આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, રાત્રે 1 વાગ્યા સુધી દોડશે AMTS-BRTS અને મેટ્રો, પાર્કિંગ ચાર્જમાં કરાયો વધારો

- 14 Oct, 2023
આજે અમદાવાદમાં વર્લ્ડકપ-2023ના મહાકુંભ હેઠળની 12મી મેચમાં ભારત-પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Ahmedabad Narendra Modi Stadium)માં રમાવાની છે, ત્યારે આજે મેચને લઈને દર્શકો માટે AMTS-BRTS અને મેટ્રો રાત્રીના 1 વાગ્યા સુધી દોડશે. આ માટે એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી છે તેમજ વધારાની બે મેટ્રો પણ દોડાવવામાં આવશે. આ ઉપરાંત પાર્કિગ ચાર્જમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે વિશ્વકપની મેચ રમાશે. આ મેચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો આવે તેવી સંભવના છે. જેને લઈને મનપા દ્વારા આ મેચ માટે AMTS અને BRTSની એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી છે. સવારના 8થી રાત્રિના 1 કલાક સુધી બંને મ્યુનિ. બસ સેવા લોકોને મળી રહેશે. મેચ પુરી થયા બાદ શહેરમાં કોઈપણ સ્થળે પહોંચવા માટે રુપિયા 20 ભાડુ નક્કી કરવામાં આવ્યુ છે.
ભારત-પાકિસ્તાન લાઈવ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવી રહ્યા છે. જેને લઈને મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખાસ મેટ્રો ટ્રેનની સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાં બંન્ને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી 2 વધારાની મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી રહી છે, એટલે કે કુલ 8 મેટ્રો ટ્રેન સવારે મૂકવામાં આવી છે. આજે પ્રથમ ટ્રેન 6.20 કલાકે ઉપડશે. તથા બીજી ટ્રેન 6.40 કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના 7 કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ 12 મિનિટના અંતરે કાર્યરત રહેશે. આ સાથે કોઈ પણ સ્ટેશનની મુસાફરીનો દર 50 રૂપિયા રાખવામાં આવ્યો છે. મોડી રાત સુધી મેટ્રો ટ્રેન ચલાવવામાં આવશે.
અમદાવાદમાં વર્લ્ડ કપની મેચો દરમિયાન વાહન પાર્કિંગ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ખાનગી પાર્કિંગ ચાર્જમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. વાહન પાર્કિંગ માટે લોકોએ ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ આપવાનો રહેશે. પાર્કિગ માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. વાહનચાલકો Show My Parking નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુક કરાવી શકે છે. અગાઉ ખાનગી પાર્કિંગ પ્લોટમાં પાર્કિગ ચાર્જ ટુ વ્હીલરના 50 રૂપિયા અને કારના 200 રૂપિયા વસૂલાતા હતા.