ભારત આજે સતત ચોથી મેચ જીતવા ઉતરશે મેદાનમાં, બાંગ્લાદેશ સામે પુણેમાં થશે ટક્કર

- 19 Oct, 2023
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ODI World Cup 2023ની 17મી મેચ રમાશે. આ બંને ટીમોએ અત્યાર સુધી 3-3 મેચ રમી છે. ભારતે તેની ત્રણેય મેચમાં જીત મેળવી છે જયારે બાંગ્લાદેશે માત્ર એક મેચમાં જીત મેળવી છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યે રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વનડે મેચોમાં ભારતનું પલડું ભારે રહ્યું છે.
બાંગ્લાદેશની ટીમે ODI World Cup 2007માં એક ગ્રુપ મેચમાં ભારતેને હરાવી મોટો ઉલટફેર કર્યો હતો જેના કારણે ભારત ODI World Cup 2007માં ગ્રુપ સ્ટેજથી બહાર થઇ ગયું હતું. આ કારણોસર ભારત બાંગ્લાદેશ સામે ગંભીરતાથી રમશે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવવાના ઈરાદા સાથે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે. આ સાથે જ જો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે જીત મેળવવામાં સફળ રહે છે તો તેની પાસે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચવાની તક રહેશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હેડ ટૂ હેડ વનડે મેચોની વાત કરીએ તો ભારતીય ટીમનું પલડું ભારે છે. ભારતે અત્યાર સુધી 31 મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે જયારે તેને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લી વનડે મેચ કોલંબોમાં રમાઈ હતી. સપ્ટેમ્બર 2023માં રમાયેલી મેચમાં ભારતને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 265 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 259 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ODI World Cupમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 4 મેચ રમાઈ છે જેમાંથી ત્રણ મેચમાં ભારતને જીત મળી છે જયારે એક મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું હતું.