ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો: આજે ભારતીય ટીમ અમદાવાદ પહોંચશે

- 12 Oct, 2023
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઇને સમગ્ર અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, પાકિસ્તાની ટીમે 11 વર્ષ બાદ ભારતમાં આવી છે અને 11 વર્ષ બાદ પહેલીવાર ભારતીય ટીમ સામે ભારતમાં મેચ રમશે. જેથી આ મેચ ખુબ જ રોમાંચક બની રહેશે. આ મહામુકાબલા માટે ભારતીય ટીમ આજે અમદાવાદ આવશે.
ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચશે
ICCનો વનડે વર્લ્ડકપ 2023 ચાલી રહ્યો છે. ત્યારે 14 ઓક્ટોબરે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. જો કે આ મેચ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ગઈ કાલથી અમદાવાદ પહોંચી ગઈ છે. પાકિસ્તાની ટીમ શહેરના આશ્રમ રોડ પર આવેલ હયાત હોટલમાં રોકાઈ છે. ત્યારે ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચશે. ભારતીય ટીમ ITC નર્મદા હોટલમાં રોકાણ કરશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાનો ઓપનર શુભમન ગિલ પણ અમદાવાદ આવી પહોંચ્યો છે. જોકે, હાલમાં શુભમનના રમવા અંગે કોઈ માહિતી સામે આવી નથી.
પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
ભારત-પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચને લઇને અમદાવાદ પોલીસે અત્યાર સુધીનો ક્રિકેટનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે. અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં સ્ટેડિયમ અને સંવેદનશીલ વિસ્તારોમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામા આવી રહ્યું છે.