે T20માં ભારતની તરફેણનો આક્ષેપ લગાવ્યો, કહી દીધી આ વાત...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27062024_064400_michael vaughan and rashid khan T20.webp)
- 27 Jun, 2024
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોગને T20 વર્લ્ડ કપ 2024નાં શિડ્યુલીંગની ટીકા કરી છે. અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી સેમી ફાઈનલ મેચમાં અફઘાનિસ્તાનની 9 વિકેટે હાર થયા બાદ તેમણે સેમી ફાઈનલના શિડ્યુલીંગની ટીકા કરી છે. તેમણે આ અંગે કહ્યું કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમી-ફાઈનલ મેચ આ મેચ પહેલા રમાવી જોઈતી હતી. જો આ રીતનું શિડ્યુલ હોત તો કદાચ અફઘાનિસ્તાનને પ્રેક્ટિસ કરવાનો સમય મળી જાત અને તેના કારણે તે પરિસ્થિતિથી પણ ટેવાઈ જાત. વોગને વધુમાં કહ્યું કે સાઉથ આફ્રિકાના અદભૂત દેખાવે અફઘાનિસ્તાનને T20 વર્લ્ડ કપ 2024માંથી હાર બહાર કરી દીધું છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરતા આક્ષેપ લગાવ્યો કે ટી20 વર્લ્ડ કપમાં ભારતની તરફદારી થઈ છે અને તેના કારણે અફઘાનિસ્તાનના ખેલાડીઓને પરિસ્થિતિથી વાકેફ થવાનો પુરતો સમય જ મળ્યો નથી.
વોગને ત્રિનાદની પીચની વાત કરતા કહ્યું કે અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ લઈને મોટા પ્રમાણમાં બાઉન્સનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેના પગલે તે માત્ર 56 રનમાં જ સમેટાઈ ગઈ હતી. વધુમાં વોગને નીંદા કરતા કહ્યું કે અફઘાનિસ્તાનની ટીમની ફ્લાઈટ મોડી પડી હતી અને અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે સુપર-8 મેચ રમી તે પછી સાઉથ આફ્રિકા સામે તે સેમી ફાઈનલ મેચ રમે તેની આડે માત્ર એક જ દિવસનો સમય હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઈનલ મેચ પહેલા રમાવી જોઈતી હતી. જોકે ભારત પ્રત્યે પક્ષપાત કરવામાં આવ્યો હતો. એ વાત તો અગાઉથી નક્કી જ હતી કે જો ભારત સેમી ફાઈનલમાં પહોંચશે તો તે ગુયાનામાં રમશે.
ત્રિનાદના બ્રેન લારા સ્ટેડિયમની પીચ પેસર્સ માટે સ્વર્ગ સમાન હતી અને તેના કારણે જ અફઘાનિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચમાં અહીં સૌથી ઓછો સ્કોર બનાવી શકી હતી. આ સ્કોર અફઘાનિસ્તાનનો T20 મેચનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. ઉલ્લેખનીય છે કે ટી20 ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં સેમી ફાઈનલ મેચમાં કોઈ ટીમે 100 રનથી ઓછા રન બનાવ્યા હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. બીજી તરફ અફઘાનિસ્તાન ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પ્રથમ વખત પહોંચ્યું છે. અત્યાર સુધીમાં વિવિધ ટીમોને વર્લ્ડ કપમાં ટક્કર આપતી આવેલી અફઘાનિસ્તાનની ટીમ આફ્રિકાની ટીમના બોલરોના આક્રમણ સામે ઝુંકી ગઈ હતી. અફઘાનિસ્તાનને થોડી આશા રહેમાનઉલ્લાહ ગુરબેઝ પાસે હતી. જોકે આફ્રિકાના બોલિંગ આક્રમણના કારણે તે ત્રણ જ બોલમાં આઉટ થઈ ગયા હતા. તેના પગલે આફ્રિકાના કોઈ પણ બેટ્સમેનના રનનો આંકડો 10ને પાર કરી શક્યો નહોતો.