સરકારની કાર્યવાહી... પાલનપુર બ્રિજ અકસ્માતમાં 2 અધિકારીઓ સસ્પેન્ડ

- 26 Oct, 2023
પાલનપુરમાં આરટીઓ સર્કલ નજીક રેલવે ઓવરબ્રિજના ગડર પડવાની ગોઝારી ઘટનામાં બે યુવકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો હતો. આ અંગે સરકાર પાસે કાર્યવાહી કરવાની માંગ ઉઠતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને આધારે ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. કમિટીના સભ્યોએ બનાવના દિવસે જ સાંજે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. મુખ્યમંત્રીના કડક આદેશ બાદ કાર્યવાહીના પગલે GPC ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેક લિસ્ટ કરાઈ છે અને 2 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા
આ ઘટના બાદ કોંન્ક્રીટના સેમ્પલ, સ્ટીલના સેમ્પલ, ડિઝાઈન, નકશાઓ વગેરે એકત્રિત કરીને સ્થળ પર પડેલી ગર્ડરનું અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા.
આ સેમ્પલનાં પરીક્ષણ પરિણામો ટૂંક સમયમાં અપેક્ષિત છે. તે આવ્યા બાદ સમિતિ ઘટનાનાં વિગતવાર તારણો પર આવી શકશે. આ દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલમાં જણાયું છે કે નિર્માણાધીન બાંધકામ વિસ્તારમાં બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ કમનસીબ ઘટના નિવારી શકાઈ હોત.
આ મામલાની તપાસ DySPને સોંપવામાં આવી
બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે નિર્માણધીન ઓવરબ્રિજના સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. આ બે યુવકોના પરિવારો દ્વારા જ્યારે કંપનીના એન્જિનિયરો અને ડાયરેક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે ત્યારે જ મૃતદેહોને સ્વીકારીશું તેવી માંગ કરી હતી ત્યારે હવે GPC કંપનીના 7 ડિરેક્ટર અને ચાર ઈજનેર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ આ મામલાની તપાસ DySPને સોંપવામાં આવી છે.