સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ કચ્છના અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ
- 02 Mar, 2024
આજે સવારથી જ અચાનક ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો ,હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે હવે જામનગર અને રાજકોટ અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરુ થયો છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા, બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, દ્વારકામાં વરસાદ શરુ થયો છે જ્યારે કચ્છના અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ભૂજ, મુંદ્રા અને ગાંધીધામમાં પણ ઝાપટું પડ્યું છે તો મહેસાણાના મંડાલી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની થતા ઘઉં, જીરા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. તમામ યાર્ડ એલર્ટ મોડમાં આવી ગયા છે અને ખેડૂતોને પોતાનો પાક શેલ્ટરમાં રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.
હવામાન વિભાગે માર્ચ મહિનાની શરૂઆતના દિવસ એટલે કે 1 માર્ચ અને 2 માર્ચે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી . માછીમારો માટે પણ ચેતવણીની જાહેરાત કરતા કહ્યું હતું કે, આગામી 1 માર્ચ થી 5 માર્ચ માછીમારોએ દરિયો ન ખેડવો, દરિયામાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારે પવન સાથે અરબી સમુદ્રમાં ભેજના કારણે લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત સહિત ઉત્તર ભારત સહિત, ગુજરાત, મહારાષ્ટ્ર સુધી રહેવાની સંભાવના છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ