ક્રિકેટમાં DLSઅદભૂત ક્રાંતિના શોધક ડકવર્થની ચીર વિદાય : T20 વર્લ્ડ કપ 2024 ની 4 મેચોના પરિણામ DLS થી જાહેર કરવામાં આવ્યું હતું
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan26062024_072105_duckworth-scaled.webp)
- 26 Jun, 2024
DLS મેથડ... તમે ક્રિકેટ મેચ દરમિયાન આ શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. તેનો ઉપયોગ વરસાદથી પ્રભાવિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના પરિણામો નક્કી કરવા માટે થાય છે. આ પદ્ધતિ શોધનાર ફ્રેન્ક ડકવર્થનું મંગળવારે અવસાન થયું. તેઓ 84 વર્ષના હતા. DLS એ ફ્રેન્ક ડકવર્થનું ક્રિકેટમાં સૌથી મોટું યોગદાન છે, કારણ કે તે તેના શોધકોમાંના એક હતા.
ફ્રેન્ક ડકવર્થે ટોની લેવિસ સાથે મળીને ડીએલએસની શોધ કરીને ક્રિકેટમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું હતું.જ્યારે ટોની લેવિસનું પણ 4 વર્ષ પહેલાં અવસાન થયું હતું.અગાઉ તેનું નામ ડકવર્થ-લુઈસ પછી માત્ર ડીએલ હતું. વર્ષ 2014માં જ્યારે ઓસ્ટ્રેલિયન આંકડાશાસ્ત્રી સ્ટીવન સ્ટર્ને તેમાં કેટલાક ફેરફારો કર્યા ત્યારે તેને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન એટલે કે DLS નામ આપવામાં આવ્યું હતું.
ઇંગ્લેન્ડના આંકડાશાસ્ત્રી ડકવર્થે ટોની લુઈસ સાથે મળીને આ પદ્ધતિ શોધી કાઢી હતી, જેને ઝિમ્બાબ્વે અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં 1 જાન્યુઆરી 1997ના રોજ પ્રથમ વખત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા લાગુ કરવામાં આવી હતી. ઝિમ્બાબ્વેએ આ મેચ 7 રને જીતી લીધી હતી. તે પછી ICCએ તેને 1999માં મંજૂરી આપી અને જે પછી 2001 માં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICCએ વરસાદી મેચોમાં ટાર્ગેટમાં સુધારો કરવા માટે પ્રમાણભૂત પદ્ધતિ તરીકે તેને સંપૂર્ણપણે અપનાવ્યું.
T20 વર્લ્ડ કપ 2024 ની 4 મેચોના પરિણામ DLS થી જાહેર કરવામાં આવ્યું હતું . જેમાં DLSનો નવીનતમ ઉપયોગ ICC T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8માં રમાયેલી છેલ્લી મેચમાં થયો હતો. આ મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી, જેમાં અફઘાનિસ્તાને DLS હેઠળ સુધારેલા લક્ષ્યાંક બાદ 8 રનથી જીત મેળવી હતી અને સેમીફાઈનલ માટે ટિકિટ બુક કરી હતી. T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ મેચ પહેલા પણ 3 મેચમાં DLSનો ઉપયોગ કરવામાં આવ્યો છે.